કોરોનાકાળમાં બોર્ડનિગમોનાં ગાજર લટક્યાં, લાગે છે ચૂંટણીની ચટપટી છે

કોરોનાના જબરજસ્ત સુનામી ભરડામાં સપડાયેલું ગુજરાત ઓમિક્રોન વેરિયન્ટથી થથરી રહ્યું છે. કેસોની સંખ્યા રોજે રોજ નવા વિક્રમો સર્જી રહી છે. જો કે એટલું સારું છે કે આ વખતનો વાવર ગઇ સાલની માફક ઘાતક બનીને આવ્યો નથી. વાયરસમાં પટકાય છે, ઘણા બધા, પણ એની ગંભીર અસરો ઘણા ઓછાને થાય છે. પોઝિટિવ આવનાર દર્દી પાંચ-છ દિવસમાં નેગેટિવ આવી જાય છે એટલું સારું છે. એટલે જ આ વખતનો કોરોના કમ સે કમ રાજ્ય સરકારને માટે રાહત લઇને આવ્યું છે. અલબત્ત સરકાર દ્વારા જુના અનુભવને પગલે વાયરસનો સામનો કરવા માટે સઘળી તૈયારીઓ કરી રાખવામાં આવેલી છે. સમગ્ર તંત્ર સ્ટેન્ડ ટુ છે. એટલે જુની રૂપાણી સરકારને માટે કોરોનાનો સામનો કરવાનો આવ્યો હતો, એવું ભૂપેન્દ્ર પટેલની સરકારને માટે આવ્યું નથી. એ રીતે જોઇએ તો વર્તમાન સરકાર નસીબદાર તો ખરી જ. આમેય આ સરકાર 125 દિવસથી નવું નસીબ લઇને જ આવેલી છે ને। નો-રિપીટ થિયરીને પગલે આ નવી સરકારના મંત્રીઓનાં નસીબ ચમકી ગયેલાં જ છે. ભલે પછી નો-રિપીટનો ચાબખો ભવિષ્યમાં એના માથે પણ કેમ ન વીંઝાવાનો હોય!

વાસ્તવિક સ્થિતિના સંતોષપૂર્વક સ્વીકારની સાથે સત્તામાં આવેલી આ સરકારના સભ્યો એટલે જ એકંદરે શ્રેષ્ઠ પરફોર્મ કરવા માટે તત્પર અને ક્રિયાશીલ જણાય છે. એ સુપેરે જાણે છે કેએને માટે વૈકુંઠ નાનું છે ને વૈષ્ણવો ઝાઝા છે એટલે કે સમય ઓછો છે ને કરવાનાં કામો કે ઝીલવાના પડકારો ઝાઝા છે. પરિણામે કોઇ એને માથે દંડા પછાડે છે, તલવારની ધાર પર એને ચલાવે છે કે પોતાની આંગળીએ એને નચાવે છે એવા કોઇ વિષાદ કે વ્યથા વિના એ પોતાના ભાગે આવેલાં કામો કર્યે જાય છે. પોતાનો રોલ એ એકંદરે અદા કરતી જાય છે. આમ છતાં ઐતિહાસિક રીતે સાવ નવી સરકારને કારણે ઘણી તકલીફો પણ સજાર્તી રહે છે. મંત્રીઓ એમના વિભાગો માટે કોઇ સૂચના આપે તો જે તે અધિકારી એનાથી જુદી દિશામાં ચાલતા હોય છે. અધિકારીઓ મંત્રીઓને બહુ ગાંઠતા નથી. અદિકારીઓ પર સરકાર વધુ ને વધુ આધારિત બનેલી છે. મંત્રીને બદલે અધિકારીઓ મારફતે કામો જલદી થતાં હોવાની છાપ પણ ફેલાઇ છે. વળી એનું નસીબ પણ થોડું વાંકું છે. કોરોનાની ત્રીજી લહેર ધમાધમ શરૂ થઇ ચુકી છે ને સાથે બીજી વાર રાજ્યમાં કમોસમી વરસાદના યોગ પણ સર્જાયા છે. એક વખતના માવટા બાદ ખેતીને થયેલા નુકસાનનો સર્વે હજુ માંડ પતે ત્યાં નવા માવઠાનાં વાદળો ગરજી રહ્યાં છે. મોસમ પણ જાણે સરકારની પરીક્ષા કરવા બેઠી છે.

આ સ્થિતિમાં સત્તાધારી ભાજપ દ્વારા હમણાં એકાએક ફતવો જારી કરીને રાજ્ય સરકાર હસ્તકનાં વિવિધ બોર્ડ-નિગમોના વડાઓ અને અન્ય પદાધિકારીઓનાં તત્કાળ રાજીનામાં લેવાઇ રહ્યાં છે. જો કે બધા જ બોર્ડ-નિગમો માટે આવું થઇ રહ્યું નથી, એટલે આંતરિક વિખવાદને કારણે જ અમુક ટાર્ગેટેડ કે વિરોધી જુથના કે વશ ન થાય એવા મહાનુભાવોનાં રાજીનામાં લેવાઇ રહ્યાં હોવાની છાપ પ્રવર્તી રહી છે. પરંતુ અંદરોઅંદર વિરોધી ગણગણાટ કરવાનું તો ગુજરાત ભાજપવાળા જાણે હવે તો વર્ષોથી ભુલી ગયા હોવાનું લાગે છે. બોર્ડ-નિગમોમાં હવે સામી ચૂંટણીએ નવી નિમણૂકો કરવાની હોઇ આ રાજીનામાં લેવામાં આવી રહ્યાં હોવાનો પ્રચાર પણ ભક્ત સમુદાયમાં ચાલી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(ડિસેમ્બર 2022)ને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે આ પ્રકારની છેવટના સમયની નિમણૂકોની વાત ખાલી ગાજર લટકાવવા પૂરતી જ હોય એવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. આમ છતાં એટલું તો સૌ સમજે જ ચે કે છેલ્લે છેલ્લે બોર્ડ-નિગમોનો ગંજીપો ચીપીને ભાજપના પદવાંચ્છુ આગેવાનોને ખોટી લોલીપોપ દેખાડવામાં આવી રહી છે. નવી સરકા આવસે એટલે પાછી નવી નિમણૂકો કર્યા વિના થોડી રહેવાની છે

વળી રાજકીય ગલીયારાઓમાં બીજી એકવાત પણ ચચર્ઇ રહી છે કે 125 દિવસ પહેલાં જે રૂપાણી સરકારને ગબડાવી દેવાઇ, તેના કેટલાક મંત્રીઓ અને એમના સમર્થકો વિધાનસભાની આગામી ચૂંટણીમાં સાવ ચિકિટ નહીં જ અપાય તો પાર્ટીને નુકસાન થઇ શકે એમ છે અથવા તો અંદરખાને બળવાનો કોઇ બૂંગિયો પણ ગણગણતો હોય એવું બની શકે છે. એટલે અત્યારથી સજાગ થઇને થાગડથીગડ કરીને સ્થિતિને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરાઇ રહ્યાની છાપ પણ ઉપસી રહી છે. ગમે તેમ પણ કોરોનાકાળમાં બોર્ડનિગમોનાં જે ગાજર લટક્યાં છે તેના પરથી લાગે છે કે પાર્ટીને ચૂંટણીની ચટપટી ઉપડેલી છે.આ તરફ આમઆદમી પાર્ટી ન જાણે કેવું મૂરત જોઇને રાજ્યમાં આવી હોવાનું લાગે છે કે એને કંઇક ને કંઇક વિઘ્ન નડતાં રહે છે. પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં ગણતરીની સફળતા મળ્યા પછી વધુ પગપેસારો કરવા જતાં મામલો બૂમરેન્ગ થવા બેઠો હોય એવું લાગે છે. મોટા ઉપાડે વિવિધ ક્ષેત્રોના લોકોને ઝાડુ પકડાવી ટોપીઓ પહેરાવી દીધા પછી એકાએક ઝાડુના ગા થઇ રહ્યા હોય અને ઘમા લોકો ટોપી ઉછાળી ફેંકી દઇ રહ્યાની સ્થિતિ સર્જાઇ છે. મહેશભાઇ સવાણી જેવા વ્યક્તિએ પાર્ટીને છોડી દેતાં ખાસ કરીને સુરત તેમજ રાજ્યના પાટીદાર સમુદાયમાં પાર્ટી માટે મોટો ચહેરો ગુમાવ્યાનો વરવસો ઊભો થયો છે. એવું જ વિજય સુંવાળા માટે થયું છે. ભાજપે લાગ જોઇને બરાબર સોગઠી મારી છે. વળી ભરતીકૌભાંડનો ભંડાફોડ કરવામાં એક્સપર્ટ જેવા બની ગયેલા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ ભરતીકૌભાંડ બહાર લાવવાને કોઇ રાજકીય પાર્ટી સાથે લેવાદેવા નથી એવી ચોખવટ કરતાં આમ આદમી પાર્ટી માટે વિમાસણ જરૂર ઊભી થઇ છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top