National

ગુજરાત-હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશે, બપોરે 3 વાગ્યે ECની પ્રેસ કોન્ફરન્સ

નવી દિલ્હી: ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી તારીખો આજે જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણી પંચે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. આ પત્રકાર પરિષદ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાશે.

ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં પૂરો થાય છે. હાલ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. 2017ની ચૂંટણીમાં ભાજપે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 99 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ચૂંટણી બાદ ભાજપ દ્વારા વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે સપ્ટેમ્બર 2021માં રૂપાણીના સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

ગુજરાતમાં 2017માં 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી મતદાન થયું હતું. પરિણામ 18 ડિસેમ્બરે આવ્યા હતા. ગુજરાત વિધાનસભામાં બહુમતી માટે 92 બેઠકો જરૂરી છે. તે જ સમયે, હિમાચલ વિધાનસભાની 68 બેઠકો માટે 9 નવેમ્બર 2017ના રોજ મતદાન થયું હતું. ભાજપે 68માંથી 44 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. જયરામ ઠાકુરને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

પ્રિયંકા ગાંધી આજે હિમાચલના પ્રવાસે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે હિમાચલના પ્રવાસે છે. તેઓ અહીંથી કોંગ્રેસના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. પ્રિયંકા હિમાચલના સોલનમાં જનસભાને સંબોધશે. એક દિવસ પહેલા પીએમ મોદી હિમાચલના પ્રવાસે હતા. તેમણે ઉનામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ સાથે પીએમ મોદીએ IIIT ઉનાને રાષ્ટ્રને સમર્પિત કર્યું. તેમણે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સાથે તેમણે ચંબામાં બે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

હિમાચલમાં ભાજપ-કોંગ્રેસની હરીફાઈ, જ્યારે ગુજરાતમાં આપ પણ મેદાનમાં ઉતર્યો
આ વખતે હિમાચલ પ્રદેશમાં મુખ્ય હરીફાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો સાથે જ ગુજરાતમાં આ વખતે તમામ મોટી જાહેરાતો સાથે દિલ્હીની સત્તાધારી પાર્ટી AAP પણ મેદાનમાં છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચેની સ્પર્ધા ત્રિકોણીય માનવામાં આવી રહી છે.

Most Popular

To Top