SURAT

પાંડેસરા જીઆઇડીસીમાં તપાસ કરતા જીપીસીબીના હાથ થથરે છે? બે મીલોનો રિપોર્ટ દબાવી રાખ્યો

સુરત શહેરના માથે પ્રદૂષણનું સંકટ ઊભું કરનારી પાંડેસરા જીઆઇડીસીની કેટલીક મિલોમાં તપાસ કરતા જીપીસીબીના હાથ થથરે છે. પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં સાંજ પડતા કેમિકલયુક્ત ધૂમાડાનું આવરણ છવાઇ જાય છે જેના કારણે વિઝિબિલિટી ઘટી જાય છે અને લોકોની આંખમાં આંખમાં બળતરા થાય છે. આ પ્રકારની ગંભીર ફરિયાદો બાદ પણ જીપીસીબી હાથ જોડી બેસી રહી છે.

સુરત શહેરમાં લાંબા સમયથી પ્રદૂષણની ફરિયાદો ઉઠી છે. સુરત શહેરમાં ઉધના સહિત પાંડેસરા, ભેસ્તાન, સચીન અને પલસાણા વિસ્તારમાં ઠેરઠરે પ્રદૂષણ ઓકતા એકમોની ભરમાર છે. સુરત શહેર અને શહેર ફરતેના સેંકડો વિસ્તારોમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જળ વાયુ પ્રદૂષણ અટકાવતાં કાયદાઓના સરેઆમ ધજાગરા ઉડાવાયા છે. છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નિષ્ક્રિય છે.

તાજેતરમાં સુરત શહેરના વચ્ચોવચ આવેલા પાંડેસરા જીઆઇડીસીમાં પ્રદૂષણની ગંભીર ફરિયાદો ઉઠી હતી. પાંડેસરા જીઆઇડીસી વિસ્તારની ચારેક મિલોમાં બળતણમાં ગોબાચારીની બૂ આવી હતી. જેની અસર સીધી પાંડેસરા આસપાસના વિસ્તારોમાં જોવા મળી હતી. જીપીસીબીના અંતરંગ વતુર્ળોના જણાવ્યાનુસાર પાંડેસરા, સચીન,પલસાણા અને કડોદરા સહિત પીપોદરા વિસ્તારમાં સતત પ્રદૂષણની ફરિયાદો મળે છે. પરંતુ ટીમ પહોંચે તે પહેલા બધુ સગેવગે થઇ જાય છે.

પાંડેસરા જીઆડીસીમાં ગયા સપ્તાહમાં જીપીસીબીએ પારસ ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ મીલ તેમજ ભાગ્યલક્ષ્મી ડાંઇગ મીલમાં તપાસ કરી હતી. આ તપાસ થયા ને પણ ઘણા દિવસો વિતી ગયા છે. છતાં આસ્સિટન્ટ ઇજનેર ભાર્ગવ ગોહિલની ટીમે કોઇ જ રિપોર્ટ જમા કરાવ્યો નથી. કહેવાય છે કે પાંડેસરા જીઆઇડીસીની મીલમાં કરેલી તપાસમા ભીનું સંકેલવા ધમપછાડા કરવામાં આવી રહ્યાં છે.

પરંતુ નવી ભરતીના મદદનીશ ઇજનેર તરફથી હજી સુધી કોઇ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. જીપીસીબીના સૂત્રોએ કહ્યું હતું કે, મીલમાં બળતણ સહિત ચીમનીમાંથી નીકળતા ધૂમાડા અને ગેસના સેમ્પલ લઇ એનાલીસિસ માટે મોકલી દેવાયા છે. આગામી દિવસોમાં તેના અહેવાલ બાદ પાંડેસરાની ભાગ્યલક્ષ્મી અને પારસ મીલ સામે પગલા ભરાશે.

તપાસનો રિપોર્ટ આવવાનો બાકી છે
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુરત કચેરીના કાર્યકારી પ્રાદેશિક અધિકારી જીજ્ઞાબેન ઓઝાએ કહ્યું હતું કે, અમારી પાસે જે ફરિયાદો આવે છે તે મુજબ તપાસ થાય છે. ગત સત્તરમી તારીખે પાંડેસરા જીઆઇડીસીની ભાગ્યલક્ષ્મી અને પારસ ડાંઇગમીલમાં તપાસ થઇ હતી. તેના રિપોર્ટ આવવવાના બાકી છે. રિપોર્ટ આવ્યા બાદ વડીકચેરીને જાણ કરી દેવાશે.

જિજ્ઞાબેન ઓઝા (જીપીસીબી, આરઓ)
પ્લાસ્ટિક વેસ્ટ અને ચિંધી બળતણમાં સસ્તો વિકલ્પ હોવાથી પાંડેસરામાં ધૂમ વપરાશ

શહેરની વચ્ચોવચ્ચ આવેલી પાંડેસરા જીઆઇડીસીને કારણે આસપાસના પાંડેસરા રહેણાંક વિસ્તાર સહિત વડોદ, બમરોલી, ઉધના, ભેસ્તાન અને નજીકના ગામોમાં માઠી અસરો થાય તેવી સંભાવનાઓ વ્યકત કરાઇ રહી છે. કારણ કે પાંડેસરા જીઆઇડીસીની કેટલીક મિલોમાં પ્લાસ્ટિક વેસ્ટ તેમજ ચિંધીનો વપરાશ કરાય છે. બોઇલર ચલાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટ અને ચિંધીના વપરાશથી પ્રોસેસિંગની પડતર કિંમત નીચી જવાથી મિલમાલિકોને ફાયદો થાય છે. ચિંદી બે હજાર રૂપિયે ટન મળે છે. જેની સામે કોલસો ચાર ગણો અને ગેસ તેનાથી ડબલ મોંઘો પડતો હોય મીલ માલિકો લોકોના જાનમાનની પરવા કર્યા વિના રૂપિયા રળવાની લાલચમાં સસ્તુ બળતણ વાપરી રહ્યાં છે

Most Popular

To Top