Gujarat Main

તારાપુર નજીક ગમખ્વાર અકસ્માતમાં 10નાં મોત- પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2-2 લાખ રુપિયાની સહાય

આણંદના તારાપુર-વટામણ ધોરીમાર્ગ (Highway) ઉપર ઇન્દ્રણજ ગામ પાસે બુધવારે વહેલી સવારે ટ્રક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident)) સર્જાતાં એક જ પરિવારના નવ લોકો સહિત 10 વ્યક્તિના મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવી પડી હતી. મૂળ ભાવનગરના વરતેજ ગામના પીંજારા પરિવારના સભ્યો મહારાષ્ટ્રથી (Maharashtra) સુરત થઈ ભાવનગર (Bhavnagar) તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ અજમેરી પરિવારને અકસ્માત નડયો હતો.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ બુધવારે વહેલી સવારે સાડા છ વાગ્યાના સુમારે આણંદ નજીકના તારાપુર ધોરી માર્ગ ઉપર મહારાષ્ટ્રથી ભાવનગર તરફ જઈ રહેલી ઇકો કાર ઇન્દ્રણજ ગામ નજીક પહોંચી ત્યારે સામેથી આવી રહેલી ટ્રક સાથે ઇકો કાર ધડાકા સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગામના લોકો દોડી આવ્યા હતા. તારાપુર પોલીસ મથકના પોસઈ મનોજ જી. પટેલને જાણ થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી મૃતકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે લગભગ અડધી ઈકો કાર ટ્રકની આગળના ભાગમાં ઘુસી ગઈ હતી. જેથી મૃતદેહનો બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવી પડી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો. જોકે અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ફરાર થયેલા ટ્રકના ચાલકને ઝડપી લેવા પોસઈ એમ.જી.પટેલે ચક્રો ગતિમાન કર્યા હતા.

આ બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અજમેરી પરિવાર તેમના કુંટુંબમાં દિકરા માટે છોકરી જોવા મહારાષ્ટ્ર ગયા હતા, આ વિધી પતાવીને તેઓ સુરતથી ભાવનગર પરત ફરી રહ્યા હતા, ત્યારે તારાપુર પાસે ઇન્દ્રણજ ગામ નજીક ઈકો કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતમાં સીરાઝભાઈ અજમેરી (ઉ.વ. 40), મુમતાઝબાનુ સીરાઝભાઈ અજમેરી (ઉ.વ. 34), રઈશ સીરાઝભાઈ અજમેરી (ઉ.વ. 05), અનીશાબાનું અલ્તાફભાઈ અજમેરી (ઉ.વ. 32), અલ્તાફભાઈ મહંમદભાઈ અજેમરી (ઉ.વ. 35), મુસ્કાન અલ્તાફભાઈ અજેમરી (ઉ.વ. 12 તમામ રહે, નાની ચોકડી આદમજીનગર, ભાવનગર), મુસ્તુફા રહીમભાઈ ડેરીયા (ઉ.વ. 21), રહીમભાઈ મુસાભાઈ સૈયદ (ઉ.વ. 60 રહે, વરતેજ ભાવનગર) અને ઈકોના ચાલક રાધભાઈ મેરુભાઈ ગોહિલ (ઉ.વ. 38, રહે, સીદસર)નું કરૂણ મૃત્યુ થયું હતું.

ચાલુ ગાડીએ ઇકો ચાલકે વિડીયો ઉતાર્યો હતો – જે તેનો આખરી વિડીયો સાબિત થયો

ભાવનગરના વરતેજ ગામના અજમેરી પરિવારને આણંદના તારાપુર પાસે ગમખ્વાર અકસ્માત નડયો હતો. અકસ્માત પહેલા ઈકો કારના ચાલક રાધવ ગોહીલે ગઈકાલે સાંજના સમયે ચાલુ ગાડીએ વિડીયો ઉતાર્યો હતો, અને પોતાના મિત્રોને શેર કર્યો હતો. વિડિયો ઉતાર્યા પછીના ગણતરીના કલાકો બાદ જ ઇકો કારને અકસ્માત નડયો હતો. જેમાં કારમાં ચાલક રાઘવભાઇનું મૃત્યુ થયું હતું. આ તેમનો અંતિમ વિડીયો સાબિત થયો હતો.

પીએમ એ જાહેર કરી 2 લાખ રુપિયાની સહાય

વહેલી સવારે થયેલા અકસ્માતની નોંધ વડાપ્રધાન કાર્યાલય (PMO) અને દેશના રાષ્ટ્રપતિ (President)એ લીધી છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતકના નજીકના સ્વજનોને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે રાષ્ટ્રપતિએ ટ્વીટ કરતા લખ્યું છે કે, આણંદમાં અકસ્માતનો બનાવ ખૂબ જ પીડાદાય છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) તરફથી પણ કલેક્ટરને આદેશ કરાયો છે કે પરિવારને તમામ મદદ કરવામાં આવે. ગુજરાત સરકાર તરફથી પણ બહુ ઝડપથી સહાયની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અકસ્માત અંગે ટ્વીટ કર્યું છે કે એક જ પરિવારના આટલા સભ્યોનાં મોત થયા તે સમાચાર ખરેખર વિચલિત કરી દે તેવા છે.

Most Popular

To Top