Comments

હનુમાનજી એટલે સ્વયં હાસ્યદેવતા..!

વાઈફનું ખેંચાણ પિયર બાજુ વધારે હોય, એ સ્વાભાવિક છે. એમ હાસ્યકારનું ખેંચાણ પણ હાસ્ય માટે હોય..! ન્યુટન ભલે જીવતા નથી,પણ ગુરુત્વાકર્ષણના નિયમ તો જીવતા છે ને..? રામાયણ સીરીયલમાં પણ સૌએ જોયું હશે કે, હસવા કે હસાવવા માટે, હનુમાનદાદાએ, બળજબરીથી ચહેરાને ‘સેટ’ કર્યો હોય એવું લાગતું નથી. એમના ચહેરા ઉપર આયાસ વગરનું નિર્દોષ હાસ્ય ફરકતું જ હોય. પછી ભલે એ લંકામાં હોય, ચિત્રકૂટમાં હોય કે અયોધ્યામાં..! સદૈવ હસતા દેવ એટલે હનુમાનદાદા..! ..? જ્યાં પણ તક મળી ત્યાં, કપીશ્વરે સૌને હસાવ્યા હશે, બાકી ફસાવ્યા નથી..! સંત તુલસીદાસે પણ હનુમાન ચાલીસાની શરૂઆતમાં જ “શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારી.” વર્ણવીને મુખડું સુધારવાનો ઉપાય બતાવેલો છે. છતાં લોકો ફેસિયલ વગર હસતા નથી. ભગવાને ફક્કડ ચહેરો આપ્યો હોય તો પણ, ચહેરા ઉપર હાસ્યનો દુકાળ દેખાય. મોંઢું બાફેલા અથાણા જેવું જ કાયમ હોય. એટલે હું હનુમાનજીને અંગત ભાવે હાસ્યનો દેવતા પણ માનું..! એ પણ દ્વૈતભાવ જ છે ને..?

અમને કેમ એવું ભણાવેલું કે, ‘માણસનાં પૂર્વજો વાનર હતા’ એની ખબર નહિ. એવું પણ ભણાવી શક્યા હોત કે, હનુમાનજી માણસોના પૂર્વજ હતા. કાળક્રમે પૂંછડું ઘસાઈ ગયું એમ, સમય જતાં ચહેરાનું રીનોવેશન પણ થયું હોય..! બાકી હાસ્યના માપદંડથી જોઈએ તો, હનુમાનજીમાં પણ હાસ્ય ફરકતું હતું. એટલે એ અમારા હાસ્યના દેવતા અને અમે એના સીધી લીટીના વારસદાર કહેવાઈએ..! હાસ્ય માનવીને વિનમ્રતા શીખવે છે. માતા સીતાજીએ અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ જેવી આઠ સિધ્ધિઓ વરદાનમાં આપેલી હોવા છતાં, કપીશ્વરને કોઈ અભિમાન નહિ. સદાય વિનમ્ર અને હસતા હસતા પેશ થાય..! આવા સિદ્ધ મહાત્માની ઓળખ હું હાસ્યના દેવતા તરીકે આપું છું.

એમનો જન્મ મહોત્સવ આવે તો સ્વાભાવિક છે કે, આપણા સ્વજનનો જન્મ મહોત્સવ આવ્યો હોય એટલો આનંદ થાય. આપણા પણ મુખડા મલકે..! એમને Happy birth day તો કહેવાય નહિ. કહેવા ગયા તો આપણો શિષ્ટાચાર લાજે ને એવું પણ નહિ કહેવાય કે, ‘તુમ જીયો હજારો સાલ..! કારણ તેઓ તો સાત ચિરંજીવી પૈકીના એક ચિરંજીવ છે. આપણી Birth day હોય તો પાર્ટી કરીએ, એમના જન્મોત્સવમાં તો ભંડારા કરવાના હોય. આપણા જન્મ દિને મીણબત્તી સળગાવીને હોલવીએ, એમના જન્મોત્સવમાં તો આરતીના દીપક પેટાવીએ. બાકી હોંશલાની જો વાત કરીએ તો, પગમાં ભલે લંકા ખદબદતી હોય, પણ સૌનો હોંશલો અંજનિ પહાડ ચઢવાનો જ હોય..! શું કહો છો રતનજી..!

ઘણાને થશે કે, આજે રમેશિયાએ ગમ્મત ગુલાલની ચેનલ ઉપરથી સીધો ધાર્મિક ચેનલ ઉપર કેમ ધબુકો માર્યો..? પેટ છૂટી વાત કરું તો, પ્રસંગ જોઇને ઠાઠ રાખવા પડે. જેવા જેવા તહેવારો આવે એ પ્રમાણે, બજારનો માલ ઉભરાય, એમ અમારે પણ તેવી દુકાન માંડવી પડે. ઉત્તરાયણ આવે એટલે પતંગ-ફીરકાથી બજાર ઉભરાય, હોળી આવે એટલે રંગ અને પીચકારીથી ઉભરાય અને દિવાળી આવે તો ફટાકડાથી ઉભરાય વગેરે વગેરે..! બજાર એવાં ઉભરાય કે, જગ્યા ના હોય તો, ફૂટપટ્ટી જેવો ફૂટપાથ પણ હરતો ફરતો ‘મોલ’ બની જાય. ફૂટપાથ ઉપર ગોઠવેલી મસમોટી રેંકડી સાથે ધનજીભાઈનું ધોતિયું ભેરવાઈને ફાટી જાય, તો પણ નો પ્રોબ્લેમ..! બધા પોતપોતાની મસ્તીમાં જ હોય..! આ તહેવારોની જાહેરાતો પણ ભારે કરે ભાઈ..! ડોકટરે ઘસીને મીઠાઈ ખાવા ના પાડેલી હોય છતાં પણ, ‘ચંદી પડવા’માં બે-ચાર ઘારી તો ટેસથી ઉલાળી નાંખે..! બીજા દિવસે ભલે મીટર-તોડ સુગર આવે..! લોકો એને સુરતીથી ઓળખે છે..!

આ લેખનો કારસો પણ એવો જ છે. હનુમાનદાદાનો જન્મ મહોત્સવ આવ્યો ને મને પણ એમના પર લખવાની ખણ ઉપડી. કસ્સમથી કહું તો, હનુમાનદાદા મને ગમે બહુ. ગજજબના દેવતા છે દાદૂ..! તેઓ એક પણ મોંઘા મૂલની ખાનગી શાળામાં ભણ્યા નથી, વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન લીધું નથી, મોબાઈલને અડ્યા નથી, છતાં ‘બુદ્ધિ હીન તનુ જાનીકે સમરો પવનકુમાર એવા કે, ‘વગર વિઝાએ લંકા પ્રવેશ કરીને, આ પવનપુત્રે માતા સીતાજીને લંકામાંથી ખોળી કાઢેલાં. રાવણ જેવા રાવણને હંફાવવા, એ કોઈ સામાન્ય ડીગ્રી છે..?’ બીજા દેશો તો અમસ્તા જ ધુમાડા કાઢે કે, ‘અમે ચંદ્ર પર ગયા ને મંગળ પર આંટો મારી આવ્યા..!

ત્યારે અમારા દાદા તો બાલ્યાવસ્થામાં, લાખો વર્ષ પહેલાં આખો સુરજ ગળી ગયેલા. અમને ટાઈ-શૂટમાં ફાંકા-ફોજદારી કરતાં નહિ આવડે એટલું જ, બાકી અમે તો ધોતિયામાં પણ ધમધમ કરીએ. કારણ કે, અમારા ઉપર ૩૩ કરોડ દેવી-દેવતાની છત્રછાયા છે, જેને અમે વસ્તી ગણતરીમાં તો લીધા જ નથી. એટલે ભારત મહાન છે. અમે ભણતા ત્યારે શિક્ષકોએ અમને માત્ર પલાખા અને કાળુડી કૂતરીને આવ્યાં ગલુડિયાંવાળી કવિતા જ મોંઢે કરાવેલી. બાકી, ૩૩ કરોડ દેવતાની નામાવલિ જો મોંઢે કરાવી હોત તો, એક જન્મ મહોત્સવથી બીજા જન્મ મહોત્સવ સુધીમાં પણ આ નામાવલિ પૂરી નહિ થાત..! પાડ માનો કે, ૩૩ કરોડ દેવી-દેવતાઓનાં શસ્ત્રોનું આપણે શક્તિપ્રદર્શન કરતા નથી.

કારણ કે, અમે જીવો અને જીવવા દેવામાં માનીએ, કોઈનું તેલ કાઢવામાં નહિ..! શાંતિના અનુગ્રહી એવા કે, મગજમાં બરફની ફેક્ટરી રાખીને જ જીવીએ..! ઉછળ-કૂદ નહિ કરીએ..! એમાં અમારા હનુમાનજી દેવ એટલે, સાવ સીધા સાદા. માત્ર સિન્દુરનું સ્થાપન કરવાનું. રંગબેરંગી વસ્ત્રોના કોઈ ભપકા નહિ, તેલનો અભિષેક થાય તો કરવાનો, આંકડાનાં ફૂલની માળા ચઢાવવાની, હનુમાન ચાલીસાનું પઠન કરવાનું અને સમય હોય તો સુંદરકાંડ વાંચવાનું એટલે ભયો-ભયો..! કોઈ ઉપર કોઈ બળજબરી નહિ..! ‘જય કપિશ તિહુ લોક ઉજાગર’ બોલો, એટલે માણસ ‘ચાર્જ’ થઇ જાય..!. આવા શકિતશાળી દેવ એકલા હાથે લંકાને સળગાવીને આવેલા..! માતા સીતાજીને પણ આશ્ચર્ય થયેલું કે, આ વાનરમાં આવી શક્તિ આવી ક્યાંથી..? માતા સીતાજીએ પણ હનુમાનજીને પૂછેલું કે…

લંક જલાકે જલી ભી નહિ, હનુમંત વિચિત્ર પૂંછ તુમ્હારી
એ કૌના જાદુ રાજેશ્વારાહૈ, તિ પૂછતી મીથીલીશ દુલારી
બોલે કપિદેવ રાઘવ આગે હૈ પીછે હૈ પૂંછ રહસ્ય ભારી
વાનરકો ભલા પૂછત કૌન હૈ રામજીકી પીછે પૂંછ હમારી
હે…. અંજનેય મહાવીર..!

 આપે તો લંકાનો રસ્તો GPRS વગર શોધેલો..! વગર વાહને સાત સમુદ્ર પાર કરેલા. હવે તો ડીજીટલ સુવિધાની એવી ભરમાર છે કે, માત્ર અંગુઠાથી મોબાઈલ સ્ક્ર્રોલિંગ કરીએ એટલે આખું વિશ્વ ફરી લેવાય..! ‘ફોરવર્ડ’ બટન દબાવો એટલે ‘ડેસ્ટીનેશન’આવી જાય. વચ્ચે કોઈ ઋષિના આશ્રમ આવે જ નહિ. આજે મંદિરમાં ઘંટારવ થાય છે, આરતી-પૂજન-અર્ચન-પ્રસાદ બધું જ થાય છે, પણ મંદિરના ભગવાન કરતાં, ભગતની ભીડ ઓછી હોય એવું પણ બને..! ગુજરાતના ૧૮૫૪૪ ગામો પૈકી (વધ-ઘટ લેવી દેવી) એક પણ એવું ગામ નથી કે, જ્યાં આપની દેરી કે મંદિર ના હોય..!

કદાચ આપના જેટલા તો ભગવાન શ્રીરામના પણ મંદિર ના હોય, એવો આપનો ભવ્ય પ્રભાવ છે દાદા..! આપના જન્મ મહોત્સવ ટાણે આપની જય હો…!

 લાસ્ટ બોલ
વિશ્વના પહેલા સ્પાઈડર-મેન એટલે હનુમાનજી..! વિશ્વની પહેલી સર્જરી ગણપતિજીબાપાની થયેલી..! અને વગર વિઝાએ પહેલો વિદેશ પ્રવાસ કરનાર એટલે, માતા સીતાજી..!
તંઈઈઈઈ..?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top