Charchapatra

આવા સમાચાર બુલેટિનનો મારો કઇ રીતે સહન થાય?

મુંબઇના વિવિધ ભારતીના કાર્યક્રમો, સુરતના એફ. એમ. સ્ટેશનેથી પ્રસારિત કરવામાં આવે છે. સવારે 7 થી 8 વાગ્યા સુધીમાં બે કાર્યક્રમો જેવા કે પુરાણી ફિલ્મોનાં ગીતોનો તથા ચંદ્ર ગીતોનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. આ બન્ને કાર્યક્રમોમાં હિન્દી ફિલ્મોનાં નવાં-જૂનાં  અને કર્ણપ્રિય ગીતો બજાવવામાં આવે છે. સવારનો સમય હોવાથી ઘણાં ફિલ્મી ગીતોના રસિકોની સવાર આ બે કાર્યક્રમોમાં બજતાં ગીતોથી આનંદિત અંદાજમાં શરૂ થાય છે. પણ હમણાં હમણાંથી સવારના આ કાર્યક્રમોમાં વચ્ચે વચ્ચે સમાચાર બુલેટીનો રજૂ કરવામાં આવે છે.

જેથી આ સવારના 7 થી 8ના કાર્યક્રમોનાં ગીતો સાંભળવામાં ભારે રૂકાવટ પેદા થાય છે. એ જ રીતે બપોરના એક વાગ્યાથી બે વાગ્યા સુધીમાં પણ વિવિધ ભારતી મુંબઇથી ફિલ્મોનાં ગીતો વિશે પ્રશ્નાવલી કરીને સરસ મજાનાં ગીતો વગાડવામાં આવે છે. આ વખતે પણ વચ્ચે સમાચાર બુલેટીનો પ્રસારિત કરીને શ્રોતાઓનો રસભંગ વહોરી લેવામાં આવે છે. એ જ રીતે બપોરે બેથી ત્રણ સુધીના ફિલ્મી ગીતોના કાર્યક્રમ વચ્ચે પણ લાંબું લચક સમાચાર બુલેટિન પ્રસારિત કરવામાં આવે છે. આથી પણ ફિલ્મી ગીતોના ચાહકોને ભારે આઘાત લાગે છે. અહિંયાં પ્રશ્ન એ થાય છે કે, આવા મનોરંજનના કાર્યક્રમો અટકાવીને સમાચારો પ્રસારિત કરવાની પ્રસારણ મંત્રાલયની નીતિ શું બરાબર અને યોગ્ય કરે છે?! આજે ટી.વી. અને મોબાઈલ વડે ગમે તે પળે સમાચારો જાણી શકાય છે.

તો પછી વિવિધ ભારતીના વર્ષોથી ચાલ્યા આવતા આવાં ફિલ્મી ગીતોના કાર્યક્રમોને અટકાવીને વચ્ચે વચ્ચે સમાચાર બુલેટીનો પ્રસારિત કરવાની કોઇ જરૂર ખરી? સમાચારનાં બુલેટીનોનો આ અતિરેકભર્યો માર, શ્રોતા કઇ રીતે સહન કરી શકે કે જેમને રેડિયો દ્વારા માત્ર આનંદ અને મનોરંજન  જ જોઈએ છે. મનોરંજનના કાર્યક્રમોની અધવચ્ચે જે આવા સમાચાર બુલેટીનો પ્રસારિત થાય છે તે તો અટકવાં જ જોઈએ.
સુરત     – બાબુભાઈ નાઈ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સુપ્રિમમાં સુનાવણી ભારતીય ભાષામાં થવી જોઈએ
એક અખબારી અહેવાલ અનુસાર કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જૂએ એવી રજૂઆત કરી છે કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ભારતીય ભાષામાં થવી જોઇએ. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ વિચારવું જોઇએ. આજે અનેક વકીલો માત્ર અંગ્રેજી બોલે છે. અંગ્રેજીમાં જ લખે છે પરંતુ તે દરેકને માફક આવતું નથી. તમે ભલે દરેક ભાષા જાણતા હો પરંતુ સોચ તો હિંદુસ્તાની જ રાખવી જોઇએ. આપણે આપણી ભાષાનો ઉપયોગ કરીશું તો રાષ્ટ્રવાદને વેગ સાંપડશે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જૂની વાતમાં તથ્ય તો છે જ. કેમકે કોર્ટમાં આવતાં બધા જ પક્ષકારોને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોતું નથી.

તેથી અંગ્રેજી ભાષામાં થતી સુનાવણી દરમ્યાન ચાલતી મેટર મોટા ભાગના પક્ષકારોને સમજમાં આવતી નથી. જો સુનાવણી ભારતીય ભાષામાં થાય તો પક્ષકાર પોતાના કેસની સુનાવણી જાણી શકે અને સમજી પણ શકે. માત્ર સુપ્રીમ કોર્ટમાં જ નહીં બલકે દેશની તમામ હાઇકોર્ટમાં પણ ભારતીય હિન્દુસ્તાની ભાષામાં સુનાવણી કરવાની જરૂર છે. અલબત્ત આમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે છતાં કોર્ટોમાં ભારતીય ભાષામાં સુનાવણી કરવાનું પગલું લેવાય તો તે અવશ્ય આવકારદાયક બની રહેશે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top