Madhya Gujarat

આણંદમાં ધો.12 સા.પ્રવાહનું પરિણામ 13.86 % ઘટ્યું

આણંદ : આણંદ જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું બુધવારના રોજ પરિણામ જાહેર થયું હતું. જેમાં સરેરાશ 71.05 ટકા પરિણામ આવ્યું હતું. બે વરસ પહેલા કોરોનામાં માસ પ્રમોશન મેળવનારા વિદ્યાર્થીઓએ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી હતી. પરંતુ ધો.12 સાયન્સની જેમ કોમર્સમાં પણ પરિણામમાં ઘટાડો થયો છે. ગત વર્ષ કરતાં કુલ 13.86 ટકા પરિણામ ઘટ્યું છે. જે ખરેખર શિક્ષણવિદ્દ માટે ચિંતાનો વિષય છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બોર્ડ દ્વારા માર્ચ -2023માં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ બુધવારના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં 73.27 ટકા પરિણામ વચ્ચે આણંદ જિલ્લાનું 71.05 ટકા પરિણામ આવ્યું હતું. જે ગત વર્ષ કરતાં 84.91 સામે 13.86 ટકા ઓછું આવ્યું છે. જોકે, જિલ્લામાં 20 વિદ્યાર્થીએ એ-1 ગ્રેડ અને 239 વિદ્યાર્થીએ એ-2 ગ્રેડ, બી-1માં 1054, બી-2માં 2213, સી-1માં 2630, ડી 566 પ્રાપ્ત કર્યો છે. જ્યારે 7 વિદ્યાર્થીને ઇ-1 ગ્રેડ આવ્યો છે. જિલ્લામાં 10,326 વિદ્યાર્થી પાસ જાહેર થયાં હતાં, જ્યારે 4065 વિદ્યાર્થી નપાસ જાહેર કરાયાં હતાં. જિલ્લામાં સૌથી વધુ વાસદ કેન્દ્રનું 89.20 ટકા અને સૌથી ઓછું પેટલાદ કેન્દ્રનું 61.96 ટકા આવ્યું છે. દસ દિવસ બાદ શાળામાંથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

ક્યા કેન્દ્ર પર કેટલું પરિણામ આવ્યું ?
આણંદમાં 68.76, બોરસદ 78.87, ખંભાત 71.42, પેટલાદ 61.97, વિદ્યાનગર 82.96, સામરખા 68.45, વાસદ 89.20, બોરિયાવી 67.66, આંકલાવ 71.82, અલારસા 81.07, કરમસદ 69.59, ઉમરેઠ 66.32, ભાદરણ 70.57, દહેવાણ 75.41, બિલિપાડ (ગંભીરા) 76.27, નાર 66.18, સોજિત્રા 66.81, તારાપુર 63.10, સારસા 86.32 અને ઓડ (સીલી) 64.84.

આણંદના નોલેજ ગ્રુપના વિદ્યાર્થીઓ પુનઃ અગ્રેસર
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 કોમર્સ ની જાહેર પરીક્ષા નું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. નોલેજ ગ્રુપ આણંદના વિદ્યાર્થીઓએ પુનઃ સંસ્થાની પ્રતિષ્ઠાને અનુરૂપ ઝળહળતું પરિણામ હાંસલ કર્યું હતું.નોલેજ ગ્રુપ આણંદ ની વિદ્યાર્થી પારેખ કાવ્ય 98.66 PR સાથે શાળામાં પ્રથમ રહી સંસ્થા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. નોલેજ ગ્રુપ આણંદ ના કુલ 5વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થવા પામ્યા છે. નેવું કરતા વધુ પી.આર સાથે 13 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા.નોલેજ હાઇસ્કુલ આણંદમાં પ્રથમ ક્રમાંકે પારેખ કાવ્ય મનીષકુમાર 98.66 PR, દ્વિતીય ક્રમાંકે પટેલ સુકન રુચિતકુમાર 98.18 PR અને તૃતીય ક્રમાંકે પિરાણી અર્પિતા રાજેશકુમાર 97.39 PR સાથે ઉત્તીર્ણ થયા હતા.

ખેડામાં 67.75 ટકા પરિણામ આવ્યું
નડિયાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023 માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લાના 15 કેન્દ્રમાં કુલ 14 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર આ તમામ વિદ્યાર્થીઓ છેલ્લાં કેટલાય દિવસોથી પરિણામ આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. દરમિયાન બુધવારના રોજ સવારના સમયે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લાનું પરિણામ 67.75 ટકા આવ્યું છે. પરિણામની વિગતવાર વાત કરીએ તો, જિલ્લાના કુલ 15 કેન્દ્ર પૈકી સૌથી વધુ પરિણામ વાંઠવાળી કેન્દ્રનું 76 ટકા આવ્યું છે.

જ્યારે સૌથી ઓછું પરિણામ ડાકોર કેન્દ્રનું 54.73 ટકા આવ્યું છે. જિલ્લામાં કુલ 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ગત વર્ષે પણ 14 વિદ્યાર્થીઓએ જ A1 ગ્રેડ મેળવ્યો હતો. પરંતુ, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 11.14 ટકા પરિણામ ઓછું આવ્યું છે. જે ચિંતાનો વિષય છે. ત્યારે, સતત કથળતાં જતાં પરિણામને લઈ, જિલ્લાના શિક્ષણકાર્ય ઉપર સવાલો પણ ઉઠ્યાં છે. આણંદ – ખેડા જિલ્લો શિક્ષણ હબ ગણાય છે. આમ છતાં ધો.12 સાયન્સ બાદ હવે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઘટ્યું છે. જેના કારણે શિક્ષણવિદ્દોમાં ચિંતાની લાગણી જન્મી છે. આણંદમાં 13 ટકા ઉપરાંત અને ખેડા જિલ્લામાં 11.14 ટકા જેટલું પરિણામ ઘટ્યું હતું. જેથી શિક્ષણ સુધારાની જરૂર બની છે.

પિતા ગુમાવ્યાંનો આઘાત હોવાછતાં મિત પટેલે 99.76 ટકા મેળવ્યાં
મહેમદાવાદના અકલાચા ગામમાં રહેતાં અને નડિયાદ સ્થિત NES સ્કૂલમાં 12 સામાન્ય પ્રવાહમાં ભણતા મિત પટેલે બોર્ડની પરીક્ષાના 5 માસ પહેલા પિતા ગુમાવ્યાં હતાં. જેની સીધી અસર મિત પટેલના ભણતર પડી હતી. જોકે, મિત પટેલે મનોબળ મજબૂત રાખી પરીક્ષા આપીને 99.76 % સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. આ અંગે મિત પટેલ જણાવે છે કે, પિતાના અવસાન બાદ દાદા અશોકભાઈ અને માતા વનીતાબેને મને ખુબ જ હિંમત આપી હતી. જેના થકી હું મનોબળ મજબૂત રાખી શખ્યો હતો અને આજે હું સફળ થયો છું. પિતા હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે વાંચનનો સમય ઘટ્યો હતો. માર્ચમાં પરીક્ષા હતી, તેવામાં ઓક્ટોબર માસમાં પિતાનું દેહાંત થયું હતું. જોકે તે બાદ પરિવાર તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકોનો હુંફ અને પ્રેમ મળવાથી આ સિધ્ધિ હાંસલ કરી શક્યો છું. મિત પટેલને આગળ BBA નો અભ્યાસ કરવાની ઈચ્છા છે.

કેન્દ્ર વાઈઝ પરિણામ
ડાકોર 54.73, કપડવંજ 60.17, ખેડા 60.11, નડિયાદ (શહેર) 69.49, નડિયાદ (સ્ટેશન) 66.27, નેશ 70.37, વસો 64.71, મહુધા 72.52, અલિન્દ્રા 68.28, ઉત્તરસંડા 63.59, મહેમદાવાદ 71.93, વાંઠવાળી 76, સેવાલીયા 75.52, કઠલાલ 71.63, અકલાચા 74.75

Most Popular

To Top