Gujarat

ગુજરાતની બેડમિન્ટન ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય સિનિયર ચેમ્પિયન્સને સમ્માનિત કરાયા

ગાંધીનગર: તાજેતરમાં વિયેતનામ ખાતે યોજાયેલી બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન 2023માં રાજ્યના બેડમિન્ટન ખેલાડીઓની સિદ્ધિઓ બદલ આજે ગાંધીનગર ગવર્નર હાઉસ ખાતે વિજેતા ખેલાડીઓનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સન્માન કર્યુ હતું.સન્માનિત ખેલાડીઓમાં મુખ્યત્વે ECA ગ્લોબલના સીઇઓ રાજેશ સિંઘ અને DGM SIDBI અજય માથુરનો સમાવેશ થાય છે, જેમણે મેન્સ ડબલ્સ એબોવ 50 (50 વર્ષથી ઉપરની વય) કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

રાજ્યપાલે જીતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીને મેન્સ ડબલ્સ એબોવ 45 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ બદલ તેમજ ઉન્નીકૃષ્ણ વર્મા અને અરૂપ બીને મેન્સ ડબલ્સ અબોવ 50 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ માટે પણ સન્માનિત કર્યા હતા. આચાર્ય દેવવ્રતએ વરિષ્ઠ ખેલાડીઓની પ્રતિભા અને પ્રયત્નોને ઓળખવા અને તેનું સન્માન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ખેલાડીઓના સમર્પણ અને સખત મહેનતને બિરદાવી હતી, અને ભારતમાં બેડમિન્ટનના સ્ટાન્ડર્ડને ઊંચું લઇ જવામાં અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપવામાં તેમના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી મયુર પરીખએ કહ્યું હતુ કે, બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન 2023માં મેન્સ ડબલ્સ 50+ કેટેગરીમાં રાજેશ સિંઘ અને અજય માથુરની પ્રભાવશાળી જીતનો શ્રેય તેમની સજ્જતાપૂર્વકની તાલીમને જાય છે. વિવિધ કેટેગરીમાં રાજેશ સિંઘ અને અજય માથુરે સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે જિતેન્દ્ર, સમીર, ઉન્નીક્રિશ્નન અને અરુપ બીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. આ સફળતાએ ભારતીય બેડમિન્ટનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર પ્રોત્સાહન આપ્યું છે.

Most Popular

To Top