Madhya Gujarat

ડાકોરમાં ભારે વાહનોથી ટ્રાફિક સમસ્યા વકરી

નડિયાદ: ડાકોર ચોકડી પર ફ્લાય ઓવરબ્રિજની કામગીરીને પગલે ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ ભારે વાહનો ડાયવર્ઝનવાળા રસ્તેથી અવરજવર કરવાને બદલે ડાકોર ગામના માર્ગો પર થઈને બેરોકટોક અવરજવર કરી રહ્યાં છે. જેને પગલે ગામના રસ્તાઓ બિસ્માર બન્યાં છે અને ડ્રેનેજ લાઈનને નુકશાન થઈ રહ્યું  છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં વકરતાં જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા બસસ્ટેન્ડ પાસેની ચોકડી પર ત્રિપાંખીયો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. ડાકોર-ઉમરેઠ, ડાકોર-ઠાસરા અને ડાકોર-કપડવંજને જોડતાં આ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી છેલ્લાં વીસ મહિનાથી  ચાલી રહી છે.

આ નિર્માણાધીન બ્રિજની બંને બાજુ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી ન હોવાથી ડાકોર-કપડવંજ રોડ પર અવરજવર માટેનો રસ્તો સાવ સાંકડો થઈ ગયો છે. જેને પગલે તંત્ર દ્વારા ભારે વાહનો માટે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે. જોકે, ટ્રક, ટેન્કર, ટ્રેલર, ડમ્ફર, એસ.ટી બસ સહિતના ભારે વાહનો ડાયવર્ઝન વાળા માર્ગ પરથી અવરજવર કરવાને બદલે છેલ્લાં એક વર્ષથી ડાકોર ગામના સાંકડા માર્ગો પર થઈને અવરજવર કરી રહ્યાં છે. ભારે વાહનોની અવરજવરને પગલે ગામમાં નવા બનાવાયેલાં રસ્તાઓ તુટીને બિસ્માર થઈ ગયાં છે, ડ્રેનેજ લાઈનને નુકશાન પહોંચ્યું છે. ભારે વાહનોની અવરજવરને પગલે માર્ગ પરથી પસાર થતાં નાના વાહનોના ચાલકો તેમજ રાહદારીઓમાં સતત અકસ્માતનો ડર રહે છે. ત્યારે તંત્ર દ્વારા ગામમાં ભારે વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ભારે વાહનોને ગામમાં પ્રવેશતાં રોકવા જાગૃતજનોની માંગ
યાત્રાધામ ડાકોરમાં છેલ્લાં એકાદ વર્ષથી ભારે વાહનોની અવરજવરને કારણે મુખ્ય રસ્તાઓ બિસ્માર બન્યાં છે. આ ઉપરાંત ડ્રેનેજ લાઈનને પણ ભારે નુકશાન પહોંચી રહ્યું છે. ગામના સાંકડા રસ્તાઓ ઉપર અવરજવર કરતાં ભારે વાહનોથી નાના-મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યાં છે. ત્યારે મોટો અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને ભારે વાહનોને ગામમાં પ્રવેશતાં રોકે તેવી જાગૃત નાગરીકો દ્વારા માંગ ઉચ્ચારવામાં આવી છે.

ભારે વાહનોને આવતાં રોકવા માટે બે જવાનો મુક્યાં છે: પોલીસ
આ મામલે ડાકોર પોલીસમથકના પી.એસ.આઈ આકાશ ચૌધરી જણાવે છે કે, ભારે વાહનો ડાકોર ગામમાં પ્રવેશ ન કરે તે માટે પોલીસતંત્ર દ્વારા ડોન બોસ્કો હાઈસ્કુલની સામે ડાકોરમાં પ્રવેશવાના માર્ગ પર બે ટી.આર.બી જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમછતાં જો કોઈ ભારે વાહન ગામમાં પ્રવેશ કરે તો પોલીસતંત્ર દ્વારા મેમો આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.

સાંકડા માર્ગો પર ભારે વાહનોથી ટ્રાફિકજામ સર્જાય છે
ડાકોર નગરના સાંકળા રાજમાર્ગો પર ટ્રક, ટ્રેલર, એસ.ટી બસ, ટેન્કર સહિતના ભારે વાહનોની અવરજવર તેજ બની છે. જેને પગલે નગરમાં અવારનવાર ભારે ટ્રાફિકજામની સ્થિતી સર્જાઈ રહી છે. જેને પગલે નગરજનો ઉપરાંત યાત્રાળુઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

Most Popular

To Top