World

સુદાનના ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે ભારત ચિંતિત: મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી

નવી દિલ્હી: આફ્રિકન દેશ સુદાન (Sudan)માં ગત સપ્તાહથી વ્યાપક હિંસા (riots) ફાટી નીકળી છે અને તેમાં ભારતના હજારો લોકો (Indian) ફસાયા હોવા ઉપરાંત એક ભારતીયનું મૃત્યુ (death) પણ થયું છે. વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આ અંગે ચિંતા વ્યક્ત કરવા સાથે આજે એક ઉચ્ચસ્તરીય બેઠકનું (High Level Meeting) નેતૃત્વ કર્યું હતું. એટલું જ નહીં, સુદાનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત કઈ રીતે લાવવા તે અંગે વિસ્તૃત ચર્ચા સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું.

સુદાનમાં ગઈ તા. 14મી એપ્રિલથી દેશવ્યાપી વ્યાપક હિંસાનો દૌર શરૂ થયો છે. SAF (સુદાની સશસ્ત્ર દળ) અને RSF (અર્ધસૈનિક રેપિડ સપોર્ટ ફોર્સ) વચ્ચે સત્તાસંઘર્ષ શરૂ થયો છે. જનરલ અબ્દેલ ફત્તાહ બુરહાનની આગેવાની હેઠળની SAF અને જનરલ મોહમ્મદ હમદાન દગાલોની આગેવાની હેઠળની RSF વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવી માહિતી સાંપડી છે કે સુદાનમાં ઓછામાં ઓછાં 4000થી વધુ ભારતીયો પણ વસે છે અને તેઓ ગૃહયુદ્ધની સ્થિતિમાં ફસાયા છે. એક ભારતીયનું આ હિંસામાં મોત પણ થયું હોવાના અહેવાલ છે.

ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદાન હિંસાને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદાનમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થયા હતાં અને તેઓ ન્યૂયોર્કમાં ભારતીયોની સુરક્ષા મુદ્દે સંયુક્ત રાષ્ટ્રના વડાને પણ મળ્યા હતાં. વિદેશ સચિવ, સંરક્ષણ સચિવ, CPV અને OIA સચિવ, એર ચીફ માર્શલ, DS PMO વિપિન કુમાર, રિયાધમાં ભારતીય રાજદૂત, નૌકાદળના વડાએ વડા પ્રધાનની બેઠકમાં હાજરી આપી હતી. પીએમ મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી.

વિદેશ મંત્રી એસ જયશંકર ત્રણ દિવસની વિદેશોની મુલાકાતે છે. તે ગુયાના, પનામા, કોલંબિયા અને ત્યાંથી ડોમિનિકા રિપબ્લિક જશે. સુદાન હિંસાને ધ્યાનમાં રાખીને તેઓ ન્યૂયોર્ક પણ પહોંચ્યા હતાં, જ્યાં તેમણે સુદાનમાં રહેતાં ભારતીયોની સુરક્ષાને લઈને સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસને મળી વિસ્તૃત ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રીએ કહ્યું કે સુદાનમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે અને આ જ કારણ છે કે ભારતને ભારતીયોની સુરક્ષામાં રસ છે. સંયુક્ત રાષ્ટ્ર યુદ્ધવિરામ ઇચ્છે છે, કારણ કે જ્યાં સુધી યુદ્ધવિરામ નહીં થાય અને કોરિડોર સ્થાપિત નહીં થાય ત્યાં સુધી ત્યાંથી લોકોને બહાર કાઢવા મુશ્કેલ છે. સંયુક્ત રાષ્ટ્રના ચીફ ગુટેરેસે પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી કહ્યું કે હિંસા શહેરી વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે, જે ગંભીર છે. એના કારણે શહેરીજનો, બાળકોને શાળા અને હોસ્પિટલોમાં આશરો લેવો પડી રહ્યો છે.

સુદાનમાં ગત 14મી એપ્રિલે જનરલ અબ્દેલ ફત્તાહ બુરહાનની આગેવાની હેઠળના સૈન્ય અને જનરલ મોહમ્મદ હમદાન દગાલોની આગેવાની હેઠળના અર્ધસૈનિક દળ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. સુદાનમાં 2021ના બળવા પછી બંનેએ સાથે મળીને અહીં સૈન્ય સરકાર ચલાવવાનું નક્કી કર્યું, પરંતુ મતભેદોને કારણે સરકાર પડી ગઈ અને હિંસા શરૂ થઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર આ હિંસામાં 330થી વધુ લોકો માર્યા ગયા છે અને અંદાજે 3,200થી વધુ લોકો ઘાયલ થયા છે. બાળકો માટે કામ કરતી યુએનની સંસ્થા યુનિસેફે હિંસામાં ઓછામાં ઓછા 9 બાળકોના પણ મોત થયાનું તેમજ 50થી વધુ બાળકો ઘાયલ થયા હોવાનું કહ્યું છે.

Most Popular

To Top