SURAT

કોરોનાની વેક્સિન નહીં લીધી હોય તે લોકોને હવે આ સ્થળો પર ‘નો એન્ટ્રી’: સુરત મહાનગરપાલિકાએ મહત્ત્વનો નિર્ણય લીધો

સુરત: સુરત (Surat) મનપા દ્વારા ગત તા.16 મી જાન્યુ.થી વેક્સિનેશનની (Vaccination ) કામગીરી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા 100 ટકા લોકોને કોરોનાનો (Corona) પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં પણ જેણે પ્રથમ ડોઝ લીધો નથી અથવા તો બીજો ડોઝ લીધો નથી તેવા તમામ સામે હવે મનપા દ્વારા કડક વલણ અપનાવવામાં આવશે. મનપા દ્વારા કોરોનાના કેસમાં આવી રહેલા ઉછાળાને ધ્યાનમાં લઈને વેક્સિનેશન બાકી હોય તેઓને મનપાની મુખ્ય ઓફિસ, તમામ ઝોન ઓફિસો, મનપા સંચાલિત બસ, ગાર્ડન, વાંચનાલય, સ્વિમિંગપુલ, પ્રાણી સંગ્રહાલય, એક્વેરિયમમાં એન્ટ્રી આપવામાં આવશે નહી.

  • વેક્સિનનો પ્રથમ ડોઝ પણ ન લીધો હોય કે બીજા ડોઝની અવધિ થઈ ગઈ હોવા છતાં બીજો ડોઝ ન લીધો હોય તેઓને એન્ટ્રી નહી
  • જો ઈમરજન્સી કામ હોય તો એન્ટ્રી મેળવવા ફરજિયાત ટેસ્ટ કરાવવાનો રહેશે

તહેવારો દરમ્યાન થતી ભીડને કારણે કોરોના કેસમાં વધારો થવાની શકયતાને ધ્યાને રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેથી હવે વેક્સિનના બંને ડોઝ લીધા હોય અથવા બીજા ડોઝની અવધિ બાકી હોય તેઓને જ પ્રવેશ આપવામાં આવશે. જે વ્યક્તિએ વેક્સિનનો એક પણ ડોઝ ન લીધો હોય અથવા બીજા ડોઝની અવધિ પૂર્ણ થયા બાદ પણ બીજો ડોઝ ન લીધો હોય, તેવા લોકોને ઈમરજન્સી કામ માટે ઓફિસમાં આવવું હોય તો એન્ટ્રી માટે ફરજિયાત કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે તેમ જણાવાયું છે.

બોલો, મનપાના 2500 કર્મચારીઓએ હજુ વેક્સીન લીધી નથી, તંત્રએ આ આદેશ કર્યો

શહેરીજનોને ઝડપથી વેક્સિન લઈ લેવા માટે વારંવાર અપીલ કરતી સુરત મનપાના જ 2500 કમર્ચારીઓને હજી વેક્સિન લેવાની બાકી છે જેથી તેઓને આવતીકાલે ખાસ વેક્સિન લઈ લેવા માટે સૂચના આપવામાં આવી છે. જેઓને વેક્સિન લેવાની બાકી છે તેઓ ઝડપથી કોરોનાની ચપેટમાં આવી જતા હોય છે. જેથી વેક્સિનેશન પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેઓ માટે કોરોના જીવલેણ સાબિત થતો નથી. જેથી ઝડપથી વેક્સિનેશન થાય તે માટે તંત્ર દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. પરંતુ મનપાના જ 2500 જેટલા કર્મચારીઓની વિવિધ કારણોસર હજી સુધી વેક્સિન લેવાની બાકી હોય તેઓને તાત્કાલિક આવતીકાલે વેક્સિન લઈ લેવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અને જે-તે કર્મચારી તેઓના ઘર નજીકના હેલ્થ સેન્ટર પરથી વેક્સિન લઈ લે તે માટે સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top