Gujarat

વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય, આ ‘પંચશક્તિ’ સરકારની અગ્રતા: રાજ્યપાલ

ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે આજે 15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર (Budget of Gujarat Assembly) સત્રનો શુભારંભ થયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગૃહમાં કહ્યું હતું કે રાજય સરકાર હંમેશા ગુજરાતના નાગરિકોની ઉન્નતિ, સશક્તિકરણ અને પ્રગતિ માટે પ્રતિબધ્ધ છે. વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય; એ ‘પંચશક્તિ’ મારી સરકારની અગ્રતા છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. છેલ્લા નવ વર્ષોથી ગુજરાતને ‘ડબલ એન્જિન સરકાર’ના લાભો મળી રહ્યા છે. માનવ વિકાસ અને જનકલ્યાણના તમામ આયામોમાં ગુજરાત અન્ય રાજ્યો માટે આદર્શ-પથપ્રદર્શક રહ્યું છે. એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં ગુજરાતે નવા શિખરો સર ન કર્યા હોય, નવી સિદ્ધિ હાંસલ ન કરી હોય. અને એટલે જ આજે ગુજરાત સમગ્ર દેશ માટે ‘મોડેલ સ્ટેટ’ બન્યું છે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત એટલે ગરબા, વ્યાપાર, સ્વાદ, સાહસ અને સંસ્કાર. શૂરવીરો અને સાહિત્યકારોની ભૂમિ એટલે ગરવી ગુજરાત. કોરોના જેવી મહામારી હોય કે કુદરતી હોનારતો, મારા ગુજરાતી બાંધવોએ અડગ રહીને આફતોનો સામનો કરતાં કરતાં વિકાસની ગતિમાં અવરોધ નથી આવવા દીધો. રાજ્ય સરકારના પંચામૃત વિકાસ કાર્યોમાં ગુજરાતના નાગરિકોએ હંમેશા સમર્થન આપ્યું છે.

રાજ્યપાલે જણાવ્યું હતું કે , ભારત સરકારની ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાતના 87 રેલવે સ્ટેશનોનો વિકાસ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને ગુજરાતની રાજધાની ગાંધીનગર અને દેશની આર્થિક રાજધાની મુંબઈને જોડતી સેમી હાઈસ્પીડ ‘વંદે ભારત ટ્રેન’ની ભેટ આપી છે, એ જ રીતે ગુજરાતના નાના શહેરોને મોટા શહેરો સાથે જોડતી ‘વંદે મેટ્રો ટ્રેન’ની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ભારત સરકારે વર્ષ 2023-24 ના અંદાજપત્રમાં ગુજરાતમાં રેલવેના વિકાસ માટે ₹8332 કરોડની ઐતિહાસિક ફાળવણી કરી છે.

ગુજરાત દેશનું ‘ગ્રોથ એન્જિન’ રહ્યું છે, એમ કહેતાં રાજ્યપાલે કહ્યું હતું કે, નલ સે જલ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી યોજનાઓના વ્યાપક અને અસરકારક અમલીકરણથી જનકલ્યાણકારી સેવાઓમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. તેમણે કહ્યું હતું કે સુરત જિલ્લાના કાકરાપાર – ગોરધા -વડ ઉદ્દવહન સિંચાઈ યોજના પૂર્ણ કરાઈ છે. આયોજના પાછળ 590 કરોડનો ખર્ચ કરાયો છે.આયોજનાથી સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના કુલ 89 ગામના આશરે 20,032 હેકટર વિસ્તારને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થઈ છે. નવસારીના ગણદેવી તાલુકામાં વાઘરેચ ગામ ખાતે કાવેરી નદી પર અંદાજે 250 કરોડના ખર્ચે વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટરના બાંધકામની કામગીરી પ્રગતિમાં છે.આ યોજના થકી બિલીમોરા શહેર અને આસપાસના 10 ગામોને પીવાનું પાણી ઉપલબ્ધ થશે.વધુમાં દરિયાઈ પાણીથી તથી ખારાશ આગળવધતી અટકશે અને ભૂગર્ભ જળની ગુણવત્તામાં સુધારો થશે.

રાજયપાલે જણાવ્યું હતું કે સરદાર સરોવર યોજનાના બન્ને પાવર હાઉસ કાર્યરત થતાં 1450 મેવોની સ્થાપિત ક્ષમતા હાંસલ કરવામાં આવી છે.આ પાવર હાઉસમાંથી 2022-23 માં જાન્યુ-2023 સુધીમાં 420.89 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થયુ છે.આમ જાન્યુ.2023ના અંત સુધીમાં કુલ 5567.90 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થયુ છે. આ વીજ ઉત્પાદનથી રાષ્ટ્રને આશરે 22,271 કરોડની આવક થવા પામી છે. બીજી તરફ રાજયમાં છેલ્લા 16 વર્ષથી ખેડૂતો માટે વીજદરોમાં કોઈ વધારો કરાયો નથી.2022-23માં 20 લાખ ખેડૂતોને વીજ બિલમાં 8324.98 કરોડની રાહત – સબસિડી આપવામા આવી છે.રાજ્યના વિવિધ યાત્રાધામોમાં 4,337 કિલોવૉટની ક્ષમતાના સોલાર રૂફટોપની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આથી વાર્ષિક 63.32 લાખ વીજ યુનિટ ઉત્પન્ન થશે અને અંદાજિત રૂપિયા 316.60 લાખની વીજ બચતની સંભાવના છે.

ગુજરાત પ્રદૂષણમુક્ત બિન પરંપરાગત ઊર્જા ઉત્પાદનને વિશેષ મહત્વ આપી રહ્યું છે. આ ક્ષેત્રમાં ગુજરાતે 19,333 મેગાવૉટની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે.વીજ બીલ બચાવવા રાજ્યના 1,484 ગ્રામ પંચાયત ભવનો, 37 તાલુકા પંચાયત ભવનો અને 6 જિલ્લા પંચાયત ભવનો પર સોલાર રૂફટોપ નખાયા છે, જેની કુલ સ્થાપિત ક્ષમતા 5,728 કિલોવૉટ છે. ભવિષ્યમાં તમામે તમામ ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોને સોલાર રૂફટોપ સિસ્ટમથી આવરી લેવામાં આવશે. તેમણે જમાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષ 2003 ની ગણતરી પ્રમાણે વનવિસ્તાર બહાર 25 કરોડ, 10 લાખ વૃક્ષો હતા. તે વધીને વર્ષ 2021 ની ગણતરી મુજબ 39 કરોડ, 75 લાખ થયા છે. વર્ષ 2017 ની તુલનામાં વર્ષ 2021 ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન આચ્છાદિત ક્ષેત્રમાં 169 ચો. કિ.મી.નો વધારો નોંધાયો છે.

Most Popular

To Top