National

ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત 2 સપ્ટેમ્બરે નેવીમાં જોડાશે

નવી દિલ્હી: ભારતીય નૌકાદળના (Indian Navy) વાઇસ ચીફ વાઇસ એડમિરલ એસએન ઘોરમાડેએ ગુરુવારે જણાવ્યું હતું કે, સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ (Aircraft) કેરિયર આઈએનએસ વિક્રાંતનું (Vikrant) કમિશનિંગ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવામાં ફાળો આપશે. ઘોરમાડેએ જણાવ્યું હતું કે, આઈએનએસ વિક્રાંતને 2, સપ્ટેમ્બરના રોજ કોચીમાં એક કાર્યક્રમમાં નેવીમાં સામેલ કરવામાં આવશે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે.

વાઇસ એડમિરલ ઘોરમાડેએ જણાવ્યું હતું કે, એરક્રાફ્ટ કેરિયરનું કમિશનિંગ એ અવિસ્મરણીય દિવસ હશે. કારણ કે, તે દેશની સમગ્ર દરિયાઈ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે. પૂછવામાં આવ્યું કે શું ભારતીય નૌકાદળ બીજા એરક્રાફ્ટ કેરિયરના નિર્માણ માટે ભાર આપી રહ્યું છે, ત્યારે તેમણે કહ્યું કે તેના પર ચર્ચા ચાલી રહી છે. આઈએનએસ વિક્રાંત પર વાઇસ એડમિરલે કહ્યું હતું કે, તેનું કમિશનિંગ એક ઐતિહાસિક પ્રસંગ હશે અને તે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક પણ છે. કારણ કે, તેના ઘટકો નોંધપાત્ર સંખ્યામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવ્યા છે.

આશરે રૂ. 20,000 કરોડના ખર્ચે બનેલ એરક્રાફ્ટ કેરિયરે ગયા મહિને દરિયાઈ ટ્રાયલનો ચોથો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ‘વિક્રાંત’ના નિર્માણ સાથે ભારત દેશી રૂપે ડિઝાઇન અને એરક્રાફ્ટ કેરિયર બનાવવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવતા રાષ્ટ્રોના પસંદગીના જૂથમાં જોડાઈ ગયું છે. જહાજમાં 2,300થી વધુ કમ્પાર્ટમેન્ટ્સ છે, જે લગભગ 1700 લોકોના ક્રૂ માટે રચાયેલ છે, જેમાં મહિલા અધિકારીઓને સમાવવા માટે વિશિષ્ટ કેબિનનો સમાવેશ થાય છે.
વિક્રાંત લગભગ 28 નોટ્સની ટોપ સ્પીડ અને લગભગ 7,500 નોટિકલ માઇલની સહનશક્તિ સાથે 18 નોટ્સની ક્રૂઝિંગ સ્પીડ ધરાવે છે.

એરક્રાફ્ટ કેરિયર 262 મીટર લાંબું, 62 મીટર પહોળું અને તેની ઊંચાઈ 59 મીટર છે. તેનું બાંધકામ 2009માં શરૂ થયું હતું.
નેવીએ જણાવ્યું હતું કે, જહાજ કુલ 88 મેગાવોટ પાવરની ચાર ગેસ ટર્બાઇન દ્વારા સંચાલિત છે અને તેની મહત્તમ ઝડપ 28 નોટ્સ છે. આ પ્રોજેક્ટ સંરક્ષણ મંત્રાલય અને કોચીન શિપયાર્ડ લિમિટેડ વચ્ચે મે 2007થી શરૂ થયેલા કરારના ત્રણ તબક્કા હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2009માં જહાજની કીલ નાખવામાં આવી હતી. નેવીએ જણાવ્યું હતું કે, એરક્રાફ્ટ કેરિયરને 2 સપ્ટેમ્બરના રોજ દળમાં સામેલ કરવામાં આવશે અને તે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવશે અને વાદળી પાણીની નૌકાદળ માટે તેની શોધમાં વધારો કરશે.

Most Popular

To Top