Charchapatra

ભારતીય મૂળની વ્યકિત બ્રિટનમાં વડા પ્રધાનપદે

બ્રિટનમાં અશ્વેત એવા હિન્દુ ઋષિ સુનક વડા પ્રધાન તરીકે ચૂંટાઇ આવતાં સ્વાભાવિક છે કે અહીં ભારતમાં આનંદનો માહોલ હોય. તેમાં પણ ખાસ કરીને હિન્દુ સમુદાયમાં વિશેષ આનંદની લહેર પ્રસરી ગઇ છે. આનાથી ઉલ્ટું લઘુમતી રાજકીય નેતાઓ કટાક્ષ કરી રહ્યા છે કે હવે ભારતમાં પણ લઘુમતી વડા પ્રધાન બનાવવા જોઇએ. આ વાતમાં સૌ કોઇ સહમત થશે તેમાં બેમત નથી. વડા પ્રધાન થવા માટે જે તે દેશની રાષ્ટ્રિયતા અપનાવીને ત્યાંના સમાજમાં જેમ અહીં પારસીઓ પાણીમાં સાકર ભળે તેમ રાષ્ટ્રિયતામાં ભળી ગયા છે તેમ ભળી જવું અગત્યની પાયાની બાબત છે. આમ થાય ત્યારે જ સર્વત્ર તેમના ટેકેદારો ઊભા થાય છે.

જો આ ન થયું હોત તો બ્રિટને 180 વર્ષ આપણને ગુલામ બનાવીને રાજય કર્યું તેમના દેશમાં ભારતીય મૂળના વ્યકિતને જેને અશ્વેત તરીકે ઓળખવામાં આવે તેને (42 વર્ષની) નાની ઉંમરમાં ગોરા ઉપર રાજ કરનાર વડા પ્રધાન તરીકે કયારે સ્વીકારે? આ પ્રશ્નનો જવાબ પહેલાં વિચારવો જોઇએ. ભારતીય લોકો દુનિયાના અનેક દેશોમાં વસે છે અને ત્યાંના થઇને રહે છે અને એટલે જ તેઓ ત્યાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર બિરાજે છે. જેમાં ઋષિ સુનકે વિદેશમાં બ્રિટનમાં વડા પ્રધાન તરીકેનું સર્વોચ્ચ સ્થાન મેળવીને પ્રથમ સ્થાન મેળવેલ છે. જેનો દરેક ભારતવાસીને ગર્વ છે. તેઓ આ પદ પર સફળ થાઓ તેવી શુભેચ્છા.
ગાંધીનગર           – ભગવાનભાઇ ગોહેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top