Columns

નફફટ બની જાઉં છું

એક દિવસ લગ્નનાં થોડાં વર્ષો બાદ બે બહેનપણીઓ અચાનક એક લગ્નમાં મળી ગઈ.બીના અને રીના એમમેકને જોઇને વાતોએ વળગી.ઘણી વાર સુધી વાતો કરી અને લગ્નના બે દિવસના પ્રસંગમાં સાથે મજા આવશે તેમ વિચારી બન્નેની ખુશીનો કોઈ પાર ન રહ્યો.આજુબાજુ બધું ભૂલીને તેઓ વાતો કરી રહ્યા હતા અને સાથે જ્યુસની મજા માણી રહ્યા હતા. અચાનક બીનાની નજર દૂર બેઠેલાં સાસુ પર પડી.

તેણે જોયું કે સાસુએ મોઢું બગાડ્યું, બસ, બીનાનો પણ મૂડ ખરાબ થઈ ગયો.મોઢા પરથી હાસ્ય ગાયબ થઇ ગયું.રીનાએ પૂછ્યું, ‘શું થયું?’બીનાએ કહ્યું, ‘જવા દે, આ મારાં સાસુ જો ત્યાં બેઠાં છે પણ મને જોઇને મોઢાં બગાડી રહ્યાં છે.હું કોઈ સાથે અલગથી બેસીને વાત કરું તે તેમને પસંદ નથી.મારે બસ તેમની બાજુમાં ઊભા રહેવાનું, તેમનો પડ્યો બોલ ઝીલવાનો અને તેમ કરું તો પણ તેઓ તો વાંક જ ગોતી કાઢે.અત્યારે પણ હું તારી સાથે હસીને વાતો કરું છું એટલે મોઢા બગાડી રહ્યા છે.’

રીનાએ કહ્યું, ‘ભલે બગાડે ..પણ એમાં તું તારો મૂડ શું કામ ખરાબ કરે છે.’ત્યાં તો રીનાનાં જેઠાણી પાસે આવ્યાં અને ખરાબ રીતે બોલ્યાં, ‘રીના, મમ્મી ક્યારનાં તને શોધે છે અને તું અહીં મસ્તી મજાક કરે છે.ચલ, બોલાવે છે તને.’રીના ધીમેથી બોલી, ‘અરે ભાભી, બહુ દિવસે મારી બહેનપણી મળી છે, આવું છું દસ મીનીટમાં.’ બીના બોલી, ‘રીના, તારાં જેઠાણીએ તારી જોડે ખરાબ રીતે વાત કરી તો પણ તને  જાણે કોઈ ફરક જ પડતો નથી.’રીના બોલી, ‘જો બીના,આ મારી રીત છે ખુશ રહેવાની.હું તો જરૂર પ્રમાણે નફફટ બનતાં શીખી ગઈ છું ;તું પણ શીખી લે.જો જે કોઈ આપણાં નથી. તેઓ કંઈ પણ બોલે ..કેવું પણ વર્તન કરે …એમની વાતોનું શું ખોટું લગાડવાનું? અને જે આપણાં છે ખબર છે હવે જિંદગી તેમની જોડે જ વિતાવવાની છે, તો એમનું ખોટું લગાડીને પણ શું કરશું? રોજનું થયું તો શું રોજ દુઃખી થઈશું.’

બીના બોલી, ‘પણ રીના, કોઈ આપણને કંઈ કહી જાય તો દુઃખ તો થાય ને …’રીના બોલી, ‘હા, દુઃખ થાય ..પણ કોઈ કંઈ પણ ખરાબ બોલે તો એકના એક ખરાબ વર્તન અને શબ્દોને..મનમાં રાખીને ..તેના વિષે વિચારીને આપણે વધુ ને વધુ દુઃખી થતાં રહીશું.એના કરતાં બહુ ધ્યાન આપવાનું જ નહિ ..નફફટ બની જવાનું, તો આપણે આપણી રીતે મસ્તીથી જીવી શકીએ.’બીનાએ કહ્યું, ‘હવે હું પણ દુઃખી થવા કરતાં …આમ જ નફફટ બની જઈશ.’બંને બહેનપણીઓ થોડી વારમાં ફરી મળવાનું નક્કી કરી એકમેકને તાળી આપી છૂટી પડી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top