Dakshin Gujarat

ઈસુની બીજી સદીમાં લાટ પ્રદેશ તરીકે ઓળખાતું આજનું અમલસાડ આટલું બદલાઈ ગયું છે

ઇસુની બીજી સદીમાં લાટ પ્રદેશ તરીકે ઓળખાતા તથા 11મી સદી પાટણના સોલંકી વંશીય શાસનના તામ્રપત્રમાં દર્શાવ્યા મુજબ તે સમયનું આમ્વલસાઢી એટલે આજનું અમલસાડ ગામ. આ ગામ ઐતિહાસિક, રાજકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ધાર્મિક, સહકારી અને કૃષિ જેવાં અનેક ક્ષેત્રે નોંધપાત્ર અને સીમાચિહ્ન રૂપ છે. આજે આપણે અમલસાડ ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ અમલસાડ ગામ, કાયાતળાવ અને સરીસ્ટેશન વિભાગની, ગ્રામ્ય સંસ્કૃતિ અને શહેરી સંસ્કૃતિની સુવિધાઓના સુંદર સમન્વય સાથેના અમલસાડ ગામના ભવ્ય ભૂતકાળને વાગોળીશું તથા વર્તમાનને પણ જાણીશું. હજારથી વધુ વર્ષ જૂના અમલસાડ ગામના નામમાં અમલ અને સાડ એમ બે પદો આવેલાં છે. અમલને આમ્રકુંજ અને આમળા સાથે અનુબંધિત ગણી શકાય તથા સાડનો અર્થ ખંડ કે પ્રખંડ થાય છે. એટલે કે આ ગામનું નામ તત્કાલીન વૃક્ષ-વનસ્પતિઓના સ્પર્શ સાથે રચાયેલું કહેવાય છે. આ ગામના રેલવે સ્ટેશનને પણ ઐતિહાસિક ગણી શકાય. કારણ કે, એના પર મહાત્મા ગાંધીબાપુનાં પાવન ચરણો પણ પડી ચૂક્યાં છે. ઉપરાંત આ સ્ટેશન આઝાદીની ચળવળ દરમિયાન ઈ.સ. 1942ની નોંધપાત્ર ઐતિહાસિક ઘટનાઓ સાથે પણ સંકળાયેલું છે. આ સ્ટેશનેથી ભૂતકાળમાં આ રળિયાત પ્રદેશની ખેત પેદાશો જેવી કે કેરી, કેળાં, સૂરણ, ફણસ, હળદર, પીપર અને અનાનસ અને હાલમાં ચીકુ અને કેરી વેપાર અર્થે અત્રેથી બહાર જાય છે.

વિકાસનો સાદ…અમલસાડ
એક ગામ બન્યું છે ધામ, વિદ્યા, વ્યાપાર કલાનું પ્રહરી,
અમલસાડ છે નામ, થયું સાકાર, સજાવી સમણું શહેરી.
ગ્રામ્ય સંસ્કૃતિ સુવિધા સઘડી ખાનપાન પણ લહેરી,
હાથ, હૃદય ને બુદ્વિધનના કસબી પ્રસ્વેદથી પલળી.
આમ્રકુંજ, લહેરાતી ક્યારી કેળ, ચીકુની બલીહારી,
મેઘધનુષી પચરંગી જ્ઞાતિ-જાતિની ગત મત ન્યારી.
રેલ, સડક ધમધમતા સઘળે, કોઈ નહીં અહીં તકરારી,
નાદ ઘૂઘવે આબાલવૃદ્ધે, આ જન્મભૂમિ અમ પ્યારી.

અમલસાડમાં બીજું શું આવેલું છે?
સસ્તા અનાજની દુકાન : 2
દૂધમંડળીની સંખ્યા : 1
અ.વિ.વિ.કા.સહકારી મંડળી : 1
પેટ્રોલ પંપ : 1
પર્યટન સ્થળ : 1 (અંધેશ્વર મહાદેવ મંદિર સંકુલ)
ફેક્ટરી : 1 (એનએચબી પ્રા.લિ.)
મેઇન્ટેનન્સ સર્વરની કચેરી : 1
પોસ્ટ ઓફિસ : 1
ટેલીફોન એક્સચેન્જ : 1
મોબાઇલ ટાવરની સંખ્યા : 3
બેંકોની સંખ્યા : 3
કોમ્યુનિટી હોલ : 1
આંગણવાડીઓની સંખ્યા : 6
પિકઅપ સ્ટેન્ડ :1
સ્વાતંત્ર્યસેનાની સ્મારક : 1
ગામમાં સ્ટ્રીટ લાઇટની કુલ સંખ્યા : 660
ઘન કચરો કમ્પોઝ ખાતર પ્લાન્ટ :1
રેલવે માર્ગ, કોસ્ટલ હાઇવે, અને પાકા માર્ગ

ગ્રામ પંચાયતના વર્તમાન પદાધિકારીઓ
સરપંચ : નિલેશકુમાર મનુભાઈ નાયક
ઉપસરપંચ : હાર્દિક દશરથભાઈ નાયક
સભ્યો: ભાવિકકુમાર સુભાષભાઈ પટેલ
હિનાબેન ભાવિનકુમાર નાયક
રીટાબેન આનંદભાઈ પટેલ
જાગૃતિબેન પ્રજ્ઞેશકુમાર જોશી
મયૂરીબેન ભાવિનકુમાર પટેલ
રાહુલકુમાર સુમનભાઈ પટેલ
જયદીપકુમાર મહેશભાઈ ગોહિલ
અશોકભાઈ સીરૂમાલ ભૈરવાની
અમીષાબેન કૌશિકભાઈ નાયકા
ગીતાબેન ભગુભાઈ નાયકા

ગામની વસતી સંબંધી માહિતી
અનુસૂચિત જાતિ પુરુષ 160, મહિલા 149-કુલ 309
અનુસૂચિત જનજાતિ પુરુષ 1610, મહિલા 1735-કુલ 3345
બક્ષીપંચ પુરુષ 1064, મહિલા 1013 કુલ-2027
સવર્ણ મહિલા 937, પુરુષ 904 કુલ 1841
કુલ પુરુષ 3771
કુલ મહિલા 3801
મળી કુલ વસતી 7572

ગામની આંકડાકીય માહિતી પર નજર
ગામની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો ગામનો કુલ વિસ્તાર 576 હેક્ટર 54 આરે 42 પ્રતિ આરે છે, જેમાં તળાવની સંખ્યા 7 છે. તળાવોનો કુલ વિસ્તાર 27 હેક્ટર, 12 આરે, 9 પ્રતિ આરે છે. કુલ બ્લોક નંબરોની સંખ્યા જોઈએ તો 1290 છે. જેમાં કુલ ખાતાઓની સંખ્યા 1095 છે. ખેતીલાયક ખાતાઓની સંખ્યા 684 છે. તો. બિનખેતી ખાતાઓની સંખ્યા 400 છે. સંયુક્ત જમીન મહેસૂલ રૂ.1,47,896.18 છે. સરકારી ખાતાઓની સંખ્યાની વાત કરીએ તો 11 ગામમાં કુલ મકાન 2915 છે. જેમાં દુકાનોની સંખ્યા 175 છે. તો બીપીએલ લાભાર્થીઓની સંખ્યા 314 છે.

ઈતિહાસ, પ્રકૃતિ અને સૌંદર્યના ત્રિવેણી સંગમ સમું અમૃત સરોવર
અમલસાડ ગામની શાનસમા સ્વાતંત્ર્યસેનાની પ્રવેશદ્વારની સામે અગાઉ ‘તલાવડી’ નામે ઓળખાતું નાનકડું તળાવ આજે ગામ માટે સીમાચિહ્ન બની ચૂક્યું છે. દેશની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિકસાવાયેલા આ સ્થળનું ઐતિહાસિક મૂલ્ય પણ અપાર છે. આ રસ્તેથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુ બે વખત પસાર થયા હતા. એની સ્મૃતિ તરીકે આ સ્થાનને ‘મહાત્મા ગાંધી વિચરણ પથ સ્મૃતિ’ તરીકે વિકસાવાયું છે. તળાવની ચારે બાજુએ સુંદર બગીચા તથા ચારિત્ર્ય ઘડતર માટે ઉપયોગી એવા મહાન વ્યક્તિઓના અવતરણોના નિર્દેશ સાથેનો સુરક્ષિત વોક વે, તળાવની વચ્ચે રંગબેરંગી ફુવારા સાથે ‘વાત્સલ્ય મૂર્તિ મા’નું ભવ્ય સ્થાપત્ય આકર્ષણ અને પ્રીતિપાત્ર સ્થાન બની ચૂક્યું છે. કલા મહાવિદ્યાલયના હાલના કાર્યકારી સુકાની અને કલાકાર એવા ચંદ્રકાંત મોરે અને પ્રેમના શિલ્પ કલાવૃંદ, ગામના અગ્રણી અને નિવૃત્ત આચાર્ય રમેશભાઈ નાચક તથા બીલીમોરા બી.એડ્.કોલેજના પૂર્વ આચાર્ય ડો.કિશોરભાઈ નાયક, સરપંચ નિલેશભાઈ નાયકનો આ ડ્રીમ પ્રોજેક્ટ નયનરમ્ય છે.

ગામના મતદારોમાં મહિલાઓની સંખ્યા વધુ
અમલસાડ ગામમાં 6 બજારથી વધુ મતદાર છે. જેમાં પુરુષ મતદારની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા સૌથી વધુ છે. પુરુષ મતદારોની સંખ્યા 3080ની સામે મહિલાઓની સંખ્યા 3238 છે. એ સાથે કુલ મતદાતા 6318 છે. જ્યારે અહીં કુલ મતદાનમથકોની સંખ્યા 7 છે. તો ગ્રામ પંચાયતના કુલ વોર્ડ સભ્યો 12 છે. જેમાં અનુસૂચિત જાતિ (sc)ના 1, અનુસૂચિત જનજાતિ (st)ના 5 બક્ષીપંચ (obc)ના 2, અન્ય 4નો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયતની છેલ્લી ચૂંટણી તા.4/2/2018ના રોજ થઈ હતી. ટર્મ પૂરી થવાની તા.16/3/2023 છે.

શિક્ષણ ક્ષેત્રે પણ ઝળહળતું નામ
ગામ ઐતિહાસિક એટલે શિક્ષણ ક્ષેત્રે પણ વડવાઓએ વર્ષો પહેલાં પાયા નાંખી દીધા હતા. જેના પગલે ગામમાં શૈક્ષણિક સંસ્થાઓ થકી નામ ઝળહળતું થયું છે. જેમાં બી.એ.મહેતા કલા મહાવિદ્યાલય કોલેજ મોખરે છે. અહીં સુરતથી માંડીને દક્ષિણ ગુજરાતના ઘણા કલાકારો પેદા થયા છે. જે આજે મોટી નામના મેળવી ચૂક્યા છે. તો ગામમાં બે હાઈસ્કૂલ પણ આવેલી છે. એ સાથે જિલ્લા પંચાયત સંચાલિત 4 પ્રાથમિક શાળા પણ શિક્ષણનું ભાથું પીરસી રહી છે. તો બે ખાનગી પ્રાથમિક શાળા પણ આવેલી છે.

આરોગ્ય ક્ષેત્રે પણ સારી સુવિધા ઉપલબ્ધ
અમલસાડ આજે વિકાસની દોડમાં ખૂબ જ આગળ નીકળી ગયું છે. સરકારી યોજનાઓ થકી આ ગામમાં આરોગ્ય ક્ષેત્રે પણ સારી સુવિધા ઉપલબ્ધ છે. અહીં એક સીએચસી, 1 ખાનગી પ્રસૂતિ ગૃહ તથા 2 ખાનગી દવાખાના ઉપલબ્ધ છે. તો એક પશુ દવાખાનું પણ આવેલું છે.

ગામની અભૂતપૂર્વ કાયાપલટ માટે બે પરિબળ નિર્ણાયક
જે-તે સમયના નાનકડા અમલસાડ ગામની અભૂતપૂર્વ કાયાપલટ માટે નિમિત્ત અનેક પરિબળો પૈકીનાં બે પરિબળોને નિર્ણાયક ગણવા જ પડે. આજથી લગભગ સવાસો વર્ષ પૂર્વે દેવધા ગામના અગ્રણી ગુલાબભાઈ ડાયાભાઈ દેસાઈ અને અન્ય અગ્રણીઓના દુરંદેશીપણાને લીધે વિભાગમાં સૌપ્રથમ વખત નાના પાયે ચીકુનું વાવેતર કરાયું હતું. પરિશ્રમી, બાહોશ અને ત્વરિત નિર્ણય શક્તિ ધરાવતા જે-તે સમયના ખેડૂતોએ આ નવી ચીકુની ખેતીને ઝડપભેર અપનાવી લીધી, અને સમગ્ર વિભાગ ગણતરીનાં વર્ષોમાં આર્થિક રીતે સમૃદ્ધ થયો. આજે અમલસાડ ગામની સહકારી ક્ષેત્રે રાષ્ટ્ર કક્ષાએ આગવી ઓળખ ધરાવતી અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીએ અનેકવિધ કીર્તિમાનો સ્થાપ્યાં છે. હાલમાં પ્રતિવર્ષ આ મંડળી લગભગ સાત લાખ મણ જેટલા ચીકુની અને પચાસ હજાર મણ જેટલી કેરીની વ્યવસ્થા કરે છે. આ તો માત્ર મંડળીના આંકડા છે. લગભગ એટલો જ વ્યાપાર ખાનગી વ્યાપારીઓ અને એપીએમસી દ્વારા પણ થાય છે. બંને પાકોનું વિપુલ ઉત્પાદન અને સહકારી માળખાનો સમન્વય નિર્ણાયક સાબિત થયો છે.

ગામના નેત્રદીપક વિકાસ માટેનું બીજું પરિબળ છે.
વિભાગના લોકોને સમયસર ઉઘડેલી શિક્ષણની ભૂખ અને એને માટે વિભાગના દીર્ઘદૃષ્ટા મોભીઓ, વિભાગનો શિક્ષણ થકી ઉત્કર્ષ માટેની ઉદાર દાતાઓની તીવ્ર ઝંખના તથા એમના પરસ્પર સહયોગથી સ્થપાયેલી અમલસાડની શાન સમી ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થાઓ, તે સમયના દક્ષિણ ગુજરાતના ત્રણ જાણીતા શેઠો નૂરો, ધનભૂરો અને ધુળો હતા. આ ધુળો શેઠ એટલે અમલસાડના જાણીતા શાહ સોદાગર. વેપારી અને દરિયાવ દિલના ઉદાર દાતા ધૂળચંદ શાહ એમના પરિવારે આઝાદી પૂર્વે હિરાચંદ ધુળચંદ વિવિધલક્ષી હાઈસ્કૂલનો આરંભ કરાવ્યો હતો. આ શાળાના પ્રથમ આચાર્ય અને સંસ્કૃત વિષયના પ્રકાંડ પંડિત એવા ખંડુભાઈ દેસાઈ તથા આ શાળાની પ્રગતિ અને સંવર્ધનમાં ઐતિહાસિક ફાળો આપનાર યશસ્વી આચાર્ય તરીકે સતત 22 વર્ષ સુધી સેવા આપનાર રણછોડજી દયાળજી દેસાઈ (આરડી કાકા)ને પણ આ તકે સાદર યાદ કરીએ. આઝાદી પૂર્વે અંકુરિત આ શૈક્ષણિક સંકુલ હાલ વિકસીને વિશાળ વટ વૃક્ષ બની છે. અલસાડ વિભાગ કેળવણીમંડળના છત્ર હેઠળ આ સંકુલમાં હાલ નીચે પ્રમાણેની પાંચ શૈક્ષણિક સંસ્થાઓ ધમધમી રહી છે.
(1) એચ.ડી.એસ.વી. બોય્ઝ હાઈસ્કૂલ
(2) બી.એ.મહેતા કલા મહાવિદ્યાલય
(૩) એચ.ડી. કન્યા વિદ્યાલય
(4) મો. ચુ. શાહ પ્રાથમિક વિદ્યામંદિર
(5) ડો.સી.એચ.પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ
અંત્યોદયના સુભાશય સાથે પાંગરેલી આ શાળા સંકુલમાં અભ્યાસ કરીને અસંખ્ય વિદ્યાર્થીઓએ અને અસંખ્ય વિદ્યાર્થિનીઓએ ઉજ્વળ કારકિર્દી બનાવીને દેશ અને વિદેશમાં પણ અમલસાડ ગામને અને આ શાળાને ગૌરવ અપાવ્યું છે. જે પૈકીના કેટલાક વ્યક્તિવિશેષોની અત્રે નોંધ લઈશું.
(1) લોર્ડ ભીખુભાઇ પારેખ (બરોડા એમએસ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, ઇંગ્લેન્ડ ખાતેથી લોર્ડનો વિશેષ ખિતાબ મેળવનાર પ્રખર વિદ્વાન)
(2) ડો.નિમેષભાઈ વી. વશી (પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાનું વ્યક્તિત્વ એમ.ડી., એન્વાયરો એસોસિએટ્સ, સુરત)
(૩) ડો.નટુભાઈ આર.મહેતા (ડીન મેડિકલ ફેકલ્ટી)
(4) ડો.વિપીન ડી.નાયક (સિન્ડિકેટ મેમ્બર અને પૂર્વ ડીન-કોમર્સ ફેકલ્ટી. વિ.ન.દ.ગુ. યુનિવર્સિટી, સુરત)
(5) ડો.જયંતીલાલ એમ.નાયક (પૂર્વ સિન્ડિકેટ મેમ્બર અને પૂર્વ ડીન-કોમર્સ ફેકલ્ટી, વિ.ન.દ.ગુ. યુનિવર્સિટી, સુરત)
(6) ડો.કિશોર આર.નાયક (કેળવણીકાર, પૂર્વ ડીન-એજ્યુકેશન ફેકલ્ટી, વિ.ન.દ.ગુ. યુનિવર્સિટી, સુરત)
(7) રિષભ (રજનીભાઈ આર.મહેતા) (પ્રસિદ્ધ કવિ, સંગીતકાર, સ્વરકાર)
(8) પંકજભાઈ આર.નાયક( પ્રસિદ્ધ તબલાં વાદક, સંગીતકાર)
(9) દત્તાત્રેય પાડેકર (રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરનાર ચિત્રકલાના કલાકાર)
(10) નિમેષભાઈ ડી.પટેલ ( રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરનાર ચિત્ર કલાકાર)

સરકારના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો લાભ મળ્યો
ગામના વિકાસમાં ગ્રામ પંચાયત અમલસાડની ભૂમિકા પણ આંખે ઊડીને વળગે એવી છે. સરકાર દ્વારા સમયે સમયે જાહેર થતી વિવિધ યોજનાઓ, વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટો, ગ્રામ વિકાસ માટેની વિવિધ ગ્રાન્ટોનો લાભ ગામને, જુદાં જુદાં સંગઠનોને, સંબંધિત એકમોને અને વ્યક્તિગત રીતે પણ સમયસર અચૂક મળે જ એની ખાસ તકેદારી અને ચીવટાઈ ગામના સરપંચ નિલેશભાઈ નાયક, ઉપસરપંચ હાર્દિક નાયક અને સમગ્ર ટીમ રાખે છે. સમગ્ર વિભાગના સાંસદ સી.આર.પાટીલ, વિભાગના લોકલાડીલા અને સૌના હૃદયસ્થ ધારાસભ્ય પીયૂષભાઈ દેસાઈનો સહયોગ તથા માર્ગદર્શન પણ આંખે ઊડીને વળગે એવો રહ્યો છે. જિલ્લા પંચાયતના સભ્ય ભારતીબેન અરવિંદભાઈ પટેલ તથા તાલુકા પંચાયતના સભ્ય મનિષાબેન શૈલેષભાઈ નાયકા, હાલના પ્રવૃત્ત તલાટી ભાવિકભાઈ કે. મિસ્ત્રીની ભૂમિકાની સરાહનીય રહી છે. કન્યા કેળવણી, બાળ સ્વાસ્થ્ય, સામૂહિક આરોગ્ય, સ્ત્રી સશક્તિકરણ, કૌશલ્ય સંવર્ધન, સામૂહિક સ્વચ્છતા, જન જાગૃતિ વગેરે જેવા ક્ષેત્રે ગામની ગતિવિધિઓ ઉદાહરણીય બની છે. જે ખરેખર ગૌરવની બાબત ગણાય. ગામની આરોગ્ય વિષયક બાબતે અમલસાડના સીએચસીની ભૂમિકા પણ ખૂબ સુંદર રહી છે.

કલા ક્ષેત્રે અમલસાડનું નામ દેશ-વિદેશમાં ગૂંજતું થયું
અમલસાડ ગામની યશ કલગીમાં એક સોનેરી છોગું ઉમેરાયું છે. ગામમાં આગવી સંસ્થા બી.એ.મહેતા કલા મહાવિદ્યાલય, રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી વિભૂષિત અને કલાગુરુ તરીકે સૌના હૃદયસ્થ કલાઋત્વિજ આચાર્ય જશુભાઈ ભીખુભાઈ નાયકની પ્રબળ ઈચ્છાશક્તિ, શ્રદ્ધાસભર દિવ્ય પુરુષાર્થ અને કલા ઉપાસનાની ભગવદ્ પ્રેરણા થકી સર્જાયેલી, સિંચાયેલી અને સુગંધિત આ સંસ્થાએ અનેક નામી અનામી કલાકારો દેશને અને વિદેશના ચરણે ધરી અમલસાડ ગામને ચારેકોર ગૂંજતું કર્યું છે. જશુભાઈના લઘુબંધુ ઈશ્વરભાઈ નાયક, કલા ઉપાસક અને કલા વિવેચક રમેશભાઈ નાયક અને અન્ય કલા ઉપાસક આચાર્યો-અધ્યાપકોએ આ સંસ્થાની દિલથી માવજત કરી છે અને કરી રહ્યા છે. જશુભાઈ નાયકના મોટા પુત્ર હિતુભાઈએ પણ પિતાના પગલે ચાલી પોટ્રેટ પેઇન્ટિંગમાં કાઠું કાઢ્યું છે. એમના નાના દીકરા યોગેશભાઈ નાયક હાલ રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારીના મુખ્ય સૂત્રધાર અને ડાયરેક્ટર તથા અમલસાડ વિભાગ કેળવણી મંડળના યુવા પ્રમુખ તરીકે સંનિષ્ઠ સેવાઓ આપી રહ્યા છે. ગામની વર્ષોથી શિક્ષણ, સ્વતંત્ર્ય સંગ્રામ અને સહકારી ક્ષેત્રે બહુ આયામી સેવા કરતા એક પરિવારના નગરરત્નોની નોંધ લેવાની થાય છે. છોટુભાઈ નાયક. ‘છોટુભાઈ ડાંગી’ના હુલામણા નામથી જાણીતા આ બહાદુર સ્વાતંત્ર્યસેનાનીના પ્રબળ પુરુષાર્થ, સંઘર્ષ અને સમર્પિતાના ભાવને લીધે જ ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ સાપુતારા ગુજરાતમાં આવી શક્યું છે, એમના લઘુબંધુ ઘેલુભાઈની તેજસ્વીતા, ડાંગના દરિદ્ર નારાયણોની સેવાવૃત્તિ, આહવાના સ્વરાજ આશ્રમનું લાલનપાલન જેવી અનેક વિશિષ્ટ બાબતોથી એમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. છોટુભાઈ અને ઘેલુભાઈ નાયકની બેલડીએ ગાંધી વિચારધારાને ઉત્તમ રીતે જીવી બતાવી હતી. લોકપ્રિય શિક્ષક, મૂકસેવક ગામના ડેરી વ્યવસાયને સ્થિરતા આપવામાં યશસ્વી ભૂમિકા ભજવનાર એમના લઘુબંધુ મનુભાઈ ઉર્ફે મંગુભાઈ પણ કૃષક તરીકે અને અદના સેવક તરીકે સૌના પ્રીતિપાત્ર બની રહ્યા હતા. એમના નાના દીકરા તથા અમલસાડ ગામના હાલના સફળ સરપંચ નિલેશભાઈ નાયક એમના સરપંચ તરીકેના સેવા કાળમાં અનેક લોકોપયોગી કામોની સાથે સાથે ગામને કચરા નિકાલ પ્રોજેક્ટ અને ગામના પ્રવેશ દ્વાર સામે સુંદર બ્યુટિફિકેશન સાથેના “અમૃત સરોવર’’નું નેત્રદીપક નજરાણું આપી ચૂક્યા છે.

વર્તમાન સમયમાં ગ્રામજનોની ગતિવિધિઓ
અમલસાડ ગામ હાલમાં પણ ચીકુ, કેરી, કેળ જેવી બાગાયતી ખેતીમાં અગ્રેસર છે. શિક્ષણ ક્ષેત્રે પણ આ ગામનું ખૂબ આગવું પ્રદાન રહ્યું છે. પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ઉચ્ચ અભ્યાસ માટેની કોલેજોમાં સારી એવી સંખ્યામાં શિક્ષકો, આચાર્યો, અધ્યાપકો તરીકે નિયુક્ત થઈ ગામને અદકેરુ ગૌરવ અપાવી ચૂક્યા છે. આ ગામે કેટલાય ડોક્ટરો, વકીલો, કલાકારો, ઉદ્યોગપતિઓ અને અગ્રણી વ્યાપારીઓ સમાજને ચરણે ધર્યા છે, જેમનો કાર્યકલાપથી ગામ સતત વિકસિત થતું રહ્યું છે. ગામમાં બે વિશાળ હળપતિવાસના રહેવાસીઓ શરૂઆતમાં ખેતમજૂર તરીકે કાર્યરત હતા, પરંતુ હાલમાં તેઓ પણ ભણીગણીને વિવિધ કૌશલ્યો પ્રાપ્ત કરીને નોકરી-ધંધા સાથે અનુબંધિત થઈ ઉજ્જવળ ભવિષ્ય બનાવી ચૂક્યા છે. ગામની મુખ્ય વસતીમાં અનાવિલ, હળપતિ, કોળી પટેલ, મુસ્લિમ, આહીર, માહ્યાવંશી, રોહિત, બરોડિયા અને અન્ય જ્ઞાતિના લોકો એકબીજા સાથે હળીમળીને, પરસ્પર આદર પ્રેમથી એખલાસભર્યા વાતાવરણમાં રહે છે.

વિશાળ સાંસ્કૃતિક હોલ ઉપલબ્ધ
ચાલુ વર્ષે જ અમલસાડ ગામના ઉદાર દાતા ઈશ્વરભાઇ મહેતાના માતબર દાન થકી અમલસાડ ગામમાં નીલકંઠ મહાદેવ મંદિરના પાછળના ભાગે અક્ષત ચેરિટેબલ ટ્રસ્ટના નિમિત્તપણા હેઠળ એક સુંદર આધુનિક સુવિધાઓથી સંપન્ન, વિશાળ જગ્યા અને પાર્ટી પ્લોટની સગવડ સાથેનો એક વિશાળ સાંસ્કૃતિક હોલ ઉપલબ્ધ થયો છે, જે વર્ષભર લગ્ન, કથાઓ, શૈક્ષણિક-સહકારી સામાજિક સાંસ્કૃતિક રાજકીય મેળાવડાઓ અને અન્ય ઉપકારક પ્રવૃત્તિઓથી ધમધમતો રહે છે.

રોજગારીની તકો ઉપલબ્ધ
અમલસાડ ગામની વિકાસ ગાથામાં, સહકારી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતી અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની ભૂમિકા પણ નિર્ણાયક રહી છે. કેરી, ચીકુ જેવી સ્થાનિક ખેતપેદાશોનું ખૂબ વ્યવસ્થિત રીતે વેચાણ અને આસપાસના અનેક ગામોમાં સહકારી ભંડારની પ્રવૃત્તિએ ગ્રામજનોને આર્થિક ક્ષેત્રે નિશ્ચિતતા બક્ષી છે. અગાઉનાં વર્ષોમાં ખૂબ મોટા પ્રમાણમાં પશુપાલન થતું હતું. પરંતુ હાલમાં એ સંજોગોને આધીન મર્યાદિત થઈ ચૂક્યું છે. છતાં પણ ગામમાં ચાલતી દૂધ ઉત્પાદક મંડળી અને સંબંધિત ગતિવિધિ પશુપાલકો માટે મોટો આધાર બની રહી છે. ગામ સાથે સંકળાયેલું એકમાત્ર ઔદ્યોગિક એકમ ન્યૂ હેવન બેરિંગ્સ (એનએચબી) પણ સ્થાનિક રોજગારી બાબતે નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યું છે.

અમલસાડનું અંધેશ્વર મહાદેવ મંદિર
અમલસાડ રેલવે લાઈનની પશ્ચિમે પ્રાચીન કાળથી અંધેશ્વર મહાદેવ મંદિર (800થી વધુ વર્ષ) અમલસાડની આગવી ઓળખ છે. ઈ.સ.2001માં વિભાગના પનોતા પુત્ર ડો.નિમેષચંદ્ર વસનજી વશીના માતબર દાન, સુચારુ આયોજન અને માર્ગદર્શન હેઠળ આ ઐતિહાસિક મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું. એમના ખૂબ મોટા આર્થિક સહયોગ અને અન્ય દાતાઓના દાનના સથવારે ભવ્ય શિવાલય, દ્વાદશ જ્યોતિર્લિંગ, રંગોલી ચોક, વિશાળ સ્વાગત કક્ષ, ક્રીડાંગણ અને નયનરમ્ય ઉપવન સાથેનું આ સંકુલ પર્યટકો, શ્રદ્ધાળુઓ માટે આકર્ષક યાત્રાધામ બની ચૂક્યું છે. આ વિશાળ અને નેત્ર દીપક સંકુલ વર્ષભર ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓથી ધમધમતું રહે છે. સંભવતઃ આ એકમાત્ર એવું ધાર્મિક સંકુલ હશે કે જ્યાં માત્ર ધાર્મિક ક્રિયાઓ જ નહીં પરંતુ વિભાગના પ્રવૃત્ત-નિવૃત્ત અધ્યાપકો, આચાર્યો, શિક્ષકોની એક શૈક્ષણિક સાંસ્કૃતિક સમિતિ બનાવી જેમના નિમિત્તપણા હેઠળ વિભાગના યુવાધનના વ્યક્તિત્વની ઉત્તમ માવજત થાય, એમને પર્યાપ્ત માર્ગદર્શન અને સુવિધાઓ મળે એવું આગવું આયોજન કરાયું છે.

નાના-મોટા નામી-અનામી નાગરિકોનું વિશેષ યોગદાન
અમલસાડ ગામની વિશિષ્ટ સંસ્કૃતિ, ઇતિહાસ, ભૂગોળ, મંદિરો, મસ્જિદો, સહકારી સંસ્થાઓ, કેળવણી આપતી સંસ્થાઓ, વાડી વજીફાઓ, ગામના લોક રિવાજો, ઉત્સવો, ખેતીવાડી, ખેતપેદાશો અને સમાજના વિવિધ જ્ઞાતિના લોકોના મજબૂત આંતરસંબંધ, સંસ્થાઓ, ગામના કુવા, તળાવ, કોમી એખલાસ, ‘સૌનો સાથ સૌનો વિકાસ’નું સૂત્ર અને અનિવાર્ય એવી ઈશ્વરકૃપા થકી અમલસાડ ગામ હજી પણ સિદ્ધિના અવનવા શિખરો સર કરશે એમાં કોઈ મીનમેખ નથી. અમલસાડ ગામનો નેત્રદીપક વિકાસ આમ તો ગામના પ્રત્યેક નાના-મોટા નામી-અનામી નાગરિકોના સહૃદયી યોગદાનો થકી થયો છે, છતાં પણ ગામની કેટલીક વિશેષ વિશિષ્ટતાઓ ધરાવતી વ્યક્તિઓને આ તકે યાદ કરવાનું કેમ વિસરી શકાય?

આ મહાનુભાવોનો ફાળો પણ મહત્ત્વનો છે
ઠાકોરભાઈ ખંડુભાઈ નાયક (કેળવણી મંડળ પૂર્વ પ્રમુખ), ડો.મગનલાલ વૈધ (સ્વાતંત્ર્યસેનાની, સેવાભાવી તબીબ),
ડો.ભગવાનદાસ વૈદ્ય (સેવાભાવી તબીબ) ડો.રવુભાઈ વૈદ્ય (સેવાભાવી તબીબ ) ડો.અશ્વિનભાઈ અને ડો.હર્ષાબેન શાહ (ખારેલ હોસ્પિટલના આધાર સ્તંભો), કલા ગુરુ જશુભાઈ બી.નાયક (તત્ત્વચિંતક અને ઉત્તમ કલાકાર), સુમંતરાય ડી.નાયક (સહકારી મંડળી, અમલસાડના પૂર્વ પ્રમુખ) , દીપકભાઈ જી.નાયક (સહકારી મંડળી, અમલસાડના પૂર્વ પ્રમુખ), પરિમલ દીપકભાઈ નાયક (રોટરી ઇન્ટરનેશનલના 3060ના કો-ઓર્ડિનેટર) , હેતલબેન દેસાઈ (તત્ત્વચિંતક, તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસુર્ણા-ડાંગ), પ્રકાશભાઈ છોટુભાઈ નાયક (સેન્ટ્રલ એક્સાઇઝના પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ), મનુભાઈ લલ્લુભાઈ નાયક (દાતા અને સામાજિક કાર્યકર), કેતનભાઇ એસ.નાયક (નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર), ડો.કિશોરભાઈ આર.નાયક (નિવૃત્ત આચાર્ય બી.એડ. કોલેજ બીલીમોરા, સંગીતજ્ઞ, કેળવણીકાર અને વક્તા), ડો.જ્યોતિબેન એમ.નાયક (નિવૃત્ત આચાર્યા, નવયુગ આર્ટસ કોલેજ, સુરત), ડો.નલીનભાઈ આર.નાયક (નિવૃત્ત એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે.બી.ફાર્મા વાપી, આધ્યાત્મિક વક્તા), મગનભાઈ ડાયાભાઈ નાયક (ગામના સર્વાધિક ઉંમર ધરાવતા વડીલ-99 વર્ષ), લલ્લુભાઈ ભીમભાઇ નાયક (કેળવણી મંડળના પૂર્વપ્રમુખ, સામાજિક-રાજકીય અગ્રણી), રણછોડજી કુંવરજી નાયક (કેળવણી મંડળના પ્રમુખ અને વૈદક-આયુર્વેદના અભ્યાસુ), રમેશચંદ્ર આર.નાયક (નિવૃત્ત આચાર્ય કલા મહા વિદ્યાલય, અમલસાડ ), અજયભાઈ એમ મહેતા ( રક્તદાન ક્ષેત્રે નોંધપાત્ર ભૂમિકા ભજવનાર, યુવા આગેવાન, મંગુભાઈ જી. નાયક (ડેરી વ્યવસ્થાપનના મોભી અને પૂર્વ પ્રમુખ), ડો.નટુભાઈ આર. મહેતા (ડીન મેડિકલ ફેકલ્ટી), ભરતભાઈ બી. મહેતા (એક્ઝિ.ડાયરેક્ટર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી), ચિંતન એ. નાયક (ગામના પ્રથમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ), જિતેન્દ્ર મગનલાલ મહેતા, (નિસર્ગોપચાર અને ગાંધી વિચારના પ્રચારક), ડાયાભાઈ વસનજી મહેતા (જે.જે.મહેતા હાઈસ્કૂલ-બીલીમોરાના સહસ્થાપક ), હર્ષદભાઈ ડી.મહેતા (ડેરી વ્યવસ્થાપનના મોભી અને પ્રમુખ)
રમેશભાઈ ચાંપાનેરી (જાણીતા હાસ્ય કલાકાર), અશોકભાઈ આર.માલી, (નિવૃત્ત એડિશનલ ચીફ એન્જિનિયર), રઝાકભાઈ પટેલ (નિવૃત્ત સુપરિ. એન્જિનિયર-ડીજીવીસીએલ-વલસાડ)

અમલસાડ ગામના અત્યાર સુધીના સરપંચોની યાદી
ભીમભાઇ કસનજી નાયક : 1952 – 56
બાપુભાઈ જીવણજી મહેતા: 1956 – 67
ભગવાનદાસ મગનલાલ વૈદ્યઃ 1967 – 72
ડાયાભાઈ મોરારજી નાયક 1972 – 77
નરેન્દ્રભાઈ એ પરમાર: 1977- 82
મગનભાઈ કાળાભાઈ નાયક : 1982-84
મનુભાઈ ગુલાબભાઈ નાયક: 1984 – 85
મોઘેશચંદ્ર મગનલાલ ભગત(ઇ.ચા) 1985-86
નટુભાઈ રણછોડજી નાયક 1986-87
ખંડુભાઈ કીકાભાઈ પટેલ 1987-88
દયાળજી વલ્લભભાઈ નાયક 1988-91
મોઘેશચંદ્ર મગનલાલ ભગત(ઇ.ચા.) 1991-92
કૌશિકકુમાર રમણલાલ મહેતા 1992-97
ગીતાબેન કિરણભાઈ પટેલ-1997-2003
શાંતાબેન મોહનભાઈ નાયકા 2003-2008
નિરાલીબેન નિલેશભાઈ નાયક 2008 – 2013
વૈશાલીબેન હિતેશભાઈ નાયકા : 2013-2018
નિલેશકુમાર મનુભાઈ નાયક 2018 (હાલ પર્યન્ત)

સ્વતંત્રતા સંગ્રામમાં અમલસાડનું યોગદાન
ઈ.સ. 1942માં અમલસાડના સ્ટેશન વિસ્તારમાં અંગ્રેજવિરોધી દેખાવો અને સંઘર્ષમય અથડામણોનો ઇતિહાસ સ્થાનિક સ્વાતંત્ર સંગ્રામના અવિસ્મરણીય અવસરો હતા, જેમાં અમલસાડ ગામના સ્વાતંત્રસેનાનીઓની ભૂમિકા ખૂબ નિર્ણાયક રહી હતી. રેલવે સ્ટેશનને તોડફોડ, પોસ્ટ ઓફિસના દસ્તાવેજો તથા ફર્નિચરને આગ, રાષ્ટ્રધ્વજ ઝૂંટવી લેવાતાં પોલીસ સાથે સંઘર્ષ, અડધી રાતે ગામમાં પોલીસ ધસી આવી બળજબરીપૂર્વક આંદોલનકારીઓની કરેલી ધરપકડ જેવી કેટલીય નાટકીય અને રાષ્ટ્રપ્રેમથી તરબતર ઘટનાઓએ દેશનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

અમલસાડ ગામના વંદનીય સ્વતંત્રતાસેનાનીઓ
ડો.મગનલાલ કાશીદાસ વૈદ્ય, વલ્લભભાઈ ડાહ્યાભાઈ નાયક, ખંડુભાઈ મકનજી નાયક, ભીમભાઇ મકનજી નાયક, ખંડુભાઈ મોરારજી નાયક, છોટુભાઈ ગુલાબભાઈ નાયક, ઘેલુભાઈ ગુલાબભાઈ નાયક, મણીભાઈ કુંવરજી નાયક, મોહનભાઈ મણીભાઈ ભગત, મોહનભાઈ રણછોડજી મહેતા, રણછોડજી ડાયાભાઈ મહેતા, ધીરજલાલ રણછોડજી દેસાઈ, બળવંતભાઇ ગુલાબભાઈ મહેતા, ભીખાભાઈ જીવણજી નાયક, ભીખાભાઈ નિછાભાઇ મહેતા, ભીમભાઇ કસનજી નાયક, સન્મુખભાઈ રણછોડજી દેસાઈ, વસનજી કુંવરજી નાયક, મણીભાઈ નિછાભાઈ નાયક, લલ્લુભાઈ મોરારજી નાયક

Most Popular

To Top