Gujarat

કોંગ્રેસ અગ્રણીઓ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક

અમદાવાદ : પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ થી શરૂ કરવામાં આવેલી કોંગ્રેસની માતા કે દ્વાર યાત્રા આજે કાગવડ ખોડલધામ પહોંચી હતી. જ્યાં ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે યાત્રાનું સ્વાગત કરી કોંગ્રેસના અગ્રણીઓને ઉપરણા ઓઢાડી સ્વાગત કર્યું હતું. સાથે જ કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને નરેશ પટેલ સાથે લગભગ અડધો કલાક સુધી બંધ બારણે બેઠક યોજાઈ હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા યાત્રા યોજવામાં આવી રહી છે. જેમાં રાજકોટ થી કોંગ્રેસની માતા કે દ્વાર યાત્રા નીકળી હતી, જે આજે કાગવડ ખોડલધામ પહોંચી ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, યાત્રાના આયોજક લલિત કગથરા, તેમજ રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત અનેક કોંગી આગેવાનોનું સ્વાગત કર્યું હતું.

કોંગ્રેસ અગ્રણીઓ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે થયેલી બેઠક અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે ખોડલધામએ તમામ સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. તમામની માતાજી ઉપર આસ્થા અને શ્રદ્ધા હોય છે, તે તમામ લોકો અહીં આવતા હોય છે. કોંગ્રેસના આગેવાનોએ આમંત્રણ આપ્યું હતું, તેથી તેમનું સ્વાગત કરવા હું હાજર રહ્યો હતો. વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે દરેક સમાજને પોતાના હકની ટિકીટ માગવાનો અધિકાર છે. આજની બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થઈ નથી.

Most Popular

To Top