નવસારીમાં જાહેર માર્ગ બંધ કરી દેવાતા લોકોને હાલાકી, ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ

નવસારી : નવસારી (Navsari) રાયચંદ રોડ ઉપર પરવાનગી મેળવ્યા વિના નોટિસ (Notice) પ્રસિદ્ધ કર્યા વિના જાહેર માર્ગ બંધ (road closed) કરી દેતા નાગરિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે માર્ગ ખુલ્લો કરવાની માંગ કરી સેવા સંસ્થાના અધ્યક્ષે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

નવસારી સેવા સંસ્થાના અધ્યક્ષ કનુભાઈ સુખડીયાએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, નવસારી રેલવે ફાટકની નજીક પશ્ચિમ ભાગે આવેલા રાયચંદ રોડ અને બંદર રોડના રહેવાસીઓ માટે આવવા-જવા માટેનો એકમાત્ર રસ્તો છેલ્લા 15 દિવસ ઉપરાંતથી માર્ગ બંધ કરી દીધો છે. તેથી રહેવાસીઓનું રોજીંદુ જીવન જોખમાય રહ્યું છે. સ્થાનિકોનેે ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોવાથી સ્થાનિકોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી માર્ગ અંગેના પ્રશ્નોના નિરાકરણની અપીલ કરી છે.

એકમાત્ર રસ્તો છેલ્લા 15 દિવસથી બંધ કરી દેવાતા રહેવાસીઓનું રોજીંદુ જીવન જોખમાયું
15 દિવસથી જહેર માર્ગ બંધ કરી દેતાં રહેવાસીઓ લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે. જેના જવાબદાર લોકપ્રતિનિધિની બેદરકારી અને સરકારી નોકરોની ઠેકેદારો સાથેની મિલીભગત જણાઈ રહી હોવાના આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા હતા. સામાન્ય રીતે જાહેર માર્ગનું કામ શરૂ કરતાં પહેલાં બોર્ડ લગાવવું અનિવાર્ય છે. તેમજ જાહેર માર્ગ બંધ કરતા પહેલા વહીવટી તંત્રની પરવાનગી લેવાની રહે છે. અને વૈકલ્પિક માર્ગની સુવિધા કરવાની હોય છે. જે સ્થળે કામ કરવાનું હોય તે સ્થળે બેરીકેટ લગાવવું જરૂરી હોય છે. પરંતુ સ્થળ ઉપર કોઈ સ્થાનિક જનતાની જાણ માટેના કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.

ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ
એક તરફ નવસારી રેલવે ફાટકની પશ્ચિમે રાયચંદ રોડ ઉપર રસ્તાનું કામ ચાલી રહ્યું છે. તો બીજી તરફ પૂર્વ ભાગે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી બંને તરફના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેથી લોકોએ રેલવે ફાટક ક્રોસ કરવુ જરૂરી બન્યું છે. ત્યારે રેલવે ફાટક ઉપર વાહનોની લાંબી લાઈનો લાગતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

Most Popular

To Top