Dakshin Gujarat

વ્યારા: પતિએ ખાધા ખોરાકીનો કેસ પાછો ખેંચવા ધમકી આપતાં પત્નીની પોલીસને રાવ

સુરત, વ્યારા: નિઝર તાલુકાનાં રૂમકીતલાવ ખાતે નિશાળ ફળિયામાં પશુપાલનનો વ્યવસાય કરતાં કાશીનાથ ડુંગરભાઇ કોરડ્કરની દીકરી ઇન્દુબેન અને અશોક ભગતભાઇ દુરગુડે (રહે. ઇસરડે પોસ્ટ-છડવેલ થાણા નીઝામપુર તા. સાક્રી જી.ધુલે, મહારાષ્ટ્ર) પતિ-પત્ની હોવા છતાં પોતાની પત્ની તરીકે ઇન્દુબેનને સાથે રાખવાની ના પાડતાં મામલો નિઝર કોર્ટમાં પહોંચ્યો હતો. પતિ વિરૂધ્ધ ઇન્દુબેને ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો. જે કેસ નિઝર કોર્ટમાં ચાલતો હોય અશોક દુરગુડે ઘરમાં ઘુસી “મારા વિરૂધ્ધમાં નિઝર કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લેજો, નહિ તો જાનથી મારી નાંખીશ” તેવી ધમકી આપતા પત્નિ ઇન્દુબેનએ પોતાનાં પતિ અશોક દુરગુડે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

  • પતિએ તરછોડી બીજાં લગ્ન કરી લેતાં પત્નીએ નિઝર કોર્ટમાં કેસ કર્યો હતો
  • ઘરમાં ઘૂસી કેસ પાછો નહીં ખેંચે તો જાનથી મારી નાંખવા ધમકી પણ આપી

બનાવની વિગત એવી છે કે, રૂમકીતલાવનાં ઇન્દુબેનનાં તા. ૨૩/૦૩/૨૦૧૯નાં રોજ અશોક દુરગુડે સાથે જાતિ- રીવાજ મુજબ લગ્ન થયા હતા. માત્ર ચાર વર્ષ સુધી ઇન્દુબેન પોતાનાં પતિ સાથે રહી હતી. પોતાને ડુંગળીની એલર્જીની બિમારી હોય સાસુ- સસરા પોતાની સાથે તેને સુરત ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. પ્રેગ્નેંસી બાદ સાસુ- સસરા તેને એલર્જીની બિમારી હોય બાળક પણ બીમારીવાળા થશે, તેમ અવાર નવાર ટોણું મારી માનસિક ત્રાસ આપતા હતા.

નંદુરબાર હોસ્પિટલમાં દાખલ કરી સારવારનાં નામે એલર્જીની દવા સાથે બીજી દવા પણ આપતા, ગરમ દવાઓ પીવાનાં કારણે ગર્ભ ખરાબ થઈ ગયું હોવાનું કહી તેનું ગર્ભપાત પણ કરાવી દીધું હતું. પછી પતિ અને સસરાએ બીજાનો ગર્ભ હોવાનું કહી તેને પોતાની સાથે રાખવાની ના પાડી દીધી હતી. જેથી પોતાનાં પિતાનાં ઘરે આવી નિઝર કોર્ટમાં ઇન્દુબેને પતિ વિરૂધ્ધ ખાધા- ખોરાકીનો કેસ કર્યો હતો, જે હાલ નિઝર કોર્ટમાં ચાલે છે. પોતે પરિણીત હોવા છતાં તેના પતિએ તેની સાથે છુટાછેડા લિધા વિના કે તેને જાણ કર્યા વિના મનીષા તુકારામ કોળપે (રહે. આહેરવાડી તા.રાવેળ જી.જલગાંવ મહારાષ્ટ)ની સાથે ગેરકાયદે લગ્ન પણ કરી લીધા હતાં.

Most Popular

To Top