World

ઇઝરાયેલી D9R બુલડોઝર ગાઝામાં તૈનાત, લેન્ડમાઈન અને સ્નાઈપર હુમલાની પણ કોઈ અસર નહિં

નવી દિલ્હી: હમાસના (Hamas) હુમલા બાદ ગાઝામાં (Gaza) તેના આક્રમણનું નેતૃત્વ કરવા ઇઝરાયલે (Israel) 26 ફૂટ લાંબુ બખ્તરબંધ બુલડોઝર (Bulldozer) તૈનાત કર્યું છે. આ બુલડોઝર ગાઝા બોર્ડર પર ઉભેલા 360,000 ઈઝરાયેલ સૈનિકો માટે રસ્તો બનાવશે. હમાસના હુમલામાં 1300 થી વધુ નાગરિકો માર્યા ગયા પછી, ઇઝરાયેલ સંરક્ષણ દળોએ બદલો લેવા માટે તેમની સંપૂર્ણ સૈન્ય શક્તિનો ઉપયોગ કર્યો છે. ઈઝરાયલે ગાઝા પટ્ટીને પણ સંપૂર્ણ રીતે ઘેરી લીધું છે, આવી સ્થિતિમાં ઈઝરાયેલને આ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં રસ્તો બનાવવા માટે તેના સુપર પાવરફુલ બુલડોઝરથી મોટી મદદ મળવાની આશા છે. આ બુલડોઝર ગીચ વસ્તીવાળા ગાઝા પટ્ટીમાં પણ સરળતાથી પોતાનો રસ્તો બનાવી શકે છે.

ઈઝરાયલ આર્મીના શસ્ત્રાગારમાં સામેલ આ બુલડોઝરનું નામ D9R છે. D9R આર્મર્ડ બુલડોઝર 15 ટન વધારાના બખ્તર સાથે ફીટ કરવામાં આવ્યું છે. તેને ડૂબી અથવા ટેડી બેર પણ કહેવામાં આવે છે. આ એ જ બખ્તરબંધ બુલડોઝર છે, જેને જોઈને હમાસના આતંકીઓ ડરી જાય છે. આ બુલડોઝર એટલું શક્તિશાળી છે કે એકે-47ને તો છોડો, રોકેટ અને આરપીજી હુમલાની પણ તેના પર કોઈ અસર થતી નથી. લેન્ડમાઈન અને સ્નાઈપર હુમલાની પણ આ બુલડોઝર પર કોઈ અસર થતી નથી. તે બહુમાળી ઈમારતોને સરળતાથી તોડી શકે છે અને ગાઝા પટ્ટીના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં હાજર શેરીઓના ચક્રવ્યૂહને દૂર કરીને સીધા અને સપાટ રસ્તાઓ બનાવી શકે છે.

ઇઝરાયેલે સૌપ્રથમ 1950ના દાયકામાં D9R આર્મર્ડ બુલડોઝર તૈનાત કર્યું હતું. ત્યારબાદ તેનો ઉપયોગ ટેન્ક અને સૈનિકો માટેનો રસ્તો સાફ કરવા અને લેન્ડમાઈન સહિત તમામ પ્રકારના વિસ્ફોટકોનો નાશ કરવા માટે કરવામાં આવતો હતો. હમાસના ગઢ સુધી પહોંચવા માટે, ઇઝરાયેલી દળોએ ખાણો, મોર્ટાર અને ટેન્ક વિરોધી શસ્ત્રો સહિત અનેક રક્ષણાત્મક સ્થિતિનો ભંગ કરવો પડ્યો હોત. 62 ટન વજન ધરાવતું આ મોન્સ્ટર બુલડોઝર તેના બે ક્રૂ મેમ્બરોને સ્નાઈપર અને મશીનગન ફાયરથી બચાવવા માટે બુલેટ-પ્રૂફ ગ્લાસથી સજ્જ છે. તે ગ્રેનેડ લોન્ચર, માઉન્ટેડ મશીનગન ઇન્સ્ટોલેશન અથવા સ્મોક પ્રોજેક્ટરથી પણ સજ્જ થઈ શકે છે.

રોકેટ-સંચાલિત ગ્રેનેડ સામે વધુ રક્ષણ પૂરું પાડવા માટે D9R ને 2015 માં “સ્લેટ આર્મર” સાથે અપગ્રેડ કરવામાં આવ્યું હતું. આ બુલડોઝર તેના માર્ગમાં આવતા કોઈપણ અવરોધને દૂર કરવામાં સક્ષમ છે. તે ખાઈ ખોદી શકે છે અને પુલ પણ બનાવી શકે છે. ઈઝરાયેલની સેનામાં સામેલ આ બુલડોઝરની કિંમત 739,000 પાઉન્ડ છે. પાછળથી ઇઝરાયલી નિષ્ણાતોએ તેને ઘણા પ્રકારનાં ખાસ બખ્તરથી સજ્જ કર્યું. જો કે તેનાથી બુલડોઝરનું વજન વધી જાય છે, પરંતુ તેને પોતાની સામેના તમામ પ્રકારના હથિયારોથી રક્ષણ મળે છે.

Most Popular

To Top