Comments

લઠ્ઠામાં કેમિકલ કે કેમિકલમાં લઠ્ઠો ! સામી ચૂંટણીએ જબરો લઠ્ઠો પડી ગયો

સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં અને પડોશના ધંધુકા પંથકમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે ગુજરાતની ભાજપ સરકારને માટે સામી ચૂંટણીએ જબરો લટ્ઠો પાડી દીધો છે. દારૂને અને ગુજરાતને આમ જોઇએ તો ઘણું ગાઢ લ્હેણું છે. રાજ્યમાં દારૂબંધી હોવાનું કહેવાય છે, પણ વાસ્તવમાં દારૂબંધી કેટલી છે એ તો સુરત, દક્ષિણ ગુજરાત તો ખરું જ, પણ આખું ગુજરાત સારી પેઠે જાણે જ છે. સુરત શહેર-જિલ્લામાં વેચાતા અને પીવાતા દારૂને જો બાટલીઓમાંથી બહાર રેડવામાં આવે તો તાપી નદીમાં જાણે પૂર આવી જાય એવા હાલ છે એ સર્વવિદિત છે, પરંતુ કહેવાય છે ને ચોરી કરવી એ ગુનો નથી, પકડાઇ જવું એ ગુનો છે. એવું ન હોત તો બોટાદથી લકઝરી બસ લઇને સુરત આવેલો એ બસનો પેલો કન્ડક્ટર બાપડો બરવાળાના પોલારપુર પાસે જઇને જે પેગ મારી આવ્યો હતો, એની છેક સુરત આવીને એને અસર ન થઇ હોત.

આ તો બાપડો બોલી ગયો કે મેં પોલારપુર પાસે દેશીના પેગ ચડાવેલા, બાકી અમરેલી, ભાવનગર, બોટાદ, ધંધુકા પંથકમાંથી રોજ હજારો લોકો આવતા-જતા હોય છે, એમાંનાં ઘણાંને કંઇક થયું જ હોવું જોઇએ. સુરતમાં પણ એ લઠ્ઠો પીધેલા બીજાઓ પણ પહોંચ્યા જ હશે. આમ તો દારૂ મુદ્દલે જ ખરાબ ચીજ છે અને એમાં લઠ્ઠો તો મહાઘાતક છે. મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ દારૂમાં વધી જતાં પીનારને એ થોડા કલાકોમાં અસર દેખાડવા લાગે છે. બોટાદના બરવાળા અને ધંધુકાનાં ગામોમાં આવી અસરવાળાઓની સંખ્યા રાતોરાત વધવા લાગતાં અને મોંમાંથી ફીણ ફીણ નીકળી ગયું હોવાની હાલતમાં અનેક દારૂડિયા ટપોટપ મરવા લાગતાં ગુજરાત સરકારના પગ તળે મતદારોએ પાથરેલી લાલ જાજમ એકાએક ખસવા લાગી. રાજ્ય સરકારનું અને તેમાંય ભાજપનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર આમેય પાવરફુલ છે.

ઝેરી દારૂથી સર્જાયેલા લટ્ઠાકાંડનો લૂણો સામી ચૂંટણીએ ન લાગે એટલે ડિઝાસ્ટર મેનેજરોએ લટ્ઠાકાંડને રાતોરાત કેમિકલકાંડમાં ફેરવી નાખ્યો. ઝાડુ લઇને એકાએક ગેલમાં આવીને દિલ્હીથી દોડી આવેલા અરવિંદ કેજરીવાલ અને વિરોધ પક્ષ કોંગ્રેસને જાણે ગબડવાનો ઢાળ મળી ગયો હતો, પણ લટ્ઠાકાંડને કેમિકલકાંડ બનાવી દેવામાં કેસરિયા કુનેહ એકંદરે કારગત રહી. જેમણે બરવાળા પાસેના ચોકડી ગામ અને આસપાસનાં ગામોના અડ્ડાઓએથી દેશી પોટલીઓ પીધી હતી, એ બાપડા કંઇકના જીવ ગયા. દારૂની બદીને ગુજરાતના અત્યાર સુધીના તમામ પક્ષો અને એમના વડેરા રાજનેતાઓએ બરાબર વકરાવી છે. દારૂબંધીનો અનેકાનેક રીતે સૌ રાજકીય પક્ષો અને સંબંધિત અધિકારીઓએ ભરચક ફાયદો ઉઠાવ્યો છે. દારૂબંધીએ ગુજરાતમાં સરકારી-ભરણ અને હપ્તાઓને નામે જબરો ભ્રષ્ટાચાર વકરાવ્યો છે.

આ હમામમાં બધ્ધેબધ્ધા નાગાપૂગા છે. સૌ જાણે છે કે જેને જે બ્રાન્ડનો, દેશી કે ઇંગ્લીશ, જે પ્રકારનો જેટલો જોઇએ એટલો દારૂ ગુજરાતમાં બધે મળે જ છે, છતાં આવી પોકળ અને દંભી દારૂબંધીનો કોઇ મીનિંગ જ નથી. ઉલટાની કરોડોની ટેક્સની આવક પણ ગુમાવાઇ રહી છે. છતાં દરેક સત્તાધારી પાર્ટીઓ વિધાનસભામાં ચીપિયા પછાડી પછાડીને બરાડતા હોય છે કે ગાંધીના ગુજરાતમાં કોઇ કાળે દારૂબંધી હટશે નહીં. એનો કડકાઇથી જ અમલ થશે. ખરેખર જો એવી કડકાઇ રાખી હોત તો બોટાદનો લઠ્ઠાકાંડ સજર્યો જ ન હોત, સોરી બોટાદમાં લઠ્ઠાકાંડ ક્યાં થયો જ છે? એ તો કેમિકલકાંડ છે ને? અમદાવાદમાં કોઇ રાજકારણીના ઓળખીતા-પારખીતા કે સગાંવહાલાંની કહેવાતી કેમિકલ ફેક્ટરીમાંથી પ્રવાહી કેમિકલના કેરબા બરવાળા પંથકમાં ગયેલાં ને લોભિયા બુટલેગરોએ એ કેમિકલને સીધું જ પોટલીઓમાં ભરી ભરીને વેચવા માંડ્યું. એને દેશી માનીને પીનારા બાપડા દારૂડિયા મરી ગયા એવા પાઠ ભણાવાયા છે.

એ જોતાં આ લઠ્ઠાકાંડ છે જ નહીં. એટલે જવાબદારો સામે લઠ્ઠાને લગતો ગુનો દાખલ કરવો કે કેમિકલને લગતો કોઇ ગુનો દાખલ કરવો એવો સવાલ પણ આવ્યો છે. જો કે આ તો  સઘળી ટેકનીકલ અને ફેસસેવિંગની વાતો છે. સરકાર અને સત્તાધારી પક્ષ કેમિકલ કે ઝેરી દારૂ વચ્ચે ગમે તે ભેદ દેખાડે, પણ લોકો તો લઠ્ઠાકાંડ જ માને છે, એનો તો બરાબરનો લઠ્ઠો પડી ગયેલો છે. બહુ ઓછી એવી ભાગ્યશાળી સરકારો અને સત્તાધારી પક્ષો હોય છે, જેમણે ચૂંટણી વર્ષમાં આવી લટ્ઠાકાંડની નામોશી ઝેલવી પડતી હોય છે. આમેય ભૂપેન્દ્રભાઇ પટેલની આખેઆખી સરકાર જ ભાગ્યશાળી છે ને! બાકી હતું તે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતની રાબેતા મુજબની બે દિવસની મુલાકાત ટાણે જ આ લઠ્ઠાકાંડ, સોરી કેમિકલ કાંડ સર્જાયો અને સરકારે બેવડા જોરથી પોલીસ અધિકારીઓ પર સસ્પેન્શનની લાકડીઓ લઇને તૂટી પડવું પડ્યું.

મોદી સાહેબ આવવાના ન હોત તો કદાચ દંડ પામનારાઓને થોડી રાહત મળી હોત. સરકાર વતી હોસ્પિટલોમાં શક્ય સારી સારવાર આપીને પણ લઠ્ઠાના અસરગ્રસ્તો માટે માનવતા દેખાડવામાં આવી. જેમણે આ કેમિકલવાળો દારૂ પીધો હશે એ લોકો પણ બાપડા કેસ થવાના ડરથી દૂર દૂર ભાગતા રહે છે. આની સાથે બીજી એક એ બાબત ઊડીને આંખે વળગી રહી છે કે જે રીતે જઘન્ય બળાત્કાર કે ખુલ્લેઆમ મર્ડર કરનારાને ઝડપથી અને દાખલો બેસે એવી સજા કરવામાં આવે છે, એવી સજ્જડ સજા બુટલેગરો અને દારૂના ખેપિયાઓ-સ્ટેન્ડ ચલાવનારાઓને પણ કરવામાં આવતી નથી. બોટાદના લઠ્ઠાકાંડ પરથી બોધ લઇને સરકાર આ કંઇક કરે તો કદાચ થોડું ઘણું ફેઇસ સેવિંગ થઇ શકે. બાકી કેજરીવાલે તો આ લઠ્ઠાકાંડને જોઇને ચાનકભેર કહી દીધું છે કે હવે તો દસમાંથી સાત દિવસ ગુજરાતમાં હું ગુજારીશ.

એને જોઇને કાલે ઊઠીને અહીંના કોંગ્રેસીજનો રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીને  એવું કહી શકે છે કે (અબ તો) કુછ દિન ગુજારો ગુજરાત મેં! ગુજરાત જેટલા કાચા અને નબળા વિરોધ પક્ષો બીજા રાજ્યમાં નથી ને ગુજરાત જેવો બડકમદાર સત્તાપક્ષ પણ બીજાં રાજ્યોમાં નથી (ક્રેડિટ ગોઝ ટુ નરેન્દ્રભાઇ એન્ડ અમિતભાઇ), બાકી મગદુર છે કોઇની કે લટ્ઠાકાંડ જેવી આવી ઘટના બને અને તેનો વિપક્ષ તરીકે રાજકીય ફાયદો ન લે! આ લટ્ઠાકાંડ પછી અત્યાર સુધીમાં આમઆદમી પાર્ટી કે કોંગ્રેસ દ્વારા બોટાદ-ધંધુકા વિસ્તારોને બાદ કરતાં પણ કોઇ અસરકારક કાર્યક્રમો અપાયા નથી કે નથી કોઇ લીગલ ફ્રન્ટ પર એક્શન લેવાઇ. બાકી એમને બદલે માનો કે ભાજપવાળા વિપક્ષમાં હોત તો! અધિરંજન ચૌધરીને જે રીતે છેલ્લા 24 કલાકમાં ફીણ ફીણ લાવી દેવાયા છે એવું લઠ્ઠાકાંડ માટે થયું હોત. એમ છતાં હાલ તો એવું લાગી રહ્યું છે કે દારૂ પીનારા અને પીવડાવનારાની યાદદાસ્ત ઓછી હોય છે. બાકી પોલીસ તંત્રનો સવાલ છે ત્યાં સુધી કાયમ ખાખી કદી કોઇની થતી નથી. ઇડીનું જેવું છે એવું ખાખીનું પણ હોય જ છે ને! આમ છતાં લઠ્ઠામાં કેમિકલ હોય કે કેમિકલમાં લઠ્ઠો હોય! પરંતુ સામી ચૂંટણીએ જબરો લઠ્ઠો તો પડી ગયો છે.  
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top