Gujarat

સિનિયર IPS વિકાસ સહાયને ગુજરાતના પોલીસવડાનો ચાર્જ અપાયો

ગાંધીનગર : આજે રાજયના પોલીસ વડા તરીકે આશિષ ભાટિયા સેવા નિવૃત્ત થઇ જતાં તેમના સ્થાને ગુજરાત રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી તરીકે વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓ 1989ની બેચના આઇપીએસ અધિકારી છે. આ પદ પર કાયમી નિયુક્તિ નહીં થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહેશે, જો કે તેમનું આ સ્થાને કાયમી પોસ્ટિંગ થાય તેવી સંભાવના છે.

રાજ્યના પોલીસ વડા પદેથી આશિષ ભાટિયાનું આઠ મહિનાનું એક્સટેન્શન 31મી જાન્યુઆરી 2023માં પૂર્ણ થતાં સરકારે વચગાળાની નિયુક્તિ કરી છે. રાજ્યના ગૃહ વિભાગે આદેશમાં જણાવ્યું છે કે 1985 બેચના આઇપીએસ આશિષ ભાટિયાનો પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીનો કાર્યકાળ આજે પૂર્ણ થતાં તેમની ખાલી પડેલી જગ્યાનો વધારાનો હવાલો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી વિકાસ સહાયને સોંપવામાં આવે છે. તેઓ પોલીસ મહાનિર્દેશક (તાલિમ) ની જગ્યાએ ચાલુ રહેશે.

સરકારના આદેશ પછી આશિષ ભાટિયાએ ચાર્જ છોડ્યાં પછી વિકાસ સહાયે નવી જગ્યાનો ચાર્જ સંભાળી લીધો છે. તેઓ પીએસઆઇ ભરતી બોર્ડના ચેરમેન તરીકે રહી ચૂક્યાં છે. યુએન સહિત વિદેશમાં કેટલીક જગ્યાએ તેમણે ફરજ બજાવી છે. આણંદના એસપી તરીકે 1999 પછી તેમણે રાજ્યમાં વિવિધ જગ્યાએ કામ કર્યું છે. તેઓ અમદાવાદના ડીસીપી તરીકે પણ રહી ચૂક્યાં છે.

વિકાસ સહાયે 2005માં અમદાવાદ શહેર અને 2007માં સુરત શહેરમાં પણ ફરજો બજાવી છે. આઇજી સુરક્ષા તેમજ આઇજી સીઆઇડી આઇબીમાં ફરજ બજાવી છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં તેમનું યોગદાન મહત્વનું છે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે વિકાસ સહાયનો સમયગાળો જૂન 2025 સુધી હોવાથી તેઓને સરકાર આ પદ માટે કાયમી પોસ્ટીંગ આપે તેવી પણ શક્યતા છે.

Most Popular

To Top