National

અમદાવાદમાં પણ નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીના પડઘા પડ્યા, ઢાલગરવાડ અને ત્રણ દરવાજા બજાર બંધ

અમદાવાદ: મહંમદ પયગંબર સાહેબ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ભાજપ નેતા (BJP Leader) નૂપુર શર્માનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. શુક્રવારે (Friday) નમાજ બાદ મોટી સંખ્યામાં લોકો રસ્તા (Road) પર ઉતરી આવ્યા હતા અને નૂપુર શર્માનો વિરોધ કર્યો હતો. અમદાવાદમાં (Ahmedabad) પણ લાલ દરવાજા, ત્રણ દરવાજા, મીરાઝાપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી નૂપુર શર્માની ધરપકડ (Arrest) કરવા માંગ કરી તેના વિરોધમાં વેપાર-ધંધા બંધ રાખ્યા હતા.

ભાજપ નેતા નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીના પ્રત્યાઘાતો શુક્રવારે અમદાવાદમાં પણ પડ્યા હતા. શહેરના લાલ દરવાજા, ત્રણ દરવાજા, ઢાલગરવાડ, મિરઝાપુર વગેરે વિસ્તારોમાં બજારો બંધ રહ્યા હતા. બપોરની નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે નૂપુર શર્માની ધરપકડની માગણી સાથે ભારે સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કરતા એક તબક્કે શહેરમાં ટ્રાફિક જામ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બપોરે મિરઝાપુર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ સહિતનું સ્થાનિક લોકોનું ટોળું અચાનક જ રસ્તા પર નીકળી નૂપુર શર્માનો ભારે વિરોધ કરી ધરપકડ કરવા માગણી કરી સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસે સ્થાનિક લોકો અને આગેવાનો સાથે બેઠક યોજી ચર્ચાઓ કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. લોકોને સમજાવીને બધાને ઘરે રવાના કર્યા બાદ આ વિસ્તારમાં પરિસ્થિતિ રાબેતા મુજબ કરી હતી. બપોર બાદ અમદાવાદ શહેરમાં થયેલા નૂપુર શર્માના વિરોધને લઈને પોલીસ પણ સતર્ક બની હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શહેરના લાલ દરવાજા, મિરઝાપુર વિસ્તારમાં પોલીસે સ્થાનિક લોકો સાથે સમજાવટથી સમગ્ર મામલાને શાંત પાડ્યો હતો, અને વેપાર ધંધાને રાબેતા મુજબ કર્યા હતા. આ ઘટનાને લઇ સમગ્ર શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમ જ સામાજિક આગેવાનો અને અગ્રણીઓ સાથે મળીને અમદાવાદ ગુજરાતમાં કોઈ અનિચ્છનીય બનાવો અને ન ફેલાય તે માટેની શાંતિ અપીલ સાથે બેઠકો યોજી હતી.

નૂપુર શર્માના વિરોધમાં અમદાવાદમાં બજારો બંધ રાખવાનો મેસેજ ગુરૂવારથી જ સોશિયલ મિડીયામાં ફરતો થયો હતો. જેના પગલે મોડી રાત અને વહેલી સવાર સુધી પોલીસે સ્થાનિક લોકો અને વ્યાપારી સંગઠનો સાથે ધંધા-રોજગાર બંધ ન કરવા તેમજ આ મુદ્દે વિરોધ પ્રદર્શન ન કરવા સમજાવટની કાર્યવાહી કરવામાં આવી હતી. મુસ્લિમ સંગઠનો અને આગેવાનોએ પણ ધંધા રોજગાર બંધ ન કરવા અપીલ કરી હોવા છતાં શુક્રવારે અમદાવાદમાં લાલ દરવાજા, ત્રણ દરવાજા, ઢાલગરવાડ, મિરઝાપુર વગેરે વિસ્તારોમાં રોજગાર ધંધા બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top