Comments

‘ચરણ આપનાં ત્યાં બિરાજે…’

નિત્યના કાર્ય પ્રમાણે પ્રાર્થનાને હજી વાર હતી એટલે ગાંધીજી સાંજે ફરવા નીકળ્યા. રસ્તામાં એક મુલાકાતી મળવા આવતા હતા. તેમણે પોતાનો સામાન જમીન પર મૂકી ભકિતભાવથી ગાંધીજીને પ્રણામ કર્યા. તેમના પ્રણામ સ્વીકારીને ગાંધીજીએ કહ્યું: ‘તમારો પત્ર મને મળ્યો હતો. તમે અહીં આવો તે પહેલાં મારા જવાબની રાહ જોશો એમ હું સમજતો હતો.’

ગાંધીજીની પરવાનગી વિના જ પોતે સેવાગ્રામ આવી પહોંચ્યા તેનો સંકોચ મુલાકાતીએ અનુભવ્યો. છતાં પોતાના આવવાનો ખુલાસો કરતાં તે બોલ્યા: ‘બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને વાઇસરોયને મળ્યા પછી આપે જે કરુણ નિવેદન કર્યું તેણે મારા હૃદયને હલાવી મૂકયું છે.

તેથી એક-બે દિવસ આપના સાન્નિધ્યમાં ગાળવાની મને ખૂબ ઇચ્છા થઇ આવી. હું સમજું છું કે મારે આપના જવાબની રાહ જોવી જોઇતી હતી પણ હું એટલી ધીરજ રાખવા જેટલો સંયમ ગુમાવી બેઠો અને હરદ્વારથી તરત આવી નીકળ્યો!’

ગાંધીજી કહે: ‘તમે મહારોગથી પીડાઓ છો તે હું જાણું છું. આશ્રમમાં સ્ત્રી-પુરુષો ઉપરાંત બાળકો પણ રહે છે. તેમની વચ્ચે તમને રાખવા એ યોગ્ય છે કે નહીં તે હું મારી જાત સાથે વિચારી રહ્યો હતો એટલે જવાબ આપવામાં વિલંબ થયો.’ મુલાકાતીએ પોતાના સામાનમાંથી એક સૂતરનું પડીકું કાઢી ગાંધીજીને આપતાં કહ્યું: ‘આ સૂતર મેં જાતે કાંત્યું છે તે આપને ચરણે ધરવાની મારી આશા પૂર્ણ થઇ છે. અહીં આવવાનો મારો હેતુ સિધ્ધ થયો છે. હું આજની રાત પેલા વૃક્ષ નીચે ગાળી સવારે હરદ્વાર ચાલ્યો જઇશ.’

મુલાકાતી એક વૃક્ષ નીચે જઇ બેઠો. આશ્રમ તરફથી તેને ભોજન આપવામાં આવ્યું અને તે પછી તે વૃક્ષ નીચે જ સૂઇ ગયો. એક અજાણ્યા પ્રદેશમાં વૃક્ષ નીચે રાત્રિ નિવાસ કરનાર તે મુલાકાતી સંસ્કૃત ભાષાના પંડિત શ્રી પરચુરે શાસ્ત્રી હતા! ઇ.સ. ૧૯૨૨ માં તેઓ  ગાંધીજીની સાથે જેલમાં હતાં. પછી કેટલાંક વર્ષોથી રકતપિત્તના રોગથી પીડાઇ રહ્યા હતા.

તે રાત બાપુને આશ્રમની નીરવ શાન્તિમાં અજંપો હતો. અસ્પૃશ્યો પણ જેનો સ્પર્શ કરવાનો ઇન્કાર કરે એવા બારણે આવેલા મહારોગીની હું અવગણના કરું તો મારી જીવનભરની અહિંસા લાજે અને સત્ય ઝંખવાણું બને. સૌ જેને તરછોડે એવા ત્યજાયેલને અપનાવવા માટે બાપુ પ્રેમળ જયોતિની ઝંખના કરતા હતા.

‘દૂર માર્ગ જોવા લોભ લગીર ના, મારે એક ડગલું બસ થાય…’

આ ભજનનું મનમાં રટણ ચાલતું હતું અને હવે પછીનું એક ડગલું ભરવાનો પ્રકાશ દેખાયો. અંતરાત્માનો અવાજ સંભળાયો.

તે પછી સવારની આશ્રમની પ્રાર્થના પૂરી થયા બાદ બાપુએ પોતાના મનની વાત આશ્રમવાસીઓ સમક્ષ કરતાં કહ્યું: ‘પરચુરેનું સ્વરૂપ ધારણ કરી ઇશ્વર મારા સત્ય-અહિંસાની કસોટી કરવા આવ્યો છે. આશ્રમની સૌથી તંદુરસ્તી જાળવવાની મારી જવાબદારી છે. આ બધાંને વચ્ચે મહારોગી પરચુરેને હું કેવી રીતે રાખી શકું? તમે બધાં જો આ જોખમ ખેડવા તૈયાર હો તો….’

આ કસોટીના કાળે આશ્રમવાસીઓએ પણ પ્રેમ અને ઔદાર્ય દાખવી આશ્રમમાં દાખલ કરવાની હા પાડી. ગાંધીજીની કુટિરથી થોડે દૂર તેમને માટે એક ઝૂંપડી તૈયાર કરી તેમાં આ મહારોગીને સ્થળ આપ્યું. ગાંધીજી અનેક કામોમાં ગૂંથાયેલા હોવા છતાં પરચુરેની સેવા માટે દરરોજ સમય કાઢતા. લોહી-પરુ વહેતા ઘા ને ધોવાનું, શરીરને માલિશ કરવાનું કામ ગાંધીજી પોતે જ કરતા. તેમના ખોરાકની વગેરે બાબતોમાં રસ લેતા.

તેમની સારવાર કરતી વેળા ગાંધીજીના મોં પર પરમ શાન્તિ અને આનંદ દેખાયાં. પછી આશ્રમવાસીમાંથી કોઇકે સ્વેચ્છાથી ગાંધીજીને આ સેવાકાર્યમાંથી મુકત કર્યા. બે દિવસ માટે આવેલા આ મુલાકાતીને આશ્રમમાં રહ્યે બે વરસ પૂરાં થવા આવ્યાં ત્યારે એમનો રોગ કાબૂમાં આવ્યો. તેઓ જાતે થોડું ફરતા થયા.

તેમની પાસે ઊભા રહી ગાંધીજી સંસ્કૃત શ્લોકો અને કાવ્યો સાંભળતા. થોડો વિનોદ કરી એમની પ્રેમભરી અમીદૃષ્ટિથી પરચુરેને પણ આરામ અને પ્રસન્નતા વર્તાતી. ગાંધીજીના મૌનવારના દિવસે તેમને કાવ્યોનો વિનોદ સંભળાવતા. બાપુ તો બોલે નહીં પણ પરચુરેના હાથમાં એકાદ ફળ આપતા ત્યારે પરચુરેના હૃદયમાં હર્ષ ઉભરાતો. દીન દરિદ્રતાના ઉધ્ધારક ગાંધીજી પોતાના જીવનમાં ભગવાનનાં દર્શન ઝંખતા હતા. એ ભગવાનનાં ચરણકમળ કયાં બિરાજતાં હતાં?

‘સહુથી દલિત, સહુથી પતિત, રંકનાં ઝૂંપડાં જયાં

પાછામાં પાછા, નીચામાં નીચાં, દૂબળાં પાતળાં જયાં,

ચરણ આપનાં ત્યાં બિરાજે….’

પરચુરે શાસ્ત્રી જેવા કુષ્ઠરોગીને જગત પતિતથી યે વધુ પતિત ગણતું હતું. આથી જ મનોમંથનની રાત્રિએ વિચારીને પરચુરેને આશ્રમમાં દાખલ કરીને એમના લોહી-પરુ નીકળતા ઘાને ધોઇને, દુ:ખતા શરીરને માલિશ કર્યું ત્યારે જ બાપુને પરમ શાન્તિ મળી અને તેઓ પ્રભુનાં ચરણકમળ સુધી પહોંચી શકયા!  

– આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top