Madhya Gujarat

આણંદમાં પોણા કિલો એમ્બરગ્રીસ સાથે છ પકડાયાં

આણંદ : આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા શંકાસ્પદ જણાતી કારને રોકી તેમાં તલાસી લેતા વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) મળી આવ્યું હતું. માત્ર સાડા સાત સો ગ્રામના આ એમ્બરગ્રીસની કિંમત 73.60 લાખ થવા જાય છે. આ એમ્બરગ્રીસ ખંભાતના શખસ પાસેથી લઇ આણંદના શખસને વેચવાનું હોવાનું ખુલ્યું છે. જે અંગે વધુ તપાસ આણંદ વન વિભાગને સોંપવામાં આવી છે. આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન. પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બહાર ગામથી કેટલાક શખસ એક ગ્રે કલરની કારમાં વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વેચવા માટે આણંદ આવી રહ્યાં છે.

આ બાતમી આધારે પોલીસે 80 ફુટના રોડ પર પ્રાપ્તિ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. આ સમયે ત્યાં કેટલાક શખસ ભેગા થયેલા દેખાયાં હતાં. સાથોસાથ બાતમી વાળી કાર પણ હતી. આથી, તુરંત ઉભેલા શખસોને કોર્ડન કરી તેમની અટક કરી હતી. બાદમાં કારમાં તલાસી લેતાં તેમાં પાછલની સીટ પર પ્લાસ્ટીકની થેલીમાં બે ટુકડા મળઈ આવ્યાં હતાં. જે ટુકડાઓ શંકાસ્પદ લાગતા પકડાયેલા શખસોની પુછપરછ કરી હતી. જેમાં તેઓએ આ ટુકડા વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)ના હોવાનું જણાવ્યું હતું. જોકે, તેના ખરીદ – વેચાણ પર પ્રતિબંધ હોવાથી સઘન પુછપરછમાં કોઇ આધાર પુરાવા રજુ કરી શક્યા નહતાં. આથી, છ શખસની અટક કરી તેમની વધુ તપાસ અર્થે આણંદ વન વિભાગને સોંપવામાં આવ્યાં છે. આ કેસમાં એસઓજીએ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી એટલે કે એમ્બરગ્રીસ કિંમત રૂ.76.60 લાખ, મોબાઇલ ચાર, કાર મળી કુલ રૂ.76.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બોરિયાવીના ધ્રુવિલને વેચવાનું હતું ?
આણંદમાં વ્હેલ માછલીની ઉલ્ટીના બે ટુકડા સાથે પકડાયેલી ગેંગની પુછપરછમાં મોટું નેટવર્ક બહાર આવે તેવી શક્યતા છે. કારણ કે આ એમ્બરગ્રીસ ખંભાતના જહુર મંસુરી પાસે હતું. જે તેણે વડોદરાના ચાર શખસને વેચવા આપ્યું હતું અને આ ચાર શખસે તેને બોરિયાવીના ધ્રુવિલ ઉર્ફે કાળિયો પટેલને વેચવાનું આયોજન કર્યું હતું. આમ, જહુર પાસે આ પદાર્થ ક્યાંથી આવ્યો ? અને ધ્રુવિલ કોને વેચવાનો હતો ? તેની તપાસ થાય તો આંતરરાષ્ટ્રીય નેટવર્ક બહાર આવી શકે છે.  જોકે, આ અંગે વન વિભાગની તપાસમાં કેટલું બહાર આવશે ? તેના પર જોવાનું રહ્યું.

વડોદરાના ચાર શખસ સહિત છ પકડાયાં
ગીરીશ ચંદુલાલ ગાંધી (ઉ.વ.58, રહે. અપ્સરા એપાર્ટમેન્ટ, ડાલસન ઘડીયાળની દુકાનની સામે ડાડીયા બજાર, વડોદરા)
વિક્રમ ધીરેન્દ્ર પાટડીયા (ઉ.વ.48, રહે. ગુલમર્ગ સોસાયટી, પાણીની ટાંકીની સામે કારેલીબાગ, વડોદરા)
મીત જયેશ ગાંધી (ઉ.વ.21, રહે. ગજાનંદ સોસાયટી, વડોદરા)
મીત નીલકલમ વ્યાસ (ઉ.વ.23, રહે. ગુરૂકૃપા સોસાયટી, વડોદરા)
ધૃવિલકુમાર ઉર્ફે કાળિયો રમેશ પટેલ (ઉ.વ.22, રહે. ઉમીયા ચોક, નવી પાણીની ટાંકી સામે, બોરિયાવી)
જહુર અબ્દેરરહેમાન મંસુરી (ઉ.વ.61, રહે. પીઠ બજાર, ખંભાત)

આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયામાં એમ્બરગ્રીસ વેચાય છે
એમ્બરગ્રીસ મુખ્યત્વે એટલાન્ટિક મહાસાગરમાં અને દક્ષિણ આફ્રિકાના દરિયાકિનારા પર જોવા મળે છે. બ્રાઝિલ, મેડાગાસ્કર, ઈસ્ટ ઈન્ડિઝ, માલદીવ્સ, ચીન, જાપાનમાં ઔષધિય તરીકે વપરાય છે. આ ઉપરાંત તેની પરફ્યુમ ઇન્ડસ્ટ્રીઝમાં મોટી માંગ છે. એક કિલો એમ્બરગ્રીસના દોઢ કરોડથી વધુ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ મળે છે. આથી, ઘણી વખત શિકારીઓ વ્હેલ માછલીનો શિકાર કરી એમ્બરગ્રીસ મેળવે છે.

Most Popular

To Top