Sports

આઇપીએલ મીડિયા રાઇટ્સના માત્ર બે પેકેજ વેચતા બીસીસીઆઇને મળ્યા રૂ. 44075 કરોડ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ પોતાની આઈપીએલ (IPL) લીગના ભારતીય ઉપખંડ માટેના મીડિયા રાઇટ્સ (Media Rights) રૂ. 44,075 કરોડમાં વેચતાં તે રમતગમતની દુનિયામાં સૌથી ધનિક સંસ્થાઓમાંની એક બની ગઇ છે. આ સાથે જ બીસીસીઆઇને (BCCI) એક મેચની (Match) જે રૂ. 107.5 કરોડની કિમંત મળી છે, તેના કારણે આઇપીએલ એક મેચના મૂલ્યની દૃષ્ટિએ વિશ્વની તમામ લીગમાં એનેફએલ પછી બીજા સ્થાને પહોંચી ગઇ છે.

  • ભારતીય ઉપખંડ માટેના ટીવી રાઇટ્સનું પેકેજ-એ 23,575 કરોડમાં જ્યારે ડિજીટલ રાઇટ્સનું પેકેજ બી 20,500 કરોડમાં વેચાયા
  • ભારતીય ઉપખંડ માટેના ટીવી અને ડિજીટલ રાઇટ્સના વેચાણથી બંને મળીને બીસીસીઆઇને એક મેચનું મુલ્ય રૂ 107.5 કરોડ મળ્યું

પ્રાપ્ત માહિતી મુજબ, 2023 થી 2027 સુધીની પાંચ સિઝનમાં 410 આઇપીએલ મેચો માટેના ભારતીય ઉપખંડના ટીવી રાઇટ્સના પેકેજ-એને રૂ. 23,575 કરોડમાં વેચવામાં આવ્યા છે, જે અનુસાર પ્રતિ મેચ રૂ. 57.5 કરોડ બીસીસીઆઇને મળશે. જ્યારે ભારતીય ઉપખંડ માટેના ડિજીટલ રાઇટ્સના પેકેજ બી માટે રૂ. 20,500 કરોડ અર્થાત એક મેચના રૂ. 50 કરોડ તેને મળ્યા છે. આમ બે પેકેજ વેચતા બીસીસીઆઇની સમૃદ્ધિ રૂ. 44,075 કરોડ વધી ગઇ છે. જ્યારે બીજા દિવસે હરાજી બંધ થઈ, ત્યારે જેમાં પસંદગીની નોન-એકેસક્લુઝિવ ડિજિટલ રાઇટ્સ ડીલનો સમાવેશ થાય છે તે પેકેજ સી માટે રૂ. 2000 કરોડની બોલી લગાવવામાં આવી, ત્રીજા દિવસે મંગળવારે હરાજી પેકેજ સી સાથે ફરી આગળ વધશે.

ઇંગ્લીશ પ્રીમિયર લીગ કરતાં આઇપીએલની એક મેચની કિંમત વધુ
આઇપીએલમાં 2023થી 2027 સુધીના મીડિયા રાઇટ્સની હરાજી દરમિયાન બીજા દિવસે બીસીસીઆઇને એક મેચની જે કિંમત મળી છે તે ઇંગ્લીશ પ્રીમિયર લીગ (ઇપીએલ)ની એક મેચના મુલ્ય કરતાં વધુ છે. ઇપીએલની એક મેચનું મુલ્ય લગભગ 86 કરોડ રૂપિયા છે, જેની સામે બીસીસીઆઇને નવા મીડિયા રાઇટ્સના વેચાણમાં એક મેચનું મુલ્ય 107.5 કરોડ જેવું મળ્યું છે અને આઇપીએલની એક મેચ કરતાં હાલ તો માત્ર એનએફએલ (અમેરિકન ફૂટબોલ લીગ)ની એક મેચનું મૂલ્ય વધુ છે. એનએફએલની એક મેચની કિંમત 109 કરોડ રૂપિયા છે. જો કે આઇપીએલના મીડિયા રાઇટ્સના ચારેય સ્લોટની હરાજી પુરી થતાં આઇપીએલની એક મેચનીની કિંમત અન્ય તમામ લીગ કરતા વધુ થઇ શકે છે.

એક મેચની વેલ્યૂના આધારે ટોપ ફાઇવ રમત લીગ
લીગ એક મેચની કિંમત
એનએફએલ રૂ. 109.31 કરોડ
આઇપીએલ રૂ.107.5 કરોડ
ઇપીએલ રૂ. 85.89 કરોડ
એનએલબી રૂ. 85.89 કરોડ
એનબીએ રૂ. 15.61 કરોડ

Most Popular

To Top