Health

શ્રાવણ માસના ઉપવાસમાં મગનું આયુર્વેદની દૃષ્ટિએ મહત્ત્વ

શ્રાવણ માસ એટલે હિન્દુઓ માટે પવિત્ર મહિનો! અહીં એકટાણાં, ઉપવાસનો મોટો મહિમા છે. વળી, લોકો અલગ અલગ પ્રકારે પોતાને ફાવે એ રીતે ઉપવાસ કરતા હોય છે. કોઈક એકટાણું કરીને, કોઈ ફરાળ કરીને, કોઈક માત્ર સોમવારે ઉપવાસ કરીને તો કોઈક આખો મહિનો મગ ખાઈને ઉપવાસ કરે છે. આપણા ધર્મમાં, આયુર્વેદમાં મગ વિશે ખૂબ લખાયું છે. શ્રાવણ માસમાં મગની ખપત વધી જાય છે. તો આવો આજે જાણીએ મગ કેટલા સ્વાસ્થ્યપ્રદ છે અને કોણે મગનો ઉપયોગ ન કરવો જોઈએ?

શ્રાવણ માસ એટલે વર્ષાઋતુ અને આ વર્ષાઋતુમાં પાચનતંત્ર થોડું નબળું પડે. જઠરાગ્નિ મંદ પડે. આવા સંજોગોમાં જઠરાગ્નિને પ્રદીપ્ત રાખવા માટે મગનો ઉપયોગ કરવાનું આયુર્વેદમાં સૂચન કરવામાં આવેલ છે. આથી જ કદાચ શ્રાવણ માસના ઉપવાસ દરમ્યાન મગનો ઉપયોગ કરવાની રીત આપણા વડવાઓથી ચાલી આવી હશે. આયુર્વેદમાં મગ (મૂળ રૂપ – મુદગ અર્થાત્ પ્રફુલ્લિત રાખનાર પરથી લેવામાં આવેલ) નો ઉપયોગ ખોરાકની સાથોસાથ ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે. મગની ગણતરી સંપૂર્ણ સાત્ત્વિક આહાર તરીકે કરવામાં આવે છે. મગ એ મંદ પડેલા જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે એવું આયુર્વેદમાં લખાયું છે. આ ઉપરાંત આયુર્વેદમાં મગ માટે નીચે મુજબનાં વિશેષણો વપરાયાં છે.

દૃષ્ટિપ્રદ:-
જે દૃષ્ટિ ચોખ્ખી કરે છે અર્થાત્ આંખોને લગતી બીમારીમાં મગ ફાયદાકારક સાબિત થાય છે.
ગ્રહી:-
શોષક… ખોરાક દ્વારા મળતાં પોષક તત્ નું આંતરડામાં યોગ્ય પ્રકારે શોષણ કરવામાં મદદરૂપ થાય છે.
લઘુ :-
કદમાં નાના અને પાચનમાં અન્ય આહાર કરતાં ખૂબ સરળ.

વિષદ:-
પાચનતંત્રમાં આવતી નાનીમોટી નસોમાં ઉત્પન્ન થયેલા અંતરાયોને ઓગાળે છે અથવા એમ કહી શકાય કે પાચન માર્ગના અંતરાયોને મગ સરળતાથી ઓગાળે અને પાચનક્રિયા સરળ બનાવે.
શીત- જવરજ્ઞ :-
તાવ (જવર) મટાડનાર… આયુર્વેદ કહે છે કે મગની પ્રકૃતિ ઠંડી છે અને તે શરીરના આંતરિક તાપમાનને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
વર્ણ્ય:-
ત્વચાના રોગોમાં અકસીર. વળી મગ ત્વચાનો રંગ ઉઘાડવામાં પણ મદદ કરે છે એવું આયુર્વેદ કહે છે.

પુષ્ટિ બળપ્રદ :-
મગ એ પોષક તત્ત્વોથી ભરપૂર કઠોળ છે. તે મોટા પ્રમાણમાં શરીરને જરૂરી એવા એમિનો એસિડ ધરાવે છે જે વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જરૂરી છે.
દૃઢ :-
લાંબો સમય સુધી આધાર આપે એવું. મગ ખાધા બાદ પેટ લાંબો સમય સુધી ભરાયેલું રહે છે અને એથી વારંવાર ભૂખ લાગતી નથી.
રૂક્ષ :-
મગની ત્વચા રૂક્ષ હોઈ તે પાચક રેસાઓ સારા પ્રમાણમાં ધરાવે છે જે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.
આમ, આયુર્વેદની દૃષ્ટિએ મગ અમૃત છે અને તેનો ભરપૂર ઉપયોગ શરીરના વૃદ્ધિ – વિકાસ અને સ્વાસ્થ્યની જાળવણી માટે ખાસ કરીને ચોમાસામાં કરવો જોઈએ.
આ અંકે આપણે આયુર્વેદની દૃષ્ટિએ મગનું મહત્ત્વ સમજ્યા. હવે આવતા અંકે આહારશાસ્ત્રની દૃષ્ટિએ મગનું મહત્ત્વ સમજીશું.

Most Popular

To Top