વડોદરાના સાંસદ અને ધારાસભ્યોએ સમજાવી છતાં હિન્દુ યુવતી મુસ્લિમ યુવક સાથે ભાગી જતાં હંગામો

વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી  હિન્દુ યુવતી તેના  મહોલ્લામાં રહેતા  વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ હોવાના બનાવને પગલે ભારે ચકચાર મચવા પામી છે. આ પહેલાં વિધર્મી યુવકે યુવતી સાથે નિકાહ કરીને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. યુવતીના કાઉન્સેલિંગ બાદ તેના પિતાનું મૃત્યુ થયું હતું. અને પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ભાગી ગઈ છે, જેથી પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.

શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી  હિન્દુ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતો  વિધર્મી યુવક ગત ૨જી ડિસેમ્બરે ઘેરથી ભગાડીને મુંબઈ લઈ ગયા બાદ ૬ ડિસેમ્બરે બાન્દ્રા ખાતે તેનું ધર્મપરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો.

યુવતી અને યુવકને બુધવારે સાંજે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લવાયાં હતાં, જયાં બંનેનું કાઉન્સેલિંગ કરાયું હતું.  લવ-જેહાદના આ કિસ્સા સામે અગ્રણીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે ફરિયાદ થઈ ન હતી.  નાગરવાડા વિસ્તારમાં રહેતી બ્રાહ્મણ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતા વિધર્મી યુવક સાથે ત્રણેક વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને ગાઢ પરિચયમાં આવ્યાં હતાં.

બંને ૨જી તારીખે ઘેરથી ભાગી જઇ છોટાઉદેપુર ગયાં હતાં. ત્યાં લગ્નનો પ્રયાસ કર્યો હતો, પણ ગુજરાતમાં કાયદાનું બંધન નડતાં સફળ થયાં ન હતાં, જેથી બંને ધર્મપરિવર્તનનો કાયદો અમલમાં નથી તેવા મહારાષ્ટ્ર રાજ્યમાં ગયાં હતાં. મુંબઇના બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મપરિવર્તન કરાવાયું હતું અને બંનેએ નિકાહ કરી લીધાં હતાં. ત્યાર બાદ યુવતીએ પોલીસને પત્ર લખીને જાણ કરી હતી કે તેણે આ વિધર્મી યુવક સાથે રાજીખુશીથી લગ્ન કર્યા  હતા.

યુવક અને યુવતી મુંબઇથી વડોદરા આવ્યાં હતાં અને યુવતીએ તેને દબાવવાનો પ્રયત્ન કરાશે તેવી પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ દ્વારા બુધવારે સાંજે યુવક અને યુવતીને પોલીસ સ્ટેશન બોલાવાયાં હતાં. બંનેના પરિવાર પણ પોલીસ સમક્ષ પહોંચ્યા હતા, જયાં યુવક અને યુવતીનું સતત કાઉન્સેલિંગ કરાયું હતું અને ત્યાર બાદ બન્નેને પોતપોતાનાં ઘેર મોકલીને ત્યાં કાઉન્સેલિંગ શરૂ કરાયું હતું.  

નાગરવાડા વિસ્તારમાં યુવતીને ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ યુવકે નિકાહ કરી લીધા બાદ બંનેને પોતપોતાનાં ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં. ગુરુવારે યુવતીની આખા દિવસ દરમિયાન સાંસદ અને ધારાસભ્ય સહિતના નેતાઓ દ્વારા મુલાકાત કરી સમજાવવાના પ્રયાસો આદર્યા હતા.

આ ઘટના પ્રકાશમાં આવતાં હિન્દુ સંગઠનો પણ વિરોધ કરવા સાથે મેદાનમાં આવી ગયાં છે. આ ઘટના બાદ યુવતીના પથારીવશ પિતાનું મૃત્યુ થયું હતું અને પિતાના તેરમાની વિધિ પતાવીને દીકરી ફરી વિધર્મી યુવક સાથે ફરાર થઈ ગઈ છે. કારેલીબાગ પોલીસે યુવક અને યુવતીની ફરી શોધખોળ શરૂ કરી છે.

Related Posts