Charchapatra

યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવા તૈયાર છે?

રાજકારણીઓ જ્યારે ‘ના’ પાડતા હોય છે ત્યારે તેનો અર્થ ‘હા’ થતો હોય છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન યુદિયુરપ્પા ૭૮ વર્ષના છે. ૨૦૨૩ માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે તેઓ ૮૦ વર્ષના થઈ ગયા હશે. ભાજપની નીતિ મુજબ કોઈ પણ રાજકારણી ૭૫ વર્ષની ઉંમર વટાવે ત્યારે તેણે નિવૃત્ત થઈને નવી પેઢી માટે માર્ગ કરી આપવાનો હોય છે. આનંદીબહેન પટેલ ૭૫ વર્ષનાં થયાં ત્યારે તેમને ગુજરાતનાં મુખ્ય પ્રધાનપદેથી રિટાયર થવાની ફરજ પાડવામાં આવી હતી. રિટાયર થયેલો રાજકારણી ગવર્નર બનવા માટે યોગ્ય ગણાય છે. તે પ્રથા મુજબ આનંદીબહેનની ઉપયોગિતા જોતાં તેમને ઉત્તર પ્રદેશનાં ગવર્નર બનાવવામાં આવ્યાં હતાં. તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હરીફ ગણાતા યોગી આદિત્યનાથ પર નજર રાખવાની કામગીરી સોંપવામાં આવી છે.

યેદિયુરપ્પાની વાત પર પાછા ફરીએ તો કર્ણાટકમાં ભાજપને સત્તા પર લાવવામાં તેમનું સૌથી મોટું યોગદાન છે, પણ ઉંમર તેમની સાથે નથી. જો તેઓ ૨૦૨૩ માં ૮૦ વર્ષની ઉંમરે ચૂંટણી લડે અને મુખ્ય પ્રધાન બને તો તેમને ૮૫ વર્ષની ઉંમર સુધી મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રાખવા પડે. વળી યેદિયુરપ્પાની સરકાર પર ભ્રષ્ટાચારના સંગીન આરોપો પણ છે. કર્ણાટક ભાજપના કેટલાક તેમના વિરોધીઓ જ તેમનું રાજીનામું માગી રહ્યા છે.

ભાજપનું મોવડીમંડળ પણ વિચારી રહ્યું છે કે જો યેદિયુરપ્પાને ૨૦૨૩ માં રાજીનામું આપવાનું કહેવાનું હોય તો હમણાં જ કહેવું જોઈએ, જેથી ૨૦૨૩ ની ચૂંટણી નવા નેતા હેઠળ લડવામાં આવે. જો યેદિયુરપ્પા રાજીનામું આપે અને કોઈ બીજા નેતાને મુખ્ય પ્રધાન બનાવવાના હોય તો તે પણ યેદિયુરપ્પાની મદદ વિના કર્ણાટકની ચૂંટણી ભાજપને જીતાડી શકે તેમ નથી. યેદિયુરપ્પા રાજીનામું આપવા તૈયાર થઈ ગયા છે, પણ તે માટે તેઓ મોવડીમંડળ સાથે સોદાબાજી કરવા માગે છે. તેમની માગણી તેમના પુત્ર વિજયેન્દ્રને કેન્દ્રમાં મંત્રી અથવા કર્ણાટકના મુખ્ય મંત્રી બનાવવાની છે. આ માટે તેઓ દિલ્હીની મુલાકાતે આવ્યા હતા.

ભારતના રાજકારણીઓ ભ્રષ્ટાચાર પણ એટલી સિફતથી આચરે છે કે તેઓ પકડાઇ જાય તો પણ કોર્ટમાં પુરાવાના અભાવે નિર્દોષ છૂટી જાય છે. સ્વ. રાજીવ ગાંધીએ બોફોર્સના કેસમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો તેવું આખું ભારત માનતું હતું, તો પણ પુરાવાના અભાવે તેઓ નિર્દોષ છૂટી ગયા હતા. કર્ણાટકના ભાજપી મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ૪૦ કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. આ કૌભાંડ બહાર આવતાં કર્ણાટકના લોકપાલે તેમની સામે તપાસ યોજીને તેમને દોષિત ઠરાવ્યા હતા. યેદિયુરપ્પાને મુખ્ય પ્રધાનના હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી.  યેદિયુરપ્પા ભાજપમાંથી દૂર થતાં ભાજપમાં શૂન્યાવકાશ પેદા થયો હતો. વિધાનસભાની ચૂંટણીઓ કોંગ્રેસ જીતી ગઇ હતી. ભાજપના હાથમાંથી કર્ણાટક સરકી ગયું હતું.

યેદિયુરપ્પાના ભ્રષ્ટાચારના કેસમાં તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીમાં સત્તાપલટો થયો હતો અને સત્તા ભાજપી મોરચાના હાથમાં આવી હતી. તે પહેલાં યેદિયુરપ્પાને ભાજપમાં વાજતેગાજતે પાછો પ્રવેશ આપવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે સીબીઆઇનું સુકાન પણ ભાજપના નેતાઓના હાથમાં આવ્યું હતું. સીબીઆઇ કેન્દ્ર સરકારનો પાળેલો પોપટ છે, તેવું વિધાન તો સુપ્રિમ કોર્ટ કરી ચૂકી છે. સીબીઆઇએ યેદિયુરપ્પા સામેની તપાસ એવી ઢીલી પાડી કે હવે ભ્રષ્ટાચારના કેસમાં તેમનો નિર્દોષ છૂટકારો થયો હતો.

ભારતની અદાલતો પુરાવાના આધારે પોતાના ચુકાદા આપે છે. જો તેની સામે નક્કર પુરાવાઓ રજૂ કરવામાં ન આવ્યા હોય તો રીઢા ગુનેગારો પણ નિર્દોષ છૂટી જતા હોય છે. યેદિયુરપ્પાના કેસમાં પુરાવા ભેગા કરવાનું કામ સીબીઆઇને સોંપવામાં આવ્યું હતું.  અદાલતના ચુકાદાથી સાબિત થાય છે કે સીબીઆઇની બેદરકારીને કારણે યેદિયુરપ્પા નિર્દોષ છૂટી ગયા હતા. ત્યાર પછી તેઓ ભાજપ વતી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા.

હવે ફરી યેદિયુરપ્પા પર ભ્રષ્ટાચારના અને સગાવાદના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ વખતે તેમના પર સૌથી સંગીન આક્ષેપ એ છે કે તેમના પુત્ર વિજયેન્દ્ર રાજ્યમાં સમાંતર સરકાર ચલાવી રહ્યા છે. તેમની સંમતિ વિના અધિકારીઓ કોઈ ફાઇલ પર સહી કરતા નથી. દરેક ફાઇલ પર સહી કરવા માટે મોટી રકમ માગવામાં આવે છે. યેદિયુરપ્પાની બીજી તકલીફ એ છે કે તેમની સામે ૨૦૦૬ માં અને ૨૦૦૮ માં ફાઇલ કરવામાં આવેલા કેસો બંધ કરવા કોર્ટ તૈયાર નથી.

તાજેતરમાં યેદિયુરપ્પા નવી દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે તેમના પુત્ર વિજયેન્દ્ર પણ તેમની સાથે હતા તે વાત બહુ સૂચક છે. વિજયેન્દ્રની હાજરીને બે રીતે મૂલવી શકાય : એક, યેદિયુરપ્પા તેમને કર્ણાટકની ગાદી સોંપવા માગે છે. બે, યેદિયુરપ્પાની માગણી તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવાની છે. જો યેદિયુરપ્પા કદાચ મુખ્ય પ્રધાન તરીકે રિટાયર થાય તો પણ ૨૦૨૩ માં ચૂંટણી જીતવા માટે ભાજપને તેમની સેવાની જરૂર પડવાની જ છે. જો યેદિયુરપ્પા પક્ષને જીતાડવાની જવાબદારી લેતા હોય તો તેઓ બદલામાં પોતાના પુત્ર માટે મુખ્ય પ્રધાનપદ માગી શકે છે.

જો વિજયેન્દ્રને ભાજપનું મોવડીમંડળ કર્ણાટકની ગાદી સોંપવા ન માગતું હોય તો તેમને કેન્દ્રના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જો કે તેની શક્યતા ઓછી છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું તેમાં યેદિયુરપ્પાનાં માનીતાં શોભા કરાંદલજેને સ્થાન મળ્યું હતું તે કોઈ સોદાબાજીના ભાગરૂપે જ મળ્યું હતું. સોદાબાજી એવી હતી કે નરેન્દ્ર મોદી તેમના પ્રતિનિધિને મંત્રીમંડળમાં સ્થાન આપે તેની સામે તેઓ કર્ણાટકની ગાદી ખાલી કરી આપે.

જો યેદિયુરપ્પાને કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે હટાવવામાં આવે અને તેઓ ભાજપના વિરોધમાં પડી જાય તો ભાજપ ૨૦૨૩ માં હારી જાય તેવું પણ બની શકે છે. ૨૦૧૩ માં આવું જ બન્યું હતું. યેદિયુરપ્પાને ભાજપમાંથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી તે પછી તેમણે પોતાનો પક્ષ રચ્યો હતો અને ચૂંટણી લડ્યા હતા. ભાજપના અનેક ઉમેદવારોને હરાવવામાં તેમણે ભૂમિકા ભજવી હતી, જેનાં પરિણામે ભાજપ હારી ગયો હતો અને કોંગ્રેસની સરકાર આવી હતી. ૨૦૨૩ માં તેનું પુનરાવર્તન થઈ શકે છે.

તાજેતરમાં ટી.જે. અબ્રાહમ નામના સામાજિક કાર્યકર દ્વારા યેદિયુરપ્પા અને તેમના સગાઓ સામે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે યેદિયુરપ્પાએ એમ. સુધીન્દ્ર રાવને કર્ણાટક સ્ટેટ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ બનાવવા માટે ૧૬ કરોડ રૂપિયાની લાંચ માગી હતી. રાવે કર્ણાટકના સ્થાનિક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કબૂલ કરી છે.

જો યેદિયુરપ્પા સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો જોર પકડે તો ભાજપની છબી ખરડાય અને તે ચૂંટણીમાં હારી જાય તેમ છે. તેને બદલે યેદિયુરપ્પાને હટાવીને બી.એલ. સંતોષ કે પ્રહ્લાદ જોશી જેવા કોઈ નેતાને ખુરશી સોંપવામાં આવે તો ભાજપ બચી જાય તેમ છે. યેદિયુરપ્પા ખુરશી છોડવા તૈયાર છે, પણ તેમાં શરતો લાગુ છે. જો યેદિયુરપ્પા રાજીનામું આપવાના હશે તો તેની જાહેરાત બેંગલોરમાં ૨૬ જુલાઇના કરવામાં આવશે, તેવા સમાચાર પણ વહેતા થયા છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top