SURAT

સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટનું સ્વપ્ન સાકાર નહીં થાય?

સુરત: સુરતના (Surat) કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટને (Customs Notified Airport) સરેરાશ એક લાખથી વધુ પેસેન્જર (Passenger) મળી રહ્યાં હોવા છતાં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ (International Airport) આપવાનું સ્વપ્ન (Dream) સાકાર નહીં થાય એવા અણસાર મળી રહ્યાં છે. ડુમસ તરફના રનવે તરફ ઓએનજીસીની ગેસ પાઇપ લાઇન અને ગેસ સ્ટેશનના વાલ્વ તથા વેસુ તરફના રનવે પર મલ્ટી સ્ટોરી બાંધકામો નડતા હોવાથી ઇન્ટરનેશનલ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતાં વાઈડ બોડી એરક્રાફ્ટ ઉતરી શકતા નથી.

ડોમેસ્ટિક એરલાઈન્સના 189 સીટર વિમાનોના લેન્ડિંગમાં પણ પાયલટને સમસ્યાઓ આવી રહી હોવાથી વિમાનોને ચોમાસા અને શિયાળાની ઋતુમાં લેન્ડિંગ માટે રનવે દેખાઈ શકે એ માટે કેટ-1 એપ્રોચ લાઇટની જરૂરિયાત પૂરી કરવા 96.93 એકર જમીનમાંથી 20.33 એકર જમીન સંપાદન કરી એરપોર્ટ ઓથોરિટીને આપવા સતત માંગ કરવામાં આવી રહી છે. જેથી 280 મીટરના વધુ એરિયામાં એપ્રોચ લાઈટ લાગી શકે. છતાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ રહી નથી.

એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવ કુમારે એપ્રિલ 2022માં ગુજરાતના ચીફ સેક્રેટરીને પત્ર લખી જો સુરત એરપોર્ટના હયાત રનવેને સમાંતર પેરેલલ રનવે બનાવવાનું કોઈ આયોજન હોય તો સુરત એરપોર્ટના વર્તમાન કોડ -C ટાઈપ રનવેને કોડ-E માં તબદીલ કરવા 2100 એકરની જમીન રાજ્ય સરકારે આપવાની થાય છે. જો પેરેલલ રનવે માટે જમીન મળવાની ન હોય તો ચેરમેન સંજીવ કુમારે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે નવી જમીન શોધવાનું પણ ચીફ સેક્રેટરીને પત્રમાં સ્પષ્ટ જણાવી દીધું હતું. સુરતના વર્તમાન એરપોર્ટના 2905 મીટરના રન-વેને 3810 મીટરનો કરવા ONGC ની પાઇપ લાઇન અને ગેરકાયદે બાંધકામના અવરોધો નડી રહ્યાં છે.

3810 મીટરના પ્રસ્તાવિત સમાંતર રનવે માટે ખજોદ, આભવાના પ્રાઇમ એરિયામાં જમીન સંપાદન પાછળ મોટો ખર્ચ થશે, સમગ્ર ભીમપોર ગામનું પુનર્વસન કરવું પડે એમ છે. અને એરસાઇડમાં રનવેની બાજુમાં ઓએનજીસી પાઇપલાઇન અને વાલ્વ સ્ટેશન ખસેડવા પણ મોટો ખર્ચ કરવો પડે એ સ્થિતિમાં નવુ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ઊભું કરવા જમીનો શોધવાનો વિકલ્પ આપી એરપોર્ટ ઓથોરિટીએ હાથ ખંખેરી લીધા છે. AAI નાં ચેરમેન સંજીવ કુમારે જમીન,ONGC ની પાઇપ લાઇન અને નડતરરૂપ બાંધકામોના પ્રશ્નોને જોતા નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે પણ જમીનની ઓળખ કરવા માટે વૈકલ્પિક માર્ગ સૂચવ્યો છે જે સુરતની ભવિષ્યમાં જરૂરિયાત પૂરી કરી શકે છે.

Most Popular

To Top