SURAT

‘100 રૂપિયાનું જ પેટ્રોલ મળશે’ સુરતના પેટ્રોલ પંપો પર આવી નોટીસ લાગતા વાહનચાલકો ગભરાયા

સુરત: (Surat) ડાયમંડ સિટી સુરત શહેરના પેટ્રોલ પંપ (Petrol Pump) પર લાગેલા બોર્ડ જોઈ વાહનચાલકો ચોંકી ગયા હતા. અહીં એવા બોર્ડ લગાડવામાં આવ્યા હતા કે બાઈક, મોપડમાં માત્ર 100 રૂપિયાનું અને કારમાં 500 રૂપિયાનું જ પેટ્રોલ ભરી આપવામાં આવશે. આ બોર્ડ વાંચી લોકો ચોંકી ગયા હતા. વાહનચાલકોને ચેતવણી આપતી નોટીસ (Notice) સમાન આ બોર્ડના ફોટા ઝડપથી સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થવા માંડ્યા હતા. લોકોમાં એવા પ્રશ્નો ઉઠ્યા હતા કે શું સુરતમાં પણ શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાઈ છે? શહેરમાં પેટ્રોલ ખૂટી પડ્યું છે?

સુરતમાં ખાનગી કંપની નાયરાના પેટ્રોલ પંપ પર બુધવારે સવારે નોટીસ જોવા મળી હતી, જેમાં 100 રૂપિયાથી વધુ પેટ્રોલ ભરવાનો ઈનકાર કરાયો હતો. એક વાહનચાલકે કહ્યું કે મારા બાઈકની ટાંકી ખાલી હોય હું જહાંગીરપુરા ખાતે આવેલા નાયરાના પેટ્રોલ પંપ પર ગયો હતો. હું બાઈકની ટાંકી ફૂલ કરાવવા માંગતો હતો, પરંતુ પેટ્રોલ પંપવાળાએ 100થી વધુનું પેટ્રોલ ભરવાની સાફ ના પાડી દીધી હતી. રૂપિયા ચૂકવવા છતાં તેઓ વધુ પેટ્રોલ આપવા તૈયાર નહોતા. અન્ય એક વાહન ચાલકે કહ્યું કે, પેટ્રોલની કિંમતો વધી અને હવે પેટ્રોલની અછત ઉભી થઈ છે. આગામી દિવસો વધુ કપરા આવે તેવો ભય સતાવવા માંડ્યો છે. પેટ્રોલની અછત હોય તો પંપ જ બંધ કરી દેવો જોઈએ.

દરમિયાન ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ સુરેશ દેસાઈએ કહ્યું કે, સુરતમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઘટી ગયો છે. ખાનગી કંપનીઓ પાસે તેમની રિફાઈનરીઓ છે અને તેઓ અડધા ઈંધણની નિકાસ કરે છે. તેથી પુરવઠો ખૂટી પડ્યો છે. HPCL અને BPCL પણ આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવમાં વધારાના લીધે પુરવઠામાં 50 ટકાની તંગીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડી છે. જોકે, દેસાઈએ એમ પણ કહ્યુ કે, IOCLના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ મંગળવારે ભાવનગરમાં પેટ્રોલની અછતની અફવા ઉડતા પેટ્રોલ પંપો પર વાહનચાલકોએ ધસારો કર્યો હતો. આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ માટે લોકો ધસારો કરતા જોવા મળ્યા હતા જેના પગલે રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલે એવું નિવેદન કર્યું હતું કે રાજ્યમાં પેટ્રોલનો પૂરતો જથ્થો છે.

Most Popular

To Top