Comments

રાજકારણમાં જેમ વિચારધારા ભૂતકાળ બની ગઇ છે તેમ ભ્રષ્ટાચાર અને મોંઘવારી મુદ્દા રહ્યાં નથી

ભારતમાં (India) રાજનીતિ (Politics) અને તેને માટે રાજયશાસ્ત્ર હતું ને રાજનીતિ શીખવા રાજયશાસ્ત્ર ભણાવવામાં આવતું. હજુયે ભણાવાય છે, પણ તે ભણનારાની સંખ્યા ઘટતી જાય છે. કેમકે હવે રાજનીતિમાં પડનાર માટે ભણેલું રાજયશાસ્ત્ર નહીં પણ આજના રાજકારણનું જ્ઞાન જરૂરી છે. આ રાજકારણ એટલે જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, પક્ષાંતર, ભ્રષ્ટાચાર, વ્યભિચાર વગેરે વગેરે! આ બધું શીખવા કોઇ શાસ્ત્ર જરૂર નથી. આજની રાજકારણની સ્થિતિ ખુદ જ તેની પાઠશાળા છે. રાજકારણમાં વિચારધારા જેમ ભૂતકાળની (Past) ઘટના બની ગઇ છે તેમ બેકારી, મોંઘવારી કે ભ્રષ્ટાચાર (Corruption) પણ હવે કોઇ મુદ્દા રહ્યા નથી. પક્ષાંતર તો આજના રાજકારણનું અભિન્ન અંગ બની ગયું છે. આમાં કોઇ ‘પાર્ટી વીથ ડિફરન્સ’ (Party With Defence) જેવું ખાસ કંઇ બચ્યું નથી. રાજકીય પક્ષો અને નેતાઓની પેઠે પ્રજાને પણ હવે પક્ષાંતર ને ભ્રષ્ટાચાર કોઠે પડી ગયો છે.

પહેલાં ભાજપ ને પછી આમ આદમી પાર્ટી. આ પ્રારંભમાં પ્રજાને કોંગ્રેસ કરતાં જુદા લાગતા હતા. હવે આવ ભાઇ હરખા આપણે સૌ સરખા જેવા બની ગયા છે. કોંગ્રેસમુકત ભારતની વાત કરનાર ભાજપ ખુદ હવે કોંગ્રેસયુકત બની ગયો છે. કોંગ્રેસમાંથી આવનારની છેલ્લી ઘડી સુધી આતુરતાપૂર્વક રાહ જોવાય છે. ને કેસરી-ટોપી ખેસ પહેરાવીને જીતે તેવો હોય તો વિના વિલંબે ટિકિટ આપી દેવાય છે. હવે કોઇ કોંગ્રેસીને પ્રવેશ નહીં અપાય તેવું ભાજપ કહે પછી છેક સુધી પ્રવેશોત્સવથી ચાલુ જ રહે છે. 20 જેટલા કોંગ્રેસમાંથી આવેલાને ભાજપે પસંદ કર્યા છે ને હજુ ત્રણ ચારની પસંદગી કરાશે એવું લાગે છે. રાજયના ભાજપના પ્રધાનમંડળમાં આજે 50 ટકા કોંગ્રેસમાંથી આવેલા હતા. 1 કરોડની સભ્ય સંખ્યા ધરાવતા વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષને ઉછીના કે આયાતી કેમ લેવા પડે છે? ચાલ, ચલનને ચારિત્ર જેવા પાયામાં છે તેને ભ્રષ્ટ તથા આયાતીને પણ કેમ લેવા પડે છે તે પ્રશ્ન પ્રજાને મૂંઝવે છે.

આવા ભરતી મેળા કે પ્રવેશોત્સવ કરાય છે તેનો અર્થ એ કે 27 વર્ષથી ભાજપ પોતે કહે છે કે તેણે ઘણો વિકાસ કર્યો છે તો શું ભાજપને પોતાનાં વિકાસકાર્યો પર વિશ્વાસ નથી? ગમે તેવો માણસ ભાજપમાં આવે એટલે ગંગાજળ છાંટયું હોય તેમ પવિત્ર થઇ જાય છે. ઘણા વ્યંગમાં ભાજપને ‘વોશીંગ મશીન’ પણ કહે છે. 27 વર્ષમાં વિકાસ કર્યો છે તો પછી આખે આખી સરકાર કેમ બદલવી પડી અને ખુદ પૂર્વ મુખ્યમંત્રી ને નાયબ મુખ્યમંત્રી કે જેઓ 75 વર્ષના નથી છતાં તેમની ટિકિટ કેમ કાપવી પડી? ભાજપ અજય છે ને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને છબીને કારણે મત મળે છે તો પછી આયાતી ઉમેદવારોને કેમ પસંદ કરાય છે? ઘણા વ્યંગમાં કહે છે કે ભાજપમાં પદ મેળવવું હોય તો પહેલાં કોંગ્રેસમાં જઇને પછી ભાજપમાં આવવું પડે!
કોંગ્રેસ પણ આ જ માર્ગે છે. ભાજપમાંથી જે અસંતોષી આવે તેને ટિકિટ આપવાનો વ્યૂહ તેણે પણ અપનાવ્યો છે. આમ આદમીમાં તો થોડા સમય પહેલાં કોંગ્રેસમાંથી નવી ભરતી થયેલા પણ ઘણા પાછા પોતાના મૂળ પક્ષમાં જઇ રહ્યા છે. આપ પણ કોંગ્રેસ કે ભાજપમાં આવેલાને મહત્ત્વ આપી રહ્યો છે. જેઓ કોંગ્રેસમાં હતા તે બે યુવા જ્ઞાતિ નેતાઓ કે જેમની ખુદની જ્ઞાતિ કે સમાજમાં તેમનો વિરોધ થાય છે તેમને પણ ભાજપ પસંદ કરે છે. ભાજપને આવી શું ખોટ પડી છે તેની પાસે વર્ષો જૂના અનેક સંનિષ્ઠ કાર્યકરોની મોટી ફોજ ખૂણે ખૂણે છે જે વિચારધારાને પણ વરેલી છે તેને કેમ મહત્ત્વ અપાતું નથી?

મૂળ વાત આજના રાજકારણનું સત્તાપ્રાપ્તિ જ મુખ્ય ધ્યેય છે. રાજનીતિમાં સેવા એ સાધ્ય ધ્યેયને સત્તા એ સાધન હતું. હવે સત્તા એ સાધ્ય ને ધ્યેય અને સેવા એ સાધન બની ગયું છે. આ માથાની ગણતરીથી સત્તા મળે છે જેને આપણે લોકશાહી કહીએ છીએ. સત્તા મેળવવા જીતે તેવા માથાની જરૂર હોય છે. એ માટે ભ્રષ્ટાચારી પાટલીબદલુ, વ્યભિચારી, અભણ, મૂડીવાદી, જ્ઞાતિવાદી જે કોઇ જીતે તેવા હોય તે ટિકિટના માપદંડ બધા જ પક્ષોને હવે કોઠે મળી ગયા છે. પ્રચારમાં યુવાનોને આકર્ષવા હીરો-હીરોઇનો આવે છે. એન્ટીઇન્કમન્સીના ડરે નો રીપીટની થિયેરી અપનાવાય છે. જેથી ઉમેદવાર કે પક્ષની નિષ્ક્રિયતા ઢંકાઇ જાય છે. 75 વર્ષની વય કે બે ત્રણ ટર્મ રહ્યા હોય તેમને ન આપવાનો માપદંડ પસંદગી માટે જાહેર કરાય છે. પણ તે માત્ર કાગળ પરના જ હોય છે. સેન્સ લેવાની કે પેનલ નક્કી કરવાની પધ્ધતિ માત્ર નાટકને કાર્યકરોની આંખે પાટા બાંધવા માટે હોય છે. ભાજપ કહે છે કે ધારાસભ્યોના કે નેતાઓના પરિવારના સભ્યોને ટિકિટ નહીં અપાય પણ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓના પરિવારજનોને ટિકિટ આપવામાં ભાજપને કોઇ વાંધો નથી. કેમકે જીતનો માપદંડ છે.
ગુજરાતમાં મજબૂત ત્રીજો વિકલ્પ ઊભો થઈ શકતો નથી તેનું કારણ નવા રચાયેલા પ્રાદેશિક પક્ષોના અત્યાર સુધીના નેતાઓ કોઇ ને કોઇ બીજો પક્ષ છોડીને આવેલા અસંતુષ્ટ નેતાઓએ જ પ્રાદેશિક પક્ષો બનાવ્યા છે જેથી તેને ઝાઝી સફળતા મળી નથી.
(મણિલાલ એમ. પટેલ)
(લેખક વરિષ્ઠ પત્રકાર-રાજકીય વિશ્લેષક છે)

Most Popular

To Top