Comments

શિક્ષણ ક્ષેત્રની મૂળભૂત સમસ્યા “વેપારીકરણ”- નવી નીતિમાં કેવી રીતે દૂર થશે?

નવા સત્રની શરૂઆત થઇ ચૂકી છે. શાળા કોલેજોમાં નવી શિક્ષણ નીતિના અમલમાં સરકાર લાગી ગઈ છે. નવી શિક્ષણ નીતિ અભ્યાસક્રમનું નવું માળખું અને વિદ્યાર્થીને મળતી તકોમાં વધારો કરવાનું વિચારી રહી છે, પણ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે આ નીતિ શિક્ષણની શિક્ષણના વેપારીકરણને ઉતેજન આપશે અને માટે આપણે એક પાયાના પ્રશ્નને આજે ફરી ચર્ચી રહ્યાં છીએ. આપણી શિક્ષણવ્યવસ્થાને સમજવા માટે આપણે તેનું માલિકી અને સંચાલનનું સ્વરૂપ સમજવાની જરૂર છે.

સાથે સાથે દેશમાં બદલાયેલી આર્થિક નીતિના સંદર્ભે પણ આ વ્યવસ્થાને સમજવાની જરૂર છે. અત્યારે ભારતમાં માલિકીની રીતે શિક્ષણ સંસ્થાઓના ત્રણ પ્રકાર પડે છે. એક સરકારી શિક્ષણ સંસ્થાઓ, બે ખાનગી શિક્ષણ સંસ્થાઓ અને ત્રણ અનુદાનિત શિક્ષણ સંસ્થાઓ. આવી સરકારી શિક્ષણ સંસ્થાઓમાં સંચાલન અને સંસ્થા બંને સરકારના નિયંત્રણમાં હોય છે. અહીં ફી અને શિક્ષકો બધા પર કાબૂ સરકારનો હોય છે જયારે ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં ફી થી માંડીને શિક્ષકો બધું જ ખાનગી માલિકીના કાબૂમાં હોય છે.

ખાનગી સંસ્થાઓ માત્ર સરકારના અભ્યાસક્રમને અનુસરે છે.ભારતમાં જે મોટા પ્રમાણમાં છે તે અનુદાનિત શિક્ષણ સંસ્થાઓ છે, જ્યાં સંસ્થાઓ ખાનગી માલિકીની હોય છે પણ આ સંસ્થાઓ ચલાવવા માટે સરકાર આર્થિક અનુદાન આપે છે અને આ અનુદાનમાં શિક્ષકોનો પગાર પણ અનુદાન હોય છે. મૂળમાં સંસ્થા અને શિક્ષકો પર કાબૂ ખાનગી મંડળ કે ટ્રસ્ટનો હોય છે. સરકાર સંસ્થાને નિભાવ ગ્રાન્ટ આપે છે અને ૧૯૮૦ પછી લગભગ બધી જાહેર ટ્રસ્ટની શિક્ષણ સંસ્થાઓના શિક્ષકોને પગાર સરકાર ચૂકવે છે, જે ખરેખર પગાર ગ્રાન્ટ છે. આમ કાયદાની ભાષામાં શિક્ષકો ટ્રસ્ટના નિયંત્રણમાં છે, સરકારના નિયંત્રણમાં નહિ.

જો કે સરકાર પગાર ચુકવતી હોવાથી નિયંત્રણ એ જ કરે છે.૧૯૯૧ પછી આપણે માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણમાં ખાનગીકરણને મંજૂરી આપી અને માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણમાં ખાનગી કોલેજો, સ્કૂલો ચાલુ થઇ એ પહેલાં પ્રાથમિકમાં તો ખાનગી સ્કૂલો હતી જ પણ સમાજમાં મૂડીવાદી પરિબળો ના હતાં. સરકારી અને અનુદાનિત સંસ્થઓ સાથે સ્પર્ધા હતી અને વાલીઓ બાળકને સરકારી સ્કૂલોમાં મૂકવા માંગતાં હતાં અને ખાનગી સ્કૂલો અને ટ્યુશન કલાસીસમાં ભણવું ગૌરવપૂર્ણ ના હતું. અરે, વિદ્યાર્થી ગાઈડ વાપરે એ શરમજનક ગણાતું, પણ સમય બદલાયો, ખાનગીકરણ બાદ આકર્ષક બિલ્ડીંગો વળી ખાનગી સ્કૂલો આવી બધે જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી અને વાલીઓમાં દોટ લાગી. ખાનગી સ્કૂલો, ખાનગી કોલેજોમાં એમને એમ એડમિશન મળવા લાગ્યાં અને હા, સમાજ્શાસ્ત્ર તો કામે લાગ્યું જ.

સરકારી શાળાઓમાં ગરીબ નીચલી જ્ઞાતિનાં વિદ્યાર્થીઓ પણ આવે. આપણાં બાળકોને આમની સાથે ભણવા મુકાય? આ વિચારને કારણે સમાજમાં બે ભાગ પડ્યા. ગરીબ મજૂર વર્ગ પોતાના બાળકને સરકારી સ્કૂલોમાં મૂકતો થયો અને મધ્યમ વર્ગ ખાનગી શાળામાં અને સરકારી સ્કૂલો બંધ કરવાનું વલણ ચાલુ થયું. ગામડાંઓમાં ખાનગી પ્રાથમિક સ્કૂલો ધમધમે છે અને સરકારી સ્કૂલો વિદ્યાર્થીઓના અભાવે બંધ થાય છે. આ ગંભીર સમસ્યા માટે સરકાર કરતાં સમાજની માનસિકતા વધારે જવાબદાર છે અને આનાથી વધારે ગંભીર છે. સરકારની આર્થિક સહાય લેતી અનુદાનિત સંસ્થાઓના સંચાલનમાં આવેલી નવી પેઢી આપણે આ લેખમાળામાં અગાઉ એક વાર જાહેર ટ્રસ્ટોની બદલાયેલી કાર્ય પ્રણાલીની વાત કરી હતી.

ભારતમાં એક સમય હતો, જયારે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે જેવા સમાજચિંતકોની અપીલ પછી અનેક લોકોએ પોતાની સંપત્તિનું જાહેર ટ્રસ્ટ બનાવ્યું હતું અને જાહેર ટ્રસ્ટો દ્વારા હોસ્પિટલો, સ્કૂલો, ધર્મશાળાઓ, મંદિરો ચલાવવામાં આવ્યાં. શિક્ષણના ક્ષેત્રમાં અનેક લોકોએ પોતાની સંપત્તિ સમાજમાં જ્ઞાન અને શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ટ્રસ્ટ બનાવી સ્કૂલો ખોલી. આ શાળાઓ સમાજને મળેલા આશીર્વાદરૂપ હતી.આજે સમાજમાં જે લેખકો, શિક્ષકો, નેતાઓ ,વક્તાઓ ,ઉદ્યોગપતિઓ ,વહીવટદારો વૈજ્ઞાનિકો છે તે બધા જ આ ટ્રસ્ટ દ્વારા ચલાવતી અને ખૂબ નજીવી ફી લેનારી સંસ્થાઓમાં ભણ્યા છે.

આજે જેઓ એમ કહે છે કે અમે શહેરમાં ખાનગી સ્કૂલમાં અમારાં બાળકોને ભણાવીએ છીએ તે બધા જ આ સરકારી ગણાતી ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોમાં ભણ્યાં છે, પણ હવે સમય બદલાયો છે. આ જાહેર ટ્રસ્ટથી ચાલતી સ્કૂલોના ટ્રસ્ટીઓની નવી પેઢી આવી છે, જે નવી ખાનગીકરણ અને ઉદારીકરણની સમજણમાં મોટી થઇ છે. તેને સમાજ માટે પોતાની સંપત્તિ આપવાની વાત તો દૂર, પણ જાહેર સેવાઓ સસ્તી અને ગરીબ વર્ગને પોસાય તે રીતે આપવા સામે પણ વાંધો છે. એ લોકો આ જાહેર સંસ્થાઓનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં જરા પણ શરમ અનુભવતા નથી અને એમાંય જે સરકારી સહાય લેતી સંસ્થાઓમાં ખાનગી શાળા કોલેજો શરૂ થઈ છે ત્યાં પ્રજા બિચારી એ પણ સમજી નથી શકતી કે આમાં ફેર શું?

જેમકે ગ્રાન્ટેડ સ્કૂલ કે કોલેજમાં સેલ્ફ ફાઈનાન્સ વર્ગ કે કોર્સ ચાલુ કરવામાં આવ્યા હોય તો લોકો તો એમજ માને છે કે આ  કોલેજ કે સ્કૂલમાં જે ભણાવાય છે તે બધું જ સરખું જ છે, સરકારી જ છે.હવે આમને કોણ સમજાવે કે ગ્રાન્ટેડ સ્કૂલમાં ગેરકાયદે વર્ગ અને કોર્સ બધું જ ચાલી શકે. ગ્રાન્ટેડ સ્કૂલમાં ચાલતા સેલ્ફ ફીનાન્સ કોર્સમાં ખાનગી શિક્ષકો ભણાવતા હોય અને તે લાયકાત પણ ના ધરાવતા હોય તેમ બને.આપણે ત્યાં સ્કૂલ કોલેજોની બાબતમાં એવું છે કે તે શરૂ કરવા માટે સરકારની મંજૂરી જોઈએ. એ વખતે વર્ગખંડોની સંખ્યા, લાઈબ્રેરીની સગવડ, શિક્ષકોની સંખ્યા, ગુણવત્તા, મેદાન, પ્રાથમિક સુવિધાઓ બધું જ તપાસી મંજૂરી આપવામાં આવે છે.પણ એક વાર આ મંજૂરી મળી જાય પછી સરકાર જોવા જ નથી આવતી કે જમીન લેવલે શું ચાલે છે.

સ્કૂલો માટે તો હજુય વાલી થોડા જાગૃત હોય છે, પણ કોલેજો અને ખાસ તો વ્યાવસાયિક કોર્સ ચલાવતી કોલેજોમાં ઇન્ફ્રા સ્ટ્રકચરથી માંડીને ફેકલ્ટી સુધીની બાબતો સાવ નબળી હોય છે. ભ્રષ્ટાચારનું દૂષણ મંજૂરીની પ્રક્રિયાને પણ લાગ્યું છે અને સ્કૂલ કોલેજો એ એક પ્રકારની દુકાનનાં લાઇસન્સ છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંનેનું શોષણ થઇ શકે છે અને ઘણા બહુ નિરાંતે કરે પણ છે. સમયાન્તરે સરકાર મોટાં શહેરોમાં,યાત્રાધામોમાં રસ્તા પરનાં દબાણો હટાવવા વ્યાપક અભિયાન હાથ ધરે છે અને જાહેર રસ્તા પર દબાણ હટાવાયાં છે.

આપણે ઈચ્છીએ કે શિક્ષણના ભલા માટે સરકાર આ વહીવટમાં અધિકારીઓ અને સંસ્થાઓમાં આ વેપારીઓ ચડી બેઠા છે તેમને નિયંત્રિત કરે. હાલ તકલીફ એ છે કે ભણવા માટે અને ભણાવવા માટે લાયકાતની જરૂર છે. પણ શિક્ષણ સાથે દૂરનો સંબંધ ના હોય કે સંવેદના ના હોય તેવાં લોકો સ્કૂલ કોલેજના ટ્રસ્ટી બની બેઠા છે અને તેમને નાસ્તાથી માંડી ચોપડા વેચવા સિવાયની કોઈ વાતમાં રસ નથી. શિક્ષણમાં ભણવું, ભણાવવું અને મૂલ્યાંકન કરવું અગત્યનું છે, પણ આજનાં શાળા સંચાલકોને આ મહત્ત્વની બાબતમાં જ કોઈ રસ નથી. એટલે તેઓ, આ બાબત સિવાયની બાબતોનું જ સંચાલન કરે છે.

સરકાર જો આ દેશના શિક્ષણને સમૃદ્ધ અને સશક્ત કરવા માંગતી હોય તો વહેલી તકે એક સ્વતંત્ર સંસ્થાની રચના કરવી જરૂરી છે, જે શિક્ષણનું માર્ગદર્શન કરે અને આ સંસ્થા કેળવણીકારોની હોય, સરકાર અને તેના આધીકારીઓનો દૂર દૂર કોઈ સંબંધ ના હોય. માત્ર સરકાર આર્થિક સાધનો પૂરાં પાડે. બાકી, એણે કોઈ દખલ નહિ કરવાની અને હવે સમય આવી ગયો છે કે સરકાર શિક્ષણમાં બે જ પ્રકારની સંસ્થાઓ રાખે, સરકારી અને ખાનગી. સરકાર પગાર ચૂકવે અને વહીવટ ખાનગી લોકો કરે એ ધંધો બંધ કરવાની જરૂર છે.જો કે હાલમાં સરકાર જે રીતે કામ કરે છે તે જોતાં તેને શિક્ષણના વેપારીકરણ માટે કોઈ સૂગ હોય તેમ લાગતું નથી.

ઉલટાનું સરકાર જ ખાનગી અને વેપારી વૃત્તિને ઉત્તેજન આપતી નીતિઓ અમલમાં મૂકતી હોય તેવું લાગે છે. સરકાર શિક્ષકોની ભરતી કરવાને બદલે જ્ઞાનસહાયક જેવા હંગામી ઉપાયો અમલમાં મૂકે છે. સેલ્ફ ફાઈનાન્સમાં ભણતાં વિદ્યાર્થીઓને ફી આપવાની યોજના મૂળભૂત રીતે ખાનગી સ્કૂલ, કોલેજોને ચલાવવા માટે જ જાહેર થતી હોય તેમ લાગે છે. છેલ્લાં વર્ષોમાં ફી ઉઘરાવવા બાબતે કોઈ સ્કૂલ કે કોલેજ વિરુદ્ધ સરકારે પગલાં લીધાનું સાંભળ્યું નથી અને સમાજમાં ક્યાંય શિક્ષણની વેપારી વૃત્તિઓ વિરુદ્ધ અવાજ ઊઠયાનું જોયું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top