World

લદ્દાખ ક્ષેત્રમાં ગાલવાન કરતા પણ મોટા ષડયંત્રને અંજામ આપવાનો ચીનનો પ્રયાસ

આ સમયે ફરી એકવાર ભારત-ચીન બોર્ડર (India China Border) પર ભારે હલચલ મચી ગઈ છે. ગુપ્તચર અહેવાલો અનુસાર આ સમયગાળા દરમિયાન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન વચ્ચેની સ્થિતિ વર્ષ 2020 કરતા વધુ તણાવપૂર્ણ બનવાની શક્યતાઓ જણાવાઈ રહી છે. આ વખતે ચીન લદ્દાખ (Laddakh) ક્ષેત્રમાં ગાલવાન કરતા પણ મોટા ષડયંત્રને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. સ્થિતિ એવી છે કે ચીનના સૈનિકોએ LACના ઘણા વિવાદિત વિસ્તારોમાં આશ્રયસ્થાનો બનાવી લીધા છે અને ત્યાં જ ઉભા છે. હવે ચીની સૈનિકોએ ભારતીય સેના પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે.

ચીને આ વખતે સૌથી વધુ અતિક્રમણ ઉત્તરી લદ્દાખ ક્ષેત્રમાં કર્યું છે જ્યાં ચીની સૈનિકોએ દેપસાંગ વિસ્તારમાં 200 થી વધુ આશ્રયસ્થાનો બનાવ્યા છે. ચીનના સૈનિકોએ હવે આ આશ્રયસ્થાનોમાં અડ્ડો જમાવી દીધો છે. હવે તે કોઈપણ કિંમતે આ વિસ્તારોમાંથી પીછેહઠ કરવા માંગતો નથી. ચીન દ્વારા જ્યાં આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે તેમાંથી ઘણી જગ્યાઓ વિવાદિત વિસ્તારનો ભાગ છે. ભારતીય સૈનિકો અગાઉ આ વિસ્તારો સુધી પેટ્રોલિંગ કરતા હતા. પરંતુ હવે ચીની સૈનિકોની હાજરીને કારણે ભારતીય સેના તે વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે જઈ શકતી નથી. જેના કારણે બંને સેનાઓ વચ્ચે તણાવ વધી રહ્યો છે.

ચીની સૈનિકોએ વિન્ટરપ્રૂફ શેલ્ટર બનાવ્યા
સપ્ટેમ્બરમાં ઉઝબેકિસ્તાનમાં શિખર સંમેલનની શરૂઆત પહેલા ભારત અને ચીન વચ્ચે ઘણા વિવાદિત મુદ્દાઓ પરથી પોતપોતાના દળોને પાછા ખેંચવા માટે વાતચીત થઈ હતી. આ પછી બંને દેશોની સેનાઓએ પણ તે વિસ્તારોમાંથી પોતાના સૈનિકો હટાવવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ ચીને માત્ર ઔપચારિકતા પૂરી કરી. વિવાદિત મુદ્દાઓ પરથી ખસી જવાને બદલે ચીને હવે ત્યાં આશ્રયસ્થાન બનાવ્યા છે. જ્યારે સામાન્ય રીતે ચીની સૈનિકો શિયાળાની ઋતુમાં અહીંથી આપમેળે પીછેહઠ કરી લેતા હતા. પરંતુ આ વખતે ચીની સૈનિકોએ વિન્ટરપ્રૂફ શેલ્ટર બનાવ્યા છે. એટલે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સેના શિયાળામાં પણ તે વિવાદિત સ્થળો પર કાયમી છાવણી કરવા માંગે છે જેનો ભારત અત્યાર સુધી પોતાનો હોવાનું દાવો કરતું આવ્યું છે. ચીનનું આ ષડયંત્ર માત્ર એવું નથી પરંતુ તે સરહદના વિવાદિત વિસ્તારોમાં પોતાનો કાયમી કબજો જમાવવા માંગે છે. એક રીતે ચીને હવે સીધો જ ભારતને યુદ્ધ માટે પડકારવાનું શરૂ કરી દીધું છે. જો ચીનનો ઉદ્દેશ્ય યુદ્ધ કરવાનો ન હોત તો તેણે જાણીજોઈને વિવાદિત વિસ્તારોમાં આવી ગતિવિધિઓ ન કરી હોત.

ચીને આશ્રયસ્થાનો સાથે સરહદી વિસ્તારમાં અનેક ઊંડા ખાડા બનાવ્યા
ચીનના ઈરાદાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે ઉત્તરી લદ્દાખ પ્રદેશના દેપસાંગમાં જ્યાં ડ્રેગને ફેબ્રીકેટેડ અને વિન્ટરપ્રૂફ આશ્રયસ્થાનો બનાવ્યા છે ત્યાં સાધનો અને પુરવઠો અને દારૂગોળાની સપ્લાય માટે સરહદની નજીક ડેપથ લશ્કરી થાણાં પણ બનાવવામાં આવ્યા છે. આ ડેપ્થ આશ્રયસ્થાનોની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવી રહી છે. એટલે કે આ વખતે ચીન સંપૂર્ણ તૈયારી સાથે સરહદ પર ભારતને પડકાર આપી રહ્યું છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા બાદ આશ્રયસ્થાનોની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો હતો. મોટાભાગના નવા આશ્રયસ્થાનો ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં બાંધવામાં આવ્યા છે.

ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અક્સાઈ ચીન અને સિયાચીન ગ્લેશિયર વચ્ચેના સ્થળોએ ચીને આ આશ્રયસ્થાનો બનાવ્યા છે. ચીની સૈનિકો આ શિયાળામાં અહીં રહેવા માંગે છે. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે હિમવર્ષા અને શિયાળાની અસર તીવ્ર થતાં જ તેઓ ભારતના ઘણા સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરશે. ચીનના સૈનિકો હજુ પણ દેપસાંગ અને દમચોક પર કબજો જમાવી રહ્યા છે. જ્યારે 2020માં તે ગલવાન અને ડોકલામ વિસ્તારોમાં વધુ સક્રિય હતો. ચીન બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ હેઠળ આ વિસ્તારોમાં હાઈવે પ્લાન પર પણ કામ કરી રહ્યું છે. આ વિસ્તાર અક્સાઈ ચીન અને PoK ને જોડે છે. આવી સ્થિતિમાં વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ભારત માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Most Popular

To Top