Sports

નવરાત્રિનાં કારણે ભારત-પાકિસ્તાનની મેચની તારીખ બદલાઈ, હવે આ દિવસે યોજાશે મુકાબલો

નવી દિલ્હી: 27 જૂને ICCએ ODI વર્લ્ડ કપ 2023ની મેચોનો શેડ્યુલ જાહેર કર્યો હતો. ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. જ્યારે ભારતીય ટીમ (Indian Team) પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપની સૌથી મોટી ભારત-પાકિસ્તાનની (India-Pakistan) મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ અમુક કારણ સર આ મેચની તારીખ બદલવામાં આવી છે.

ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓકટોબરની જગ્યાએ એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે રમાશે. આ સિવાય વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક અન્ય ફેરફારો પણ થયાં છે. આ તમામ ફેરફારોની જાહેરાત 31 જુલાઈએ કરવામાં આવી છે. વર્લ્ડકપના શિડ્યુલમાં ફેરફાર નવરાત્રીના તહેવારને કારણે કરવામાં આવી રહ્યો છે. નવરાત્રિનો પ્રથમ દિવસ 15 ઓક્ટોબરે આવી રહ્યો છે.

તા. 15 ઓકટોબરે જ્યારે ભારત પાકિસ્તાનની મેચ રાખવામાં આવી હતી તે તારીખથી ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. આ તહેવારનું ગુજરાતમાં ખૂબ મહત્ત્વ છે. ગુજરાતના તમામ શહેરોમાં ભીડવાળો માહોલ હશે. જેના લીધે ભારત પાકિસ્તાનની મેચની તારીખ બદલવામાં આવી છે. આ પહેલા સુરક્ષા એજન્સીના રિપોર્ટ બાદ મેચની તારીખ અથવા લોકેશન બદલવું તે અંગેનો વિચાર કરવાની ફરજ પડી હતી. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન જેવી હાઈપ્રોફાઈલ ગેમ્સ માટે હજારો ચાહકો અમદાવાદ પહોંચે તેવી અપેક્ષા છે. આ સમયે સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસ નવરાત્રિની વ્યવસ્થામાં વ્યસ્ત રહેશે. તેથી એક જ સમયે બે ઈવેન્ટનો બંદોબસ્ત જાળવવો મુશ્કેલ બની શકે છે.

ભારત પાકિસ્તાનની મેચની તારીખ અને સ્થળ અંગેની ચર્ચા કરવા BCCI સેક્રેટરી જય શાહે 27 જુલાઈએ સ્ટેટ એસોસિયેશન ઓફ વર્લ્ડ કપ વેન્યૂની ઈમર્જન્સી બેઠક દિલ્હીમાં બોલાવી હતી. BCCIની બેઠક બાદ જય શાહે પુષ્ટિ કરી હતી કે વર્લ્ડ કપની કેટલીક મેચોની તારીખો બદલવામાં આવશે, કારણ કે 23 પૂર્ણ સભ્યોના બોર્ડે ICCને શેડ્યૂલ બદલવાની અપીલ કરી હતી. જય શાહે કહ્યું કે મેચના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, માત્ર તારીખમાં ફેરફાર કરવામાં આવશે.

Most Popular

To Top