SURAT

આ કેવું સ્માર્ટ સિટી?, સુરતના એરપોર્ટમાં કબૂતર ઉડે અને રેલવે સ્ટેશને મુસાફરોએ તંબુમાં બેસવું પડે!

સુરત: સુરત શહેર સ્માર્ટ સિટી (SmartCity Surat) હોવાના દાવા થઈ રહ્યાં છે. ભારતના નંબર 1 સ્વચ્છ શહેર (No. 1 clean City) તરીકેનો ખિતાબ પણ સુરત શહેરે મેળવ્યો છે. સુરતમાં વિશ્વનું સૌથી મોટું કમર્શિયલ કોમ્પલેક્સ (Commercial Complex) પણ બન્યું છે. અનેક સિદ્ધીઓ સુરતના નામે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સુરતમાં પાયાની સુવિધાનો પણ અભાવ છે.

અહીંના કહેવાતા ઈન્ટરનેશનલ એરપોર્ટ (SuratInternationalAirport) પર કબૂતર ઉડે છે અને ભૂંડ દોડે છે. બિલાડી સહપરિવાર વસવાટ કરે છે. તો બીજી તરફ પશ્ચિમ રેલવેના ઓરમાયા વર્તનના લીધે સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) પર યાત્રીઓએ (Passangers) કાળઝાળ ગરમીમાં તંબુમાં (Tent) બેસવું પડે એવી નોબત ઉભી થઈ છે.

  • ઇન્ટરનેશનલ ફ્લાઇટ જેટલી ઉડતી નથી એથી વધુ કબૂતરના ઝૂંડ ટર્મિનલ બિલ્ડિંગમાં ઉડે છે
  • સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડિંગમાં કબૂતરનો પરિવાર વધી રહ્યો છે
  • કબુતરોનાં ટોળા ટર્મિનલ બિલ્ડિંગમાં ગંદકી ફેલાવવા સાથે પેસેન્જરોના કપડાં ખરાબ કરી રહ્યાની ફરિયાદ

તાજેતરમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની એર સાઈડ પરથી બિલાડીનો પરિવાર મળી આવ્યો, એ પછી ટર્મિનલ બિલ્ડિંગ બહાર ભૂંડનાં ટોળા ગાર્ડન, પાર્કિંગ અને વહીવટી ભવન તરફ દોડતા હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. હવે એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડિંગમાં કબૂતરોનો પરિવાર વધી રહ્યો હોવાના ફોટોગ્રાફ વાઇરલ થયા છે.

ટર્મિનલ બિલ્ડિંગ ચબુતરો હોય એમ કબૂતરોનાં ટોળા પેસેન્જરોના હાથથી પડેલો ખોરાક આરોગવા પડાપડી કરી રહ્યાંની તસવીરો બહાર આવી છે. લાંબા સમયથી સુરત ઇન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગમાંથી કબૂતરોને પકડી ખુલ્લા આકાશમાં મુક્ત નહીં કરવામાં આવતા ટર્મિનલ પરિસરમાં કબૂતરો સતત પેસેન્જર પાસે ઉડાઉડ કરતા જોવા મળે છે.

તાજેતરમાં એક સિનિયર સિટીઝનનું કબૂતરની ચરક (હગાર)નાં બેક્ટેરિયાથી મોત થયાની ઘટના સુરતમાં બની હતી.ત્યારે કબૂતરોનાં ટોળા ટર્મિનલ બિલ્ડિંગમાં ગંદકી ફેલાવવા સાથે પેસેન્જરોના કપડાં ખરાબ કરી રહ્યાની ફરિયાદ પેસેન્જરો કરી રહ્યાં છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સુરત એરપોર્ટ પર પશુ પક્ષીઓની અવર જવર અટકાવવા વર્ષે 50 લાખનો ખર્ચ કરી રહી છે. પણ આ કામગીરી પાછળ વેઠ ઉતારવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી એક તરફ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડિંગમાં પેસેન્જરોને પકડી સેફ્ટી અને સિક્યોરિટીને લગતા વિડિયો વાઇરલ કરી આત્મસંતોષ લેતું આવ્યું છે.

પણ ટર્મિનલ બિલ્ડિંગ અંદર અને બહાર ગ્રાઉન્ડ રિયાલિટી જુદી છે. એરપોર્ટ ઓથોરિટી વાર્ષિક રૂ. 50 લાખનો ધૂમાડો કરી રહી છે. પરંતુ એરપોર્ટ પર બર્ડ હિટ અને એનિમલ હિટની ઘટનાઓ બનતી આવી છે. છેલ્લા 6 વર્ષમાં બર્ડ હિટ અને એનિમલ હિટનાં કુલ 101 બનાવો બન્યા છે.

આવી ઘટનાઓ માટે સુરત એરપોર્ટ રાજ્યમાં બીજા નંબર પર રહ્યું છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પશુ પક્ષીઓની અવર જવર અટકાવવા ખાનગી એજન્સી 20 કર્મચારીઓ કાર્યરત છે. પણ આ એજન્સી સામે અગાઉ કર્મચારીઓને બે – બે મહિનાનો પગાર નહીં ચૂકવવાની પણ ફરિયાદ એરપોર્ટ ડાયરેકટરને થઈ હતી.

સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને પ્લેટફોર્મના બદલે તંબુમાં બેસવું પડશે!
સુરત: 75 લાખની વસ્તી ધરાવતા સુરત શહેર સાથે રેલવે વિભાગે હંમેશા ઓરમાયું વર્તન કર્યું છે. સુરતને કોઈ સુવિધા આપવાની વાત આવે એટલે રેલવે તંત્ર જુગાડમાં લાગી જાય છે. હાલમાં પણ પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે, તેના માટે રેલવે સ્ટેશન બહાર એક કાયમી ટેન્ટ બનાવવામાં આવી રહ્યો છે. જેથી પ્રવાસીઓ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર ટેન્ટમાં રહેશે અને ટ્રેન આવવાના થોડા સમય પહેલા તેમને પ્લેટફોર્મ પર મોકલવામાં આવશે.

  • સુરત સાથે રેલવેનું સતત ઓરમાયું વર્તન: કોઈ પણ સુવિધા કાયમી આપવાના બદલે ટેમ્પરરી જુગાડ કરી આપવામાં આવે છે
  • રિ-ડેવલપમેન્ટ માટે પ્લેટફોર્મ 4 બંધ થવાની સ્થિતિમાં, હવે પ્લેટફોર્મની અવેજીમાં ટેન્ટ બનાવાશે
  • સુરત સ્ટેશન પ્રવાસીઓની સંખ્યાની સરખામણીમાં ખુબ જ નાનું પડે છે અને ગમે ત્યારે પ્લેટફોર્મ નંબર 4 બંધ થઈ શકે છે તે માટે સુરત રેલવે સ્ટેશનની બહાર કાયમી તંબુ બનાવવામાં આવી રહ્યો છે

75 લાખની વસ્તી ધરાવતા સુરતનું રેલવે સ્ટેશન ખુબ જ નાનું છે. માત્ર 4 પ્લેટફોર્મ ધરાવતા સુરત રેલવે સ્ટેશન પર રોજના 1.75 લાખ લોકોની અવર-જવર છે. જ્યારે રોજના માત્ર 25 હજાર પ્રવાસીઓની અવર-જવર ધરાવતા રાજકોટ રેલવે સ્ટેશન પર 7 પ્લેટફોર્મ છે.

સુરત સિવાયના સ્ટેશનનો વિકાસ પણ રેલવે પુરી રીતે કરી શક્યું નથી. તેથી દિવાળી, ઉનાળામાં કે લગ્નસરામાં પ્રવાસીઓની સંખ્યા રોજની સરખામણીમાં વધી જતી હોય છે. હાલમાં સુરત રેલવે સ્ટેશન પર રિ-ડેવલમેન્ટ અને એમએમટીએચનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ગમે ત્યારે પ્લેટફોર્મ નંબર 4 બંધ કરવાની સ્થિતિ આવી શકે એમ છે. ત્યારે રેલવેએ તેનો પણ જુગાડ શોધી કાઢ્યો છે.

રેલવે સુરત રેલવે સ્ટેશન બહાર પીઆરએસની સામે એક કાયમી ટેન્ટ બનાવવાનું શરૂ કરી દીધું છે. જ્યાં પ્રવાસીઓ માટે તમામ સુવિધાઓ હશે. સ્ટેશન મેનેજર મુકેશ સિંગે જણાવ્યું હતું કે અમુક ટ્રેનોના પ્રવાસીઓને સીધા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર આવવાના બદલે તેમને પહેલા ટેન્ટમાં રોકાવું પડશે. તેમની ટ્રેનનો સમય થશે ત્યાર બાદ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. ત્યારબાદ પ્રવાસીઓએ પ્લેટફોર્મ પર જઈ શકશે.

કાયમી જુગાડથી થશે પાર્કિંગની અસુવિધા
આ જુગાડથી રેલવેના પ્રવાસીઓને કેટલો ફાયદો થશે એ તો સમય જ બતાવશે પરંતુ રેલવેના કર્મચારીઓ અને પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડશે. પીઆરએસ સેન્ટરમાં આવતા પ્રવાસીઓ ત્યાં વાહનો પાર્ક કરતા હતા. રેલવેના કર્મચારીઓ પણ ત્યાં વાહનો પાર્ક કરતા હતા. વીઆઈપી પ્રવાસીઓ અને સરકારી વાહનો પણ ત્યાં પાર્ક થતા હતા. પરંતુ ત્યાં હવે કાયમી ટેન્ટ બની જવાથી વાહનો પાર્ક કરી શકાશે નહીં

Most Popular

To Top