Editorial

ગુજરાતની ચૂંટણીમાં મોંઘવારી કે વિકાસ જેવા મુદ્દા નહીં માત્ર હિન્દુત્વ જ ચાલે છે

દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે દશેરાના દિવસે આયોજિત બૌદ્ધ મહાસભામાં હાજરી આપ્યા બાદ ટ્વિટ કર્યું હતું કે, ‘ચાલો બુદ્ધ તરફ.. બોલાવે છે મિશન જય ભીમ’. રાજેન્દ્ર પાલ ગૌતમે બૌદ્ધ મહાસભાના આયોજનમાં હાજરી આપી હતી જ્યાં હિંદુઓના દેવી-દેવતાઓને નહીં માનવાના શપથ ગ્રહણ કરાવાયા હતા. તે સમયે રાજેન્દ્ર પાલ પણ સ્ટેજ પર હાજર હતા અને તેમણે પણ શપથ ગ્રહણ કર્યા હતાં. વિડિયોમાં સાંભળી શકાય છે કે, “હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં વિશ્વાસ નહીં કરું. હું રામ અને કૃષ્ણની પૂજા નહીં કરું. ગણપતિજી સહીત હું કોઈ હિંદુ દેવતામાં વિશ્વાસ નહીં કરું. રાજેન્દ્ર પાલ બૌદ્ધ ધર્મ પાળે છે અને તેમણે જે કહ્યું તેમાં કંઇ જ ખોટું નથી.

ભારતમાં દરેક વ્યક્તિને પોતાની રીતે ધર્મ પાળવાની સ્વતંત્રતા બંધારણમાં જ આપવામાં આવેલી છે. ભારતમાં કોઇ વ્યક્તિને જે તે ધર્મ પાળવા માટે દબાણ કરવું તે ગુનો બને છે. તેમણે જાહેરમંચ પરથી આ વાત કરી તેમાં કંઇ જ ખોટુ નથી કર્યું. સ્વાભાવિક છે કે, જે તે વ્યક્તિ જે ધર્મ પાળતો હોય તે સિવાયના અન્ય ધર્મમાં તેની આસ્થા નહીં હોય. પરંતુ રાજેન્દ્ર પાલ ગૌતમ એ વાત ભૂલી ગયા કે, તેઓ માત્ર બોદ્ધ ધર્મના અનુયાયી નથી પરંતુ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારના સમાજ કલ્યાણ મંત્રી પણ છે. આ નિવેદન નહીં પરંતુ આમ આદમી પાર્ટીની વિચારધારા છે તેવું ભાજપે પાછલા બારણે ગણતરીના કલાકોમાં જ સાબિત કરી આપ્યું છે.

તેમના આ નિવદેનના કારણે અરવિંદ કેજરીવાલ પણ તેમનાથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, કેજરીવાલ ગણતરીના વર્ષોમાં જ એક પીઢ રાજકારણી બની ગયા છે અને તેઓ કયા રાજ્યમાં કયો મુદ્દો ચાલે છે તે ખૂબ જ સારી રીતે જાણે છે. તેમને તે પણ ખબર છે કે ગુજરાતમાં મોંઘવારી અને વિકાસ જેવા મુદ્દાઓને લોકો પ્રાધાન્ય આપતા નથી. ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થુ શાસન ચાલે છે અને લોકસભાની છેલ્લી ચૂંટણીમાં તો ગુજરાતે ભાજપને 26માંથી 26 બેઠક આપી હતી. ભાજપના આવા ગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલ ગાબડાં પાડશે કે નહીં તેતો આવનારો સમય જ બતાવશે પરંતુ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો તો કરી જ દીધો છે.

દરમિયાન આમ આદમી પાર્ટીના એક મંત્રીના નિવેદનને કેજરીવાલનું જ નિવેદન હોય તેમ ગુજરાતના જુદા જુદા શહેરોમાં કેજરીવાલના મુસ્લિમ ટોપી સાથેના હોર્ડિંગ્સ રાતોરાત લાગી ગયા હતાં. હવે આ હોર્ડિંગ્સ કોણ લગાડી ગયું તે કહેવાની જરૂર નથી તે ગુજરાતીઓ સારી રીતે સમજે જ છે. પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલને મુસ્લિમ વેશમાં બતાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સ એવા સમયે લગાવવામાં આવ્યા છે જ્યારે કેજરીવાલ શનિવારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે બે દિવસીય રાજ્યની મુલાકાતે જવાના છે.

ગુજરાતના રસ્તાઓ પર આમ આદમી પાર્ટી ને સાંકલીને બ્લેક હોર્ડિંગ્સ પર લખવામાં આવ્યુ છે કે, હું હિંદુ ધર્મને ગાંડપણ માનું છું. આ સિવાય લખ્યું છે કે, હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ અને કૃષ્ણને ભગવાન નથી માનતો, તેમજ અન્ય એક પોસ્ટર પર લખ્યુ છે કે, હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઇ હિંદુ ક્રિયાઓ કરીશ નહી. રાજકોટમાં 11 મેના રોજ યોજાયેલી બેઠક દરમિયાન, દિલ્હીના CMએ એક વૃદ્ધ મહિલાને વચન આપ્યું હતું કે, જો ગુજરાતમાં ની સરકાર બનશે તો રામ લલ્લાના જન્મસ્થળની મુલાકાત લેશે. આ દરમિયાન તેમણે દિલ્હીની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના હેઠળ સરકાર લોકોને વિવિધ ધાર્મિક સ્થળોની મફત મુલાકાત
કરાવે છે.
કેજરીવાલ જાણે છે કે, ગુજરાતમાં ધાર્મિક મુદ્દો જ ચાલે છે એટલે તેમણે તે દિશામાં કામ શરૂ કરી દીધું હોવાનું રાજકોટની જાહેર સભામાં તેમના ભાષણ પરથી જ ફલિત થાય છે પરંતુ હવે તેમના મંત્રીએ જે ઉચ્ચારણ કર્યાં છે તે મુદ્દો ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ ગાજશે. કારણ કે, ગુજરાતીઓને વિકાસ કે મોંધવારીની વાતની અસર થતી નથી પરંતુ જ્યાં હિન્દુત્વની વાત આવે છે ત્યારે ગુજરાતીઓ પાછીપાની કરતાં નથી.

Most Popular

To Top