નામચી જિલ્લાના નિર્માણાધીન ટનલમાં સર્જાઈ મોટી દુર્ઘટના; NDRF, SDRF અને સેના સહિતની ટીમો બચાવ અભિયાનમાં જોડાઈ
સિક્કિમના નામચી જિલ્લામાં આવેલી નિર્માણાધીન સામાર્ડુંગ–મામરિંગ રોડ ટનલ ખાતે મિથેન ગેસના બ્લાસ્ટ બાદ થયેલા ભૂસ્ખલને મોટી દુર્ઘટનાનું રૂપ ધારણ કર્યું છે. ટનલના પ્રવેશદ્વાર પાસે ભારે પ્રમાણમાં માટી અને પથ્થરો ધસી પડતા અંદર કામ કરી રહેલા 27 મજૂરો ફસાઈ ગયા હતા. લાંબા સમય સુધી ચાલેલી રેસ્ક્યૂ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 7 મજૂરોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્યને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધસ્તરે બચાવ કામગીરી ચાલુ છે.પ્રાથમિક માહિતી અનુસાર, ટનલની અંદર અચાનક મિથેન ગેસનો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે ટનલની બહારની બાજુએ ભૂસ્ખલન સર્જાયું અને પ્રવેશદ્વાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો. પરિણામે અંદર કામ કરી રહેલા મજૂરો બહાર નીકળી શક્યા નહોતા.
રેસ્ક્યૂ ટીમોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદ, અસ્થિર પહાડી વિસ્તાર, માટી અને મોટા પથ્થરોના ઢગલાને કારણે ભારે મશીનરીને ઘટનાસ્થળ સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. તેમ છતાં NDRF, SDRF, સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને ભારતીય સેનાની ટીમો સંયુક્ત રીતે બચાવ કામગીરી ચલાવી રહી છે.અધિકારીઓના જણાવ્યા મુજબ, ટનલની અંદર ફસાયેલા મજૂરો સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગ તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગેસનું પ્રમાણ, ઓક્સિજનનું સ્તર અને ટનલની અંદરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી બચાવકર્મીઓની સુરક્ષા પણ જળવાઈ રહે.
પ્રશાસનના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારોને સુરક્ષિત જાહેર કરીને અનધિકૃત લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથેજ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે,મૃતકોની ઓળખ અને તેમના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાના કારણોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. મિથેન ગેસ એટલી મોટી માત્રામાં કેવી રીતે એકત્રિત થયો,સુરક્ષા ધોરણોનું પાલન થયું હતું કે નહીં અને ટનલમાં કામ દરમિયાન જરૂરી સાવચેતી રાખવામાં આવી હતી કે નહીં તે મુદ્દાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે. સિક્કિમ સરકાર અને જિલ્લા પ્રશાસને બચાવ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જ્યાં સુધી તમામ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં નહીં આવે ત્યાં સુધી રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલુ રહેશે.