Columns

ગોડમેન જગ્ગી વાસુદેવનું નામ અનેક કૌભાંડો સાથે સંકળાયેલું છે

ભારત દેશ તેના વિવાદાસ્પદ ગોડમેનો દ્વારા જાણીતો છે. ઇન્દિરા ગાંધીના ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારી નામના ગોડમેન હતા, જેઓ પોતાના પ્રાઇવેટ જેટમાં ઉડતા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવના ગુરુ ચંદ્રાસ્વામી હતા, જેઓ શસ્ત્રોના આંતરરાષ્ટ્રીય સોદાગર અદનાન ખશોગ્ગી સાથે ગાઢ સંબંધો રાખતા હતા. શસ્ત્રોના કેટલાક સોદાઓમાં તેઓ મિડલમેનની ભૂમિકા પણ ભજવતા હતા. આચાર્ય રજનીશમાંથી ભગવાન બનેલા ઓશોની જિંદગી પણ વિવાદોથી ઘેરાયેલી હતી. તેઓ સુંદર સ્ત્રીઓ અને રોલ્સ રોઇસ ગાડીઓ માટે જાણીતા હતા. પુણેમાં આવેલો ઓશોનો આશ્રમ વ્યભિચારના અડ્ડા તરીકે જાણીતો હતો. ઓશોએ અમેરિકાના ઓરેગોનમાં હજારો એકર જમીન પર વૈભવશાળી આશ્રમ બાંધ્યો હતો. અમેરિકાની સરકારે તેમને જેલમાં નાખ્યા હતા.

વર્તમાનમાં પણ ભારતમાં 2 ગોડમેનો સૌથી વધુ વગદાર ગણાય છે. પહેલા શ્રી શ્રી રવિશંકર છે, જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક ગણાય છે. તેમણે દિલ્હીમાં યમુના નદીના તટ પર પર્યાવરણના તમામ નિયમોનો ભંગ કરીને બાંધકામ કર્યું અને આર્ટ ઓફ લિવીંગનો મેગા કાર્યક્રમ યોજ્યો તેનો વિવાદ આજે પણ ચાલી રહ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તેમની સંસ્થાને 5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શ્રી શ્રી રવિશંકર કરતા પણ જગદીશ ઉર્ફે જગ્ગી વાસુદેવ નામના દક્ષિણ ભારતીય ગોડમેન પણ લિટરલી હવામાં ઉડી રહ્યા છે. જગ્ગી વાસુદેવ લાંબી સફેદ દાઢી રાખે છે, ગોડમેન જેવા વસ્ત્રો પહેરે છે પણ દુનિયાની દરેક મજા માણવામાં માને છે. તેઓ પૂરપાટ વેગે મોટરસાઇકલ ચલાવવાનો પણ શોખ ધરાવે છે. જગ્ગી વાસુદેવ ફાંકડું અંગ્રેજી બોલી શકતા હોવાથી કોન્વેન્ટમાં ભણેલા ભારતીય બુદ્ધિજીવીઓના ફેવરીટ ગુરુ છે. જગ્ગી વાસુદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા હોવાથી મીડિયાના ફેવરીટ છે. તેમ છતાં જગ્ગી વાસુદેવનું નામ હત્યાથી ઠગાઈ સુધીના અનેક કૌભાંડોમાં સંકળાયેલું છે.

તાજેતરમાં BBCને અપાઈ રહેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન જગ્ગી ગુસ્સે થઈ ગયા હતા. કારણ કે ઇન્ટરવ્યૂ લેનારા પત્રકારે તેમને કોઇમ્બતુરમાં આવેલા આશ્રમમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો બાબતમાં સતત સવાલો કર્યા હતા. જગ્ગી વાસુદેવ તેના સંતોષકારક જવાબો આપી ન શક્યા, ત્યારે ઉશ્કેરાઈ ગયા હતા. સ્ટુડિયોમાં તેમની સાથે આવેલા તેમના સમર્થકોએ ઇન્ટરવ્યૂ લેનારને કેમેરા બંધ કરવાની ફરજ પાડી હતી. જગ્ગી વાસુદેવે કોઇમ્બતુર નજીક આવેલા જંગલમાં 150 એકર જમીન ખરીદી સરકારની મંજૂરી વગર 77 મકાનો બાંધી દીધા હતા. આ બાંધકામને કારણે જંગલના હાથીઓની અવરજવરનો માર્ગ અડચણમાં આવી ગયો હતો. જંગલ ખાતા દ્વારા તેમને મકાનો તોડી પાડવાની નોટિસ મળી, તેને તેમણે કોર્ટમાં પડકારી હતી.

જગ્ગી વાસુદેવની જિંદગીના પ્રારંભિક વર્ષોમાં મોટો વિવાદ થયો હતો. 1997ના જાન્યુઆરીમાં તેમની પત્ની વિજયાકુમારી ઉર્ફે વિજીનું શંકાસ્પદ હાલતમાં કોઈમ્બતુરના આશ્રમમાં મોત થયું હતું. જગ્ગી વાસુદેવે વિજીના બેંગલોર રહેતા પિતા T.S. ગંગનાને તેની જાણ કરી હતી પણ તેઓ આશ્રમમાં પહોંચે તે પહેલા જ તેના મૃતદેહને અગ્નિદાહ દઈ દીધો હતો. જગ્ગીના સસરાને શંકા હતી કે જગ્ગીને આશ્રમની કોઈ મહિલા સાથે આડા સંબંધો હતા. માટે તેમણે પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી. તેમણે બેંગલોર જઈને જગ્ગી વાસુદેવ સામે પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. બેંગલોર પોલીસે આ ફરિયાદ કોઈમ્બતુરમાં ટ્રાન્સફર કરી નાખી હતી. જગ્ગી વાસુદેવની પત્નીની હત્યાનો કેસ આજ દિન સુધી ઉકેલાયો નથી. જગ્ગીને તેમની પત્નીના મરણ વિશે જ્યારે પણ સવાલ કરવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે તેનો તો મોક્ષ થઈ ગયો છે.

જગ્ગી વાસુદેવને પહેલા તામિલનાડુમાં પણ કોઈ ઓળખતું નહોતું પણ પ્રસિદ્ધ સાપ્તાહિક આનંદ વિકાટનમાં પ્રકાશિત થયેલી લેખમાળાને કારણે તેઓ પ્રકાશમાં આવી ગયા હતા. આ લેખમાળામાં તેમણે ભારતના ઋષિમુનિઓના ઉપદેશથી વિરુદ્ધ જઈને એવું પ્રતિપાદન કર્યું હતું કે ‘ઇચ્છાઓ સારી છે. કારણ કે તેને કારણે જ મનુષ્યની પ્રગતિ થાય છે.’ 2006માં તેમના લેખો તમિલ ભાષાના વિખ્યાત બાઇવિકલી નક્કીરનમાં પ્રગટ થવા લાગ્યા. નક્કીરનના તંત્રી કામરાજ તામિલનાડુના તત્કાલીન મુખ્ય પ્રધાન કરૂણાનિધિની નજીક હતા. તેમણે જગ્ગી વાસુદેવની ઓળખાણ કરૂણાનિધિ સાથે કરાવી. કરૂણાનિધિના સહયોગથી તેમણે ગિરિમાળાઓ બચાવવાની ઝુંબેશ શરૂ કરી. હકીકતમાં તેમણે જંગલમાં આશ્રમ બાંધીને પર્યાવરણનો દાટ વાળ્યો હતો.

જગ્ગી વાસુદેવે કોઈમ્બતુર નજીક આવેલા જંગલમાં પોતાનો આશ્રમ બાંધ્યો. તેમાં માત્ર 300 ચોરસ મીટર જમીન પર જ બાંધકામ કરવાની પરવાનગી હતી. તેનો ભંગ કરીને તેમણે 63,380 ચોરસ મીટરનું બાંધકામ કરી નાખ્યું હતું. ઈશા ફાઉન્ડેશન પોતાના બચાવમાં કહે છે કે તેને સ્થાનિક ગ્રામપંચાયત દ્વારા બાંધકામની પરવાનગી મળી હતી પણ હકીકતમાં જંગલની જમીન પર બાંધકામની પરવાનગી આપવાની ગ્રામપંચાયતને સત્તા જ નથી. આ જમીન પર બાંધકામની પરવાનગી આપવાની સત્તા માત્ર હિલ એરિયા કોન્ઝર્વેશન ઓથોરિટીને જ છે.

ઈશા ફાઉન્ડેશને બાંધકામ થઈ ગયા પછી સરકારની પરવાનગી માગી પણ તેને પરવાનગી મળી નહોતી. પરવાનગી નકારનાર અધિકારીની બદલી થઈ ગઈ હતી. ત્યાર બાદ સરકારમાં લાગવગનો ઉપયોગ કરીને જગ્ગી વાસુદેવે પોતાના ગેરકાયદે બાંધકામને કાયદેસરનો દરજ્જો આપાવી દીધો હતો. જગ્ગી વાસુદેવે તેમના આશ્રમમાં સરકારની પરવાનગી વિના 112 ફૂટ ઊંચું આદિયોગીનું પૂતળું બાંધી કાઢ્યું હતું. તેની સામે એક વનવાસી દ્વારા સરકારમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે દરમિયાન સમાચાર આવ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પૂતળાનું ઉદ્ઘાટન કરવા આવવાના છે. પર્યાવરણવાદીઓ દ્વારા નરેન્દ્ર મોદીને વિનંતી કરવામાં આવી કે તેમણે આ પૂતળાનું ઉદ્ઘાટન કરવા ન આવવું જોઈએ પણ તેઓ આવ્યા હતા અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. વડાપ્રધાન સાથે જગ્ગી વાસુદેવના ફોટા વાઇરલ થઈ ગયા હતા. તેમના વિરોધીઓને સંદેશો મળી ગયો હતો.

જગ્ગી વાસુદેવના આશ્રમમાં મહાશિવરાત્રિની ધામધૂમથી ઉજવણી થાય છે. તેમાં આશરે 5 લાખ લોકો હાજર રહેતા હોવાથી હાથીઓની અવરજવરનો રસ્તો ખોરવાઈ જાય છે. જંગલમાં કચરાના ઢગલા થવાથી પર્યાવરણને પણ નુકસાન થાય છે. જે 5 લાખ લોકો હાજર રહે તેમને પણ મફતમાં પ્રવેશ આપવામાં આવતો નથી. પ્રવેશ ફીના રૂપમાં તેમની પાસેથી 500 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની રકમ વસૂલ કરવામાં આવે છે.

તેવી રીતે ઈશા ફાઉન્ડેશન દ્વારા જે યોગના ક્લાસ ચલાવવામાં આવે છે, તેની ફી બેથી અઢી હજાર રૂપિયા છે. જગ્ગી વાસુદેવના પુસ્તકો, CD, ફોટાઓ વગેરેના વેચાણ દ્વારા પણ કરોડો રૂપિયાની આવક થાય છે. આ રીતે કમાવામાં આવતા કરોડો રૂપિયાની આવક પર કોઈ ઇન્કમ ટેક્સ ભરવામાં આવતો નથી. તેને ડોનેશન ગણીને ઇન્કમ ટેક્સમાંથી બાદ આપવામાં આવે છે. જગ્ગી વાસુદેવના કૌભાંડોની જો તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવે તેમ છે.

Most Popular

To Top