Charchapatra

અમેરિકામાં ગન કલ્ચર અને ભારતમાં…!

હાલમાં જ અમેરિકાના ગન કલ્ચર માહોલમાં એક તરુણે 21 જેટલા નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા. આ માનસિક બીમાર બાળકની ઉંમર માત્ર 18 વર્ષ! અમેરિકામાં આવી ઘટના સામાન્ય છે પણ નિયમિત અંતરે બનતી આવી ઘટનાઓથી હવે અમેરિકન પ્રજા પણ ચિંતિત છે. ત્યાં પણ રાજકીય ખેલ ખેલાયા કરે છે. દોષારોપણ જે કાયમી ઉકેલ જ નથી, તેવા આક્ષેપો પ્રતિઆક્ષેપો થતા રહે છે. સંસ્કારની વાત આવા દેશોને સ્પર્શતી નથી, પણ વધુ પડતી સ્વતંત્રતા સ્વછંદતામાં પરિણમે ત્યારે સંસ્કાર, સંબંધ, માનવતા, સ્વમાન, સન્માન, પરિવારની ભાવના અને સંવેદનાનો છેદ ઉડે જ છે. ભારતમાં જેમ શીંગ – ચણા વેચાય છે, તેમ અમેરિકામાં ગન વેચાય છે.

અમેરિકા હોય, ભારત હોય કે દુનિયાનો કોઈ પણ દેશ જુદા જુદા વ્યસનોથી યુવાનોને બચાવશે નહીં, એ દિશામાં વિચારશે નહીં તો આવી ઘટનાઓના પુનરાવર્તનથી આશ્ચર્ય ના થશે! ધીરે ધીરે પણ મક્કમતાથી ભારતનું યુવાધન પણ ડ્રગ્સ, દારૂ, તંબાકુ, સિગારેટ જેવા નશાકારક પદાર્થોનું સેવન કરી રહ્યું છે. ગુજરાતમાં જ ડ્રગ્સનો કારોબાર કેટલા મોટા પ્રમાણમાં થતો હશે, તેના પુરાવાઓ પકડાયેલ ડ્રગ્સ પરથી જાણી શકાય છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, જ્યાં બદામ, પિસ્તા કે મીઠાઈ સરળતાથી ન મળવી, એ કરુણતા નથી પણ સરળતાથી દારૂ, ગુટકા કે ડ્રગ્સ મળી રહ્યા છે એ કરુણતા છે.

હતાશા, નિરાશા, પ્રેમભગ્ન, બેકાર કે પૈસાદાર પિતાના સંતાનો – (યુવાનો – યુવતીઓ)ની માનસિકતા જ સમજાતી નથી. પરિણામ ડર કે પરિવારની પરવા કર્યા વગર વ્યસનના રવાડે ચડી જાય છે. કુદરતે બક્ષેલી અનમોલ જિંદગી વેડફી રહ્યા છે. કોઈ ચોક્કસ ધ્યેય નથી, દિશાહિન છે. કુસંગતની અસર માજા મૂકી રહી છે. 18 વર્ષથી ઓછી ઉંમરના શાળામાં ભણતા બાળકો પણ વ્યસનના ભોગ બનેલા મળી આવે છે. શાળાના બાળકો પણ ઝનૂની, આક્રમક અને ભણવા અંગે બેદરકાર છે, ત્યારે પરિવાર શિક્ષણ, સમાજ અને સરકારે ચોક્કસ એ દિશામાં સતવરે કામ કરવું જ પડશે. તો જ યુવાધનને ગુમરાહ થતું અટકાવી શકાય! ભારતનું કલ્ચર પણ બદલાઈ રહ્યું છે, જે ન ભુલાય.
સુરત     – અરૂણ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top