SURAT

આગ લાગ્યા બાદના એથર ઈન્ડસ્ટ્રીની ફેક્ટરીના વીડિયો સામે આવ્યા

સુરત(Surat): સચિન જીઆઈડીસીની (SachinGIDC) કેમિકલ કંપની (Chemical Company) એથર ઈન્ડસ્ટ્રીની (AetherIndustries) આગની (Fire) ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. સુરતની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવી રહી છે. આગની ભયાનકતા દર્શાવતા દ્રશ્યો હવે સામે આવ્યા છે.

સચિન જીઆઈડીસીમાં એથર ઈન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ કંપની આવેલી છે. આ કંપનીમાં બુધવારની રાતે 1.30થી 2.00 વાગ્યાના અરસામાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આગનું કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ કંપનીમાં મોટા જથ્થામાં જલદ કેમિકલ પ્રવાહી સ્વરૂપે હોઈ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.

થોડી જ ક્ષણોમાં આગ સમગ્ર ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. ફેક્ટરીમાં અફરાતફરી મચી ગઈ હતી. બીજા દિવસે મળસ્કે આ ફેક્ટરીમાંથી બળી ગયેલી હાલતમાં 7 લાશ મળી હતી. આગથી લપેટમાં આવી જતાં 27 લોકો દાઝી ગયા હતા, જેમની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. 

બાજુની મિલના કારીગરનું મોત
આ ઘટનાની ભયાનકતા એ વાત પરથી જાણી શકાય છે કે એથર ઈન્ડસ્ટ્રીમાં બ્લાસ્ટ થયો ત્યારે બાજુની શાનુ મિલનો પતરાંનો શેડ તૂટીનો પડ્યો હતો. આ પતરાંનો શેડ એક કારીગર પર પડ્યો હતો.  યુવક પર સિમેન્ટનું પતરું પડતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે અને 10થી વધુ દર્દીની સ્થિતિ હજી પણ નાજુક છે.

ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પરિવારોને મૃતદેહ સોંપાશે
નવી સિવિલ હોસ્પિટલમાં તમામ મૃતદેહના પોસ્ટ મોર્ટમ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેટલા મૃતદેહની ઓળખ થઈ એ તમામ પરિવાર ના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. DNA સેમપલ રિપોર્ટ આવ્યા બાદ પરિવાર ને મૃતદેહ અંતિમ વિધિ માટે સોંપવામાં આવશે. હાલ પરિવારના સભ્યોને સિવિલમાં બોલાવી લેવાયા છે. DNA સેમ્પલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કંપનીએ મૃતકોના પરિવારને 50 લાખ આપવાની જાહેરાત કરી
ખૂબ જ ભયાનક આ આગની દુર્ઘટનામાં 7 કારીગરોના દર્દનાક મોત થયા છે. તે પૈકી બે કારીગરોની ઓળખ થઈ છે. અન્ય 5ના હાડપિંજરના ડીએનએ ટેસ્ટ કરાશે. દરમિયાન કંપનીએ આ દુર્ઘટનાને અકસ્માત ગણાવી છે. જોકે, મૃતકોના પરિવારને રૂપિયા 50 લાખનું વળતર આપવાની કંપનીએ જાહેરાત કરી છે.

તે ઉપરાંત મૃતકોના પરિવારના સભ્યોને નોકરી આપવામાં આવશે. મૃતકના બાળકોની અભ્યાસની વ્યવસ્થા કંપની કરશે. મૃતકના પરિવારને બધા જ હક વળતર આપવા માટે કંપનીએ તૈયારી બતાવી છે. ઘટનામાં કામ કરવા માટે સક્ષમ ન હોય તેવા ઈજાગ્રસ્ત કર્મચારીને પણ વળતર આપવામાં આવશે. અપંગ થયેલા કામદારોને 25 લાખનું વળતર આપવામાં આવશે. ઈજાગ્રસ્ત તમામ કામદારોની સંપૂર્ણ સારવારની જવાબદારી કંપની ઉઠાવી છે.

Most Popular

To Top