Entertainment

જાન્હ્‌વીને ગુડલકની જરૂર

જાહાન્વી કપૂરની ગયા વર્ષે ત્રણ ફિલ્મો રજૂ થયેલી પણ એક ‘રુહી’ સિવાય તે લોકોને આકર્ષી શકી નહોતી પણ જે ફિલ્મ રજૂ થઇ ગઇ તેને અત્યારે હિસાબમાં શું લેવી? તે ફરી ‘ગુડ લક જેરી’ સાથે તૈયાર છે. તમિલ ફિલ્મ ‘કોલામાવુ કોકિલા’ની રિમેક તરીકે બનેલી આ ફિલ્મમાં તે એવી ઇનોસન્ટ છોકરી બની છે જે કોકેન સ્મગલીંગની નામીચી દુનિયામાં ફસાઇ જાય છે. ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રજૂ થઇ રહેલી આ ફિલ્મમાં જાન્હવી સિવાય કોઇ મોટુ સ્ટાર નથી. હા, દિપક ડોબ્રિયાલ હમણાં ચર્ચામાં રહે છે પણ ફિલ્મનો ભાર તો જાન્હવી પર જ રહેશે.

જાન્હવી તેની પહેલી ફિલ્મમાં પણ સીધીસાદી છોકરી હતી અને આ ફિલ્મમાં પણ તે પંજાબી પહેરતી, ચોટલા વાળતી યુવતી છે. તે ગ્લેમર લુકથી ભાગતી નથી પણ અત્યારે સાદગી પણ સાકર્ષે છે તો તે તૈયાર છે. ‘ગુંજન સકસેના: ધ કારગીલ ગર્લ’માં પણ તે સાદી છોકરીમાંથી સંજોગોવસાત લડાયક મિજાજ બતાવે છે. ‘ગુડ લક જેરી’ની કુંડળી પણ એ પાત્રને કદાચ મળતી આવે છે. તેની ‘મિલી’નું શુટીંગ પણ પૂરું થઇ ચૂકયું છે એટલે તે આ બીજી ફિલ્મ માટે પણ ગુડ લક માંગી રહી છે. ‘મિલી’ પણ એક સર્વાઇવલ થ્રીલર છે જેમાં તે ફ્રીઝરમાં ફસાઇ જાય છે ને જીવવા માટે લડત કરે છે.

શું જાન્હવી તેની મમ્મી શ્રીદેવીની જેવી રોમેન્ટિક ભૂમિકાઓ કરવા નથી માંગતી? કારણ કે ‘મિ. એન્ડ મિસીસ માહી’ પણ ક્રિકેટની આસપાસ ફરે છે. અલબત્ત ક્રિકેટના નિમિત્તે માનવીય લાગણી કેન્દ્રમાં છે. હા, તેનો નિર્માતા કરન જોહર છે પણ હીરો પેલો ‘રુહી’ વાળો રાજકુમાર રાવ છે. જાન્હવીની યાદીમાં વરુણ ધવન, રણબીર કપૂર, રણવીર સીંઘ, ટાઇગર શ્રોફ વગેરે હજુ કેમ નથી આવતા? તે જાણે કે પ્રથમ પાંચ હીરોઇનોની યાદીમાં આવવા તૈયાર નથી. બાકી સ્ક્રિન ઇમ્પેકટ બાબતે તે કમ નથી. તે ધારે તો દિપીકા પાદુકોણ, કિયારા અડવાણીનો રસ્તો પકડી શકે છે. હવે તેની આવી રહેલી ફિલ્મમાં એક ‘બવાલ’ છે જે અલબત્ત, નિતીશ તિવારીની છે ને વરુણ ધવન તેનો હીરો છે. હવે એ ફિલ્મ બવાલ મચાવે તો વાત જૂદી છે.

ખેર, અત્યારે તો ‘ગુડ લક જેરી’માં તે રોકાયેલી છે. અગાઉ નેટફલિકસ પર તેની ‘ગુંજન સકસેના: ધ કારગિલ ગર્લ’ આવી હતી ને હવે આ બીજી ડિઝની પ્લસ હોટ સ્ટાર પર આવશે. કોઇ પ્રશ્ન કરી શકે કે શા માટે થિયેટરમાં નહીં? તો ‘ગુડ લક જેરી’ના નિર્માતા આનંદ એલ. રાય કહે છે કે આ એવી સાઇઝની ફિલ્મ છે જે ઓટીટી પર જોવી વધારે યોગ્ય રહેશે. વળી થિયેટરમાં રજૂક રવા તારીખ નથી મળતી એટલે હવે બહુ મોડી કરવી નથી. ખેર! જાન્હવી આ ફિલ્મમાં પંજાબમાં બિહારી માઇગ્રન્ટ તરીકે દેખાશે જયાં તે તેની માના ઇલાજ માટે ડ્રગ્સ માફિયાઓ માટે કામ કરવા માંડે છે. જાન્હવી પોતે આ ભૂમિકાથી ખુશ છે. હવે પ્રેક્ષક ખુશ થાય તો બસ! •

Most Popular

To Top