સુરતઃ વાહનચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવાના કિસ્સામાં પ્રશાસન દ્વારા ઓનલાઈન મેમો ફટકારી દંડની વસૂલાત કરવામાં આવે છે. પાછલા 10 વર્ષમાં દેશભરમાં 34 કરોડ વાહન ચાલકો સામે ઈ-મેમો ઈશ્યુ થયા છે, જે પેટે સરકારે રૂપિયા 51 હજાર કરોડની વસૂલાત કાઢી છે.
સુરત શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા એમ પરિવહન ડિપાર્ટમેન્ટ (ડિજિટલ ટ્રાફિક / ટ્રાન્સપોર્ટ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ)ને કરવામાં આવેલી RTI અંતર્ગત આપવામાં આવેલ માહિતીમાંથી આ ખુલાસો થયો છે. વાહન ચાલકોને નિયમભંગના કેસમાં પકડીને ઈ-મેમો પાઠવીને નાગરિકો પાસેથી સરકાર કરોડોની વસૂલાત કરતી હોવાનું આ ડેટા પરથી ફલિત થાય છે.
સંજય ઈઝાવા અનુસાર પાછલાં 10 વર્ષમાં કેન્દ્ર સરકારના Mપરિવહન પોર્ટલ દ્વારા વાહન ચાલકોને 51 હજાર કરોડથી પણ વધારે રકમના ઈ-મેમો ફટકાર્યા છે. 51 હજાર કરોડના દંડની વસૂલાત માટે કુલ 34 કરોડ ઈ-મેમો બનાવ્યા છે. એટલે કે પ્રત્યેક ચલણ દીઠ 1490/- નો મેમો બન્યો છે. જેમાં ટુ, થ્રી, ફોર વહીલ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલનો સમાવેશ થઈ જાય છે.
કુલ 34,51,12,801 ઈ-ચલણ સામે 38.11% એટલે 13,15,34,132 ઈ-ચલણની ભરપાઈ થઈ છે. જ્યારે 21,35,78,669 ઈ-ચલણની વસુલાત હજુ બાકી છે. 5,14,42,25,02,183/- ઈ-ચલણ સામે 37.62% અટલે રૂ. 1,93,51,59,29,818/- ની રકમ વસૂલાત થઈ છે, જ્યારે 3,20,90,65,72,365/- ની રકમ વસુલવાની હજુ બાકી છે.
10 વર્ષમાં કોર્ટમાં મોકલવામાં આવેલા ઈ-ચલણની સંખ્યા 9,24,76,453 છે, જેમાં 1,47,24,224 ઈ-ચલણનો નિકાલ થયો છે પરંતુ હજુ 7,77,52,229 ઈ-ચલણના કેસ પેન્ડિંગ છે.
છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ ઈ-ચલણ જારી કરનાર 5 રાજ્યમાં તમિલનાડુ (7,20,88,715) ઉત્તરપ્રદેશ (6,82,55,430) કેરાલા (3,49,59,345) હરિયાણા (1,76,63,219) દિલ્લી (1,36,72,735) મોખરે છે. જ્યારે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ રેવન્યુ આવક ધરાવતા 5 રાજ્યોમાં ઉત્તરપ્રદેશ (રૂ. 3,622,04,86,605/-) હરિયાણા (રૂ. 2,060,45,81,519/-) રાજસ્થાન (રૂ.1,953,25,01,937/-) બિહાર (રૂ.1,838,74,78,973/-) મહારાષ્ટ (રૂ.1,514,72,79,011/-) મોખરે રહ્યાં છે.
પાછલા એક વર્ષમાં 9.36 કરોડ ચલણ ઈશ્યુ થયા
દેશભરમાં 01.05.2024 થી 31.05.2025 સુધીના એક વર્ષના સમયગાળામાં 9,36,88,430 જેટલા ઈ-ચલણ ઈશ્યુ થયા છે. છેલ્લા 1 વર્ષમાં ઈશ્યુ થયેલા ચલણ રૂ. 1,62,51,93,92,648/- પૈકી 22.32% અટલે રૂ. 36,28,07,21,892/- આવક થઈઃ 1,26,23,86,70,756/- હજુ વાહન ચાલકો પાસેથી વસૂલાત બાકી છે. છેલ્લા 1 વર્ષમાં સૌથી વધુ ઈ-ચલણ જારી કરનાર 5 રાજ્યમાં ઉત્તરપ્રદેશ (1,78,64,476) તમિલનાડુ (1,27,51,060) કેરાલા (1,16,99,312) ગુજરાત (68,90,741) હરિયાણા (41,93,801) નો સમાવેશ થાય છે.
