National

ભ્રષ્ટાચાર મામલે ઝારખંડના IAS પૂજા સિંઘલની EDએ કરી ધરપકડ

નવી દિલ્હી: (New Delhi) ઝારખંડના ખાણ સચિવ IAS અધિકારી પૂજા સિંઘલની બુધવારે ઈડી (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની સાથે તેમના પતિની પણ ધરપકડ કરાઈ છે. તેમની કથિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અગાઉ રાંચીમાં EDએ પૂજા સિંઘલને મની લોન્ડરિંગ (Money Laundering) કેસના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. મંગળવારે પણ પૂજા સિંઘલની 9 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ તેમને રાંચી સદર હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાશે.

  • IAS અધિકારી પૂજા સિંઘલની EDએ રાંચીમાંથી ધરપકડ કરી
  • તેમના ખાતામાં પગાર સિવાય 1.43 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા તેનો જવાબ ન આપી શક્યા
  • થોડા દિવસો પહેલા EDએ ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને રાજસ્થાનમાં એક સાથે દરોડા પાડ્યા હતા

ઝારખંડની ખાણ સચિવ પૂજા સિંઘલની બુધવારે EDએ રાંચીમાંથી ધરપકડ કરી હતી. ખુંટીના મનરેગા કૌભાંડ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમના પતિ અભિષેક ઝાની પણ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં EDએ તેમની બે દિવસમાં લગભગ 16 કલાક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેઓ પોતે નિર્દોષ તેમ કહેતા રહ્યા હતા. જોકે તેમના ખાતામાં પગાર સિવાય 1.43 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા તેનો જવાબ આપી શક્યા ન હતા.

9 કલાકની લાંબી પૂછપરછ બાદ પૂજા બુધવારે સવારે 10.45 વાગે ફરીથી ED ઓફિસ પહોંચી હતી. આ દરમિયાન મીડિયાએ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે આ મામલે કંઈપણ કહેવાનું ટાળ્યું. સૂત્રોના જણાવ્યા મૂજબ બુધવારે પૂજાની તેમના સીએના ઘરેથી મળી આવેલ 17 કરોડ રૂપિયા અને અને તેમના પતિની પલ્સ હોસ્પિટલ મામલે પૂછપરછ કરવામાં આવી હતી. અપ્રમાણસર સંપત્તિ કેસમાં મંગળવારે સિંઘલ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો. તેમના પતિની કયા આરોપમાં ધરપકડ કરવામાં આવી છે તે અંગે EDએ હજુ સ્પષ્ટતા કરી નથી.

જણાવી દઈએ કે આ મુદ્દો ઘણા વર્ષો જૂનો છે. ઝારખંડમાં વર્ષ 2009-2010માં મનરેગા કૌભાંડ થયું હતું. આ જ કેસમાં થોડા દિવસો પહેલા EDએ ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને રાજસ્થાનમાં એક સાથે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ એ જ દરોડા દરમિયાન આ 19 કરોડ 31 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ઘરેથી 19 કરોડ 31 લાખ રૂપિયામાંથી 17 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. બાકીના રૂ. એક કંપની પાસેથી મળ્યા હતા.

Most Popular

To Top