Comments

ગુડ છે પણ ગ્રેટ નહિ

એક દિવસ લીનાએ નાનકડી પીહુને કીધું સરસ અક્ષરે લખ.પીહુએ એક કલાક મહેનત કરીને ત્રણ પાનાનું હોમવર્ક સારા અક્ષરે લખ્યું અને મમ્મી આટલા સરસ અક્ષર જોઇને ખુશ થઈને વખાણ કરશે તેમ વિચારી મમ્મીને બતાવવા દોડી ગઈ.લીનાએ જોયું કે પીહુએ સરસ અક્ષરે લખ્યું હતું.તેને કહ્યું, ‘ઓકે બેટા ગુડ, સારું લખ્યું છે. હજી વધારે સારા અક્ષરે લખજે.’ પીહુ જરાક નિરાશ થઈ પણ પછી રમવા જતી રહી. વીક એન્ડ પર પીહુએ ફેમીલી સાથે બ્રેકફાસ્ટ કરતું હોય તેવું સરસ ડ્રોઈંગ બનાવ્યું.દાદા દાદીએ તેનાં વખાણ કર્યાં.પપ્પા પણ બહુ ખુશ થયા ને ચોકલેટ પણ આપી.મમ્મીને બતાવ્યું;તો મમ્મીએ ચિત્ર જોઈએ કહ્યું, ‘બેટા, સારું છે પણ હજી સારું તું દોરી શકીશ.બીજી વાર વધુ ધ્યાનથી દોરજે.’ પીહુની ક્લાસમાં ત્રીજી રેન્ક આવી ઘરમાં બધા ખુશ થયા; પણ મમ્મીએ કહ્યું, ‘સારી વાત છે ગુડ, પણ હજી વધુ મહેનત કરજે તો વધુ સારા માર્ક લાવી શકીશ અને રેન્ક પણ બીજી કે પહેલી આવી શકશે.’ મમ્મીની આ વાત સાંભળી પીહુ રડવા લાગી અને બોલી, ‘પપ્પા, મમ્મી હંમેશા મને ગુડ, સારું છે કહે છે, પણ વેરી ગુડ કે તારા જેટલું સરસ કોઈ ન લખી શકે કે આ તારી બેસ્ટ ડ્રોઈંગ છે કે તું તારી મહેનતથી બહુ સારા માર્ક્સ લાવી છો એમ ક્યારેય કહેતી જ નથી.હંમેશા એમ જ કહે છે કે ઓ.કે. આ સારું છે, પણ હજી સારું તું કરી શકીશ અને હજી વધુ સારું કરવા મહેનત કરજે.મને સમજાતું નથી મમ્મી કેમ આમ કરે છે? મને લાગે છે તે મને પ્રેમ જ નથી કરતી.’

પપ્પા બોલ્યા, ‘અરે બેટા, એવું ના બોલાય, તારી મમ્મી તને પ્રેમ નહિ કરે તો કોને કરશે? તે તને અમારા બધા કરતાં વધારે પ્રેમ કરે છે.’ પીહુ આંસુ લૂછતાં બોલી, ‘તો એ મને વાહ વેરી ગુડ કેમ કોઈ દિવસ કહેતી નથી.’ મમ્મી લીના કંઈ ન બોલી.રાત્રે અમરે પૂછ્યું, ‘લીના, પીહુને દુઃખ થાય છે. તું શું કામ તેને બેસ્ટ કહેતી નથી.શું કામ હંમેશા એમ કહે છે મહેનત કરી વધારે સારું કરજે?’ લીના બોલી, ‘અમર, જો આપણે પીહુના વધારે પડતા વખાણ કરીશું તો તેની પ્રગતિ અટકી જશે.મમ્મી-પપ્પા અને તમે તેના વખાણ કરો જ છો.હું પણ તેની સારી વાત માટે ગુડ કહું છું.પણ તે માત્ર સારું કામ કરી અટકી ન જાય એટલે હું તેને હંમેશા કહું છું કે આ ગુડ છે પણ તું હજી વધુ સારું કરી શકે છે.અમર જયારે પીહુ ગુડ મેળવીને જ ખુશ રહેશે તો આગળ વેરી ગુડ અને ગ્રેટ અને બેસ્ટ સુધી પહોંચી નહિ શકે એટલે હું હંમેશા તેની પ્રગતિ થતી રહે અને તે વધુ ને વધુ સારું કરવા મહેનત કરે તે માટે મોટીવેટ કરું છું.ભલે અત્યારે હું તેને વેરી ગુડ કે બેસ્ટ નથી કહેતી એટલે દુઃખી થાય છે પણ આગળ જયારે તે બેસ્ટ મેળવશે ત્યારે તે મારી વાત સમજી શકશે.’ અમર પત્નીની વાત સમજી ગયો.  
       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top