SURAT

સુરતમાં બાઇક પર જતાં પિતા-પુત્રીને કારચાલક ટક્કર મારી ફરાર, પિતાનું મોત

સુરત: સુરતના વેસુમાં મંગળવારે મોડી સાંજે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત નીપજ્યું હતું. યુવક તેની દીકરી સાથે બાઇક પર જતો હતો ત્યારે બલેનો કારનો ડ્રાઇવર બેદરકારથી કાર ચલાવી પિતા-પુત્રીની બાઇકને ટક્કર મારીને નાસી ગયો હતો. આથી પિતા-પુત્રી બંને ઇજાગ્રસ્ત થયાં હતાં. ઇજાગ્રસ્ત પિતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 15 વર્ષિય દીકરીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

વેસુ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર સોની ફળિયા પારસીવાડ ખાતે રહેતા રાકેશ ઉર્ફે શંકર અરવિંદ પારેખ (ઉં.વ.45) તેમની દીકરી હિયા (ઉં.વ.15) સાથે બાઇક પર કામ અર્થે ઘરેથી નીકળ્યા હતા. તેઓ ઉધના-મગદલ્લા મેઇન રોડ હેપ્પી હોમ્સની સામે એસટી જેની સ્કૂલ બીઆરટીએસ બસ સ્ટોપ પાસેથી પસાર થઈ રહ્યા હતા.

એ વખતે યુનિવર્સિટી તરફથી પૂરઝડપે આવતી બ્લ્યુ કલરની બલેનો કારનો ડ્રાઇવર બેદરકારીથી કાર ચલાવી રાકેશભાઈની બાઈકને ઠક્કર મારીને નાસી ગયો હતો. પિતા આથી રાકેશ અને પુત્રી હિયા દૂર સુધી ઘસડાયાં હતાં. બંનેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, જેમાં રાકેશભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જ્યારે દીકરીને પણ શરીરે ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. બીજી બાજુ બલેનો કારનો ચાલક અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. રાકેશના ભત્રીજા પાર્થ નિલેશ પારેખ (રહે.,મુગલીસરા, પટની કોલોની)એ ફરિયાદ આપતાં વેસુ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ઉનમાં કૂતરૂં વચ્ચે આવી જતા આધેડ મોપેડ સાથે નીચે પટકાયા: સિવિલમાં દાખલ
સુરત: સચીનના ઉન વિસ્તારમાં સોમવારે રાત્રે મોપેડ લઇને જતા આધેડની સામે અચાનક રખડતું કૂતરું આવી જતા મોપેડ સ્લીપ થઈ ગઈ હતી. તેથી મોપેડ સવાર આધેડને ખભા અને ઘુંટણના ભાગે ઇજા થઈ હતી. આધેડને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર સચીનમાં ઉન પાટિયા પાસે આસીયાનગરમાં રહેતા ફકરૂદ્દીન સમરૂદ્દીન કુરેશી( 55 વર્ષ) ફર્નિચરનું કામ કરે છે. તા. 8મી તારીખે તેઓ કામ અર્થે ગયા હતા. તેઓ કામ પરથી મોપેડ પર પરત ફરી રહ્યા હતા ત્યારે ઉન પાટિયા પેટ્રોલ પંપ પાસેથી અચાનક સામે કૂતરૂં આવી જતાં તેઓની મોપેડ સ્લીપ થઈ ગઈ હતી.

ફકરૂદ્દીન કુરેશીને જે-તે સમયે વધારે દુ:ખાવો થયો ન હોવાથી સ્થાનિક દવાખાનામાં બતાવ્યું હતું. બીજા દિવસે ખભામાં વધારે દુ:ખાવો થવા લાગ્યો હતો. આથી તેમને તેમનો દીકરો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. ફકરૂદ્દીન કુરેશીને જમણા ખભાના ભાગે અને ઘુંટણના ભાગે ઇજા થઈ છે. તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top