Madhya Gujarat

ખેડા સિવિલ હોસ્પિટલના તબીબોએ નવજાત બાળકનો જીવ બચાવ્યો

ખેડા: પ્રજાને યોગ્ય આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે હેતુસર સરકાર દ્વારા નાના ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નાના શહેરોમાં સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલની સુવિધા ઉભી કરવામાં આવી છે. સરકારની આ સુવિધા ગરીબો માટે આશીર્વાદરૂપ બની છે. જોકે, મોટાભાગના મધ્યમવર્ગીય તેમજ શ્રીમંત પરિવારો સરકારી દવાખાનામાં સારવાર લેવાનું ટાળી રહ્યાં છે. સરકારી દવાખાનું ગંદુ-ગોબરૂ હોય, ત્યાં યોગ્ય સારવાર ન થાય, ડોક્ટર સહિતનો સ્ટાફ યોગ્ય ધ્યાન ન આપે, સરકારી દવાખાનાઓમાં આધુનિક સાધનો ન હોય સહિતની અનેક ખોટી છાપ મગજમાં ઘર કરી ગઈ હોવાથી આવા પરિવારો નાની-મોટી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જઈને હજારો-લાખો ખર્ચ કરે છે.

પરંતુ, જે દર્દીને સ્વસ્થ કરવામાં ખાનગી હોસ્પિટલે હાથ અદ્ધર કરી દીધાં હોય તેવા દર્દીઓને સરકારી હોસ્પિટલના તબીબોએ સાજા કરીને ઘરે મોકલ્યાં હોવાના અનેક કિસ્સા પણ બન્યાં છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં ખેડા સિવિલ હોસ્પિટલમાં બન્યો છે. જેમાં અધૂરા મહિને જન્મેલા એક નવજાત બાળકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં 50 હજારનો ખર્ચ કરવા છતાં બાળકમાં કોઈ સુધાર આવ્યો ન હતો. જે બાદ માવતરે આ બાળકને ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં, ત્યાંના નિષ્ણાંત તબીબોની ટીમે ત્વરિત અને ઉત્કૃષ્ટ કામગીરી કરીને માત્ર 25 દિવસમાં જ બાળકને એકદમ સ્વસ્થ કરી દીધો છે.

નડિયાદ તાલુકાના અરેરા ગામમાં રહેતાં હંસાબેન મુકેશભાઈ સોઢાએ ગત તા.20-4-23 ના રોજ ખાનગી હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો. અધૂરા મહિને જન્મેલા આ બાળકના શરીરમાં તકલીફ જણાતા તેને ખેડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 20 દિવસની સારવાર દરમિયાન 50 હજાર રૂપિયા કરતા પણ વધુનો ખર્ચ થયો હતો. તેમછતાં નવજાત બાળકના શરીરમાં કોઈ સુધારો આવ્યો ન હતો. જેથી ચિંતીત બનેલા પરિવારજનો પોતાના બાળકની સારવાર માટે ખેડાની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

જ્યાં બાળકોના સ્પેશ્યાલીસ્ટ ડૉ.નેપોલિયનસિંઘ, ડૉ.શેખ અને ડૉ.મૌલીબેન શાહ દ્વારા બાળકને તાત્કાલિક એસ.એન.સી.યુ માં દાખલ કરી, સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્રણેયે નિષ્ણાંત તબીબો, ઉપરાંત પીડીયાટ્રીક રેસીડેન્ટ સ્ટાફ, એસ.એન.સી.યુ સ્ટાફની ત્વરિત અને ઉત્કૃષ્ટ કામગીરી તેમજ અથાગ મહેનતને પગલે થોડા દિવસોમાં જ બાળકના સ્વાસ્થ્યમાં સુધાર આવવા લાગ્યો હતો. 25 દિવસની સારવાર બાદ હાલ, બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું છે. બાળકના વજનમાં પણ 200 ગ્રામ જેટલો વધારો થયો છે. તે જોતાં એકાદ દિવસમાં આ નવજાત બાળકને રજા પણ આપી દેવામાં આવનાર છે. ત્યારે, નવજાત બાળકને નવજીવન આપનાર હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો બાળકના પરિવારજનોએ આભાર માન્યો હતો.

Most Popular

To Top