Dakshin Gujarat

નવસારીની આ બેઠક પર આ વખતે પણ ભાજપનું પ્રભુત્વ રહે તેવી શક્યતા

નવસારી : નવસારીમાં મહત્વની મનાતી જલાલપોર બેઠક પર આર.સી.પટેલ પાંચ ટર્મથી ધારાસભ્ય છે. સૌથી સિનિયર ધારાસભ્યોમાંના એક એવા આર.સી.પટેલની ધારાસભ્ય તરીકેની કેરિયરની શરૂઆત જ ધમાકેદાર રહી હતી. 1995માં કોંગ્રેસના દિગ્ગજ નેતા સી.ડી.પટેલના હાથે 17505 મતોથી પરાજય વેઠનારા આર.સી.પટેલે બીજી જ ચૂંટણીમાં 1998માં એ હારનો બદલો લઇ લીધો હતો. સી.ડી.પટેલ જેવા મોટા ગજાના નેતાને 1692 મતોથી હરાવી જાયન્ટ કિલર તરીકેનો ખિતાબ આપોઆપ મેળવી લીધો હતો.

25 વર્ષથી જલાલપોરને ભાજપનો ગઢ બનાવી રહેલા આર.સી.પટેલને આ વખતે ત્રિપાંખિયા જંગનો સામનો કરવો પડશે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે રણજીત પાંચાલને મેદાનમાં ઉતાર્યા છે, તો આમ આદમી પાર્ટી તરફથી પ્રદીપ મિશ્રા ચૂંટણી લડી રહ્યા છે. જો કે, ખરી ટક્કર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે. હા, જો જલાલપોરના નવસારીને અડીને આવેલા શહેરી વિસ્તારમાં આપ ભાજપના મતમાં ગાબડું પાડે તો કોંગ્રેસ માટે એક તક ઊભી થઇ શકે ખરી. પરંતુ કોળી ઉમેદવાર નહીં હોવાનો ગેરલાભ પણ કોંગ્રેસને છે, એ ન ભુલાય.

જલાલપોર મત વિસ્તારમાં મત્સ્યઉદ્યોગ સબંધિત ઉદ્યોગોને અવકાશ
જલાલપોર મત વિસ્તારમાં ખાસ તો પીવાના પાણીની સમસ્યા હતી. પરંતુ મહદઅંશે એ ઉકેલાઇ છે. બીજી તરફ રસ્તા પણ સારા છે, ત્યારે હવે જરૂર છે. મત્સ્ય ઉદ્યોગ સંદર્ભે બીજા ઉદ્યોગો વિકસે એ માટેનો પ્રયાસ જરૂરી છે. એમ થાય તો જ રોજગારીની તકો વધી શકે છે. મત્સ્ય ઉદ્યોગ પણ ખાસ વિકસ્યો નથી, તો એ દિશામાં પ્રયાસ થાય એ જરૂરી છે. સાથે સાથે આ વિસ્તારમાં છીછરાં પાણી શિયાળામાં રહેતા હોવાથી ફ્લેમિંગો તથા સારસની સારી એવી વસ્તી છે, તો તેના સંવર્ધન માટે પણ પ્રયાસ જરૂરી છે. સારા શિક્ષણ માટે પણ શાળાઓ જરૂરી છે. સરકારી શાળાઓ મરવાને વાંકે ચાલી રહી છે, તો ખાનગી શાળાઓ અહીં જોવા મળતી નથી, ત્યારે સરકારી શાળાઓ કે હાઇસ્કુલોને ખાનગી શાળા જેવી ધમધમતી કરવાની જરૂર છે. બસ સેવા પણ સંપૂર્ણ સેવા કરી શકતી નથી

આર.સી.પટેલ (ભાજપના ઉમેદવાર)
ભાજપના પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આર.સી.પટેલે એસએસસી સુધીનો અભ્યાસ કર્યો છે અને વ્યવસાયે ખેડૂત તથા મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકના પદ સુધી પહોંચી શક્યા છે. પરંતુ હવે છઠ્ઠી ટર્મમાં જીતે તો સિનિયર નેતા તરીકે કોઇ સારું ખાતું તેમને મળે એ જરૂરી છે. એક બે ટર્મમાં વિજેતા થનારાઓને જ્યારે મંત્રીપદ મળતું હોય, ત્યારે આર.સી.પટેલ મહત્વના પદ માટે વધુ લાયક ગણાવા જોઇએ. કોળી સમાજને પણ એ થકી પ્રતિનિધિત્વ મળે એ પણ ભાજપે સરકાર બનાવે ત્યારે ધ્યાનમાં રાખવું પડશે.

રણજીત પાંચાલ (કોંગ્રેસના ઉમેદવાર)
રણજીત પાંચાલ ગઇ ચૂંટણીમાં પણ પરાજય વેઠી ચૂક્યા છે. તેઓ કોંગ્રેસના પરંપરાગત મતોથી વધુ મત એવા જાતિગત સમીકરણમાં બંધબેસતા નથી. તેમણે મોટર મિકેનિકલ એન્જીનીયર સુધીનો અભ્યાસ કર્યો છે, તો વ્યવસાયે તેઓ બિલ્ડર, ડેવલોપર, કોન્ટ્રાકટર છે. કોંગ્રેસ વિપક્ષ તરીકે નબળો રહ્યો છે, એ પાસું તેમને નડી જાય એમ છે. ઉપરાંત બાહુબલી ગણાતા આર.સી.પટેલ સી.ડી.પટેલ જેવા કોંગ્રેસના નેતાને હરાવી શકતા હોય, ત્યારે મુન્નાભાઇ તરીકે જાણિતા રણજીત પાંચાલ માટે આ જંગ મુશ્કેલ જરૂર છે.

અત્યાર સુધીના પરિણામ

  • વર્ષ વિજેતા ઉમેદવાર પરાજિત ઉમેદવાર સરસાઇ
  • 2017 આર.સી.પટેલ ( ભાજપ ) પરિમલ પટેલ ( કોંગ્રેસ) 25,664
  • 2012 આર.સી.પટેલ રણજીતભાઇ પાંચાલ 17,867
  • 2007 આર.સી.પટેલ સુરેશ એલ.પટેલ (કોંગ્રેસ) 33,131
  • 2002 આર.સી.પટેલ સુનિલ સી.પટેલ (કોંગ્રેસ ) 4,053
  • 1998 આર.સી.પટેલ સી.ડી. પટેલ (કોંગ્રેસ) 1,692
  • 1995 સી.ડી.પટેલ (કોંગ્રેસ ) આર.સી.પટેલ ( ભાજપ) 17,505
  • 1990 સી.ડી.પટેલ વસંત પી. પટેલ ( અપક્ષ) 4,000

Most Popular

To Top