Editorial

માત્ર મોદીના જન્મદિવસ જ નહીં ત્યારબાદ પણ મેગા વેક્સિનેશન ડ્રાઈવ કરશો તો કોરોના જશે

અનેક દેશોને જેણે કમરતોડ માર માર્યો છે તેવો કોરોના હજુ પણ વિશ્વમાંથી ગયો નથી. અનેક દેશોમાં કોરોનાના કેસ હજુ પણ આવતા જ રહે છે. ભારતમાં પણ રોજ 20 હજારની આસપાસ કેસ આવે છે. અગાઉ ભારતમાં કેસ ઘટી ગયા હતા પરંતુ બાદમાં અનલોક કરતાં કેસ ફરી વધવા માંડ્યા હતા. જોકે, કોરોનાના કેસ એટલા પ્રમાણમાં હજુ વધ્યા નથી કે જેને કોરોનાની લહેરનું નામ આપી શકાય. કોરોનાના કેસ અંકુશમાં આવવા પાછળ મોટો ફાળો વેક્સિનેશનનો છે. જે જે શહેર, ગામડું કે પછી રાજ્યમાં વેક્સિનેશન મોટાપાયે થયું છે ત્યાં કોરોનાના કેસ ઘટ્યા છે અને કાબુમાં આવી ગયા છે.

પરંતુ જ્યાં જ્યાં વેક્સિનેશન ઓછું થયું છે તે તમામ વિસ્તારો હજુ પણ કોરોનાની ત્રીજી લહેર નામના જ્વાળામુખી પર બેઠા જ છે. ગુજરાતમાં વેક્સિનેશન મોટા પ્રમાણમાં થયું તેને કારણે ગુજરાતમાં કોરોનાના કેસ કાબુમાં આવી ગયા. જોકે, સામે મહારાષ્ટ્રમાં હજુ પણ કોરોનાના કેસ મોટા પ્રમાણમાં આવી જ રહ્યા છે. કારણ કે વેક્સિેનશન ડ્રાઈવ એટલા પ્રમાણમાં કરવામાં આવી નથી. તા.17મી સપ્ટે.ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આખા ભારતમાં વેક્સિેનશન ડ્રાઈવ યોજવામાં આવી. મોદીના જન્મદિવસે આશરે 2 કરોડો લોકોને વેક્સિન આપવામાં આવી.

જે રીતે આખા ભારતમાં મોદીના જન્મદિને વેક્સિન ડ્રાઈવ ચલાવવામાં આવી તેને સફળતા મળી. રાજકીય રીતે તો એવું આંકલન કરી શકાય કે મોદીએ પોતાની પ્રસિદ્ધી માટે પોતાના જન્મદિવસે મેગા વેક્સિનેશન ડ્રાઈવ ચલાવડાવી. રાજકીય રીતે તેને વખોડી પણ શકાય પરંતુ જો હાલના કોરોનાકાળને જોવામાં આવે તો આ વેક્સિનેશન ડ્રાઈવ ભારતમાં કોરોનાનો કાળ સાબિત થશે. જો ખરેખર આટલા પ્રમાણમાં વેક્સિનેશન થયું હશે તો સંભવ છે કે કોરોનાના કેસ આખા ભારતમાં એટલી હદે ઘટી જશે કે તેને કારણે આખા ભારતને પુરી રીતે અગાઉની જેમ અનલોક કરી શકાશે. કોરોનાને કારણે હજુ પણ ભારતમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગથી માંડીને અનેક સ્થળોએ રાત્રિ કરફ્યુ અમલમાં છે. આ પ્રતિબંધોને કારણે નાગરિક સામાન્ય જીવન જીવી શકતો નથી. આ મેગા વેક્સિનેશન ડ્રાઈવ કદાચ ભારતીય નાગરિકને ફરી અગાઉની જેમ જીવતો કરી શકે તેમ છે.

મોદીના જન્મદિને ભલે આ વેક્સિનેશન ડ્રાઈવ ચાલી પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર સમજી લે કે આ વેક્સિનેશન ડ્રાઈવ એક દિવસ પુરતી કરીને બંધ કરી દેવાની નથી. આમ તો આખા દેશમાં રોજ વેક્સિનેશન કરાઈ જ રહ્યું છે પરંતુ જે રીતે મોદીના જન્મદિવસે તમામ સરકારી તંત્રો વેક્સિનેશન માટે કામે લાગી ગયા હતા તેવી જ રીતે મોદીના જન્મદિવસ બાદના દિવસોમાં પણ વેક્સિનેશન કરવામાં આવે. જો આ રીતે વેક્સિનેશન કરાશે તો આખા ભારતને વેક્સિનેટેડ કરી દેવામાં વધુ સમય નહીં લાગે. જો આખું ભારત વેક્સિનેટેડ થઈ જશે તો કોરોનામાંથી ભારતને મુક્તિ મળી જવાની સંભાવના રહેલી છે. આમ તો કોરોના ક્યારેય જવાનો નથી. તેના એકલ-દોકલ કેસ જે તે શહેર કે જિલ્લામાં આવતા જ રહેવાના છે. કોરોનાના દર્દીઓ મળતા જ રહેશે પરંતુ વેક્સિનેશન એવી અક્સીર દવા છે કે જેને કારણે કોરોના થયા બાદ પણ જે તે દર્દી ઝડપથી સારો થઈ જશે. દર્દીઓના મોત થશે નહીં અને જો દર્દીઓના મોત નહીં થાય તો કોરોનાનો હાઉ પણ ઘટી જશે.

સરકારી તંત્રો સમજી લે કે જેમ બને તેટલી ઝડપથી વેક્સિનનો જથ્થો મેળવવામાં આવે અને જે રીતે મેગા વેક્સિનેશન ડ્રાઈવ ચલાવી તેવી જ રીતે વેક્સિનેશન ડ્રાઈવ ચલાવવામાં આવે. જે લોકો વેક્સિન લેવા માટે આવતાં નથી તેમને સમજાવીને વેક્સિન લેવડાવવામાં આવે. જે લોકો વેક્સિન લેતા નથી તે જ લોકો કોરોનાને વધુ ફેલાવવા માટે જવાબદાર ઠરે છે. વેક્સિન લીધા બાદ પણ કોરોના થાય છે ખરો પરંતુ કોરોના એટલો ગંભીર રહેતો નથી. જેથી વેક્સિન લીધા બાદ પણ કોરોના થાય છે તેવો મુદ્દો ઉઠાવીને વેક્સિન નહીં લેવાનું ટાળજો. જો ભારતે કોરોનામાંથી બહાર આવવું હશે તો વેક્સિનેશન સતત અને અસરકારક રીતે ચાલુ જ રાખવું પડશે તે નક્કી છે.

Most Popular

To Top