Feature Stories

પહેલા પીરિયડ્‌સની આપવીતી

માસિક ધર્મચક્ર શારીરિક અને માનસિક બંને રીતે છોકરીના જીવનમાં બદલાવ લઇને આવે છે. પીરિયડ્‌સમાં આવવું છોકરીના જીવનનો એક મહત્ત્વનો પડાવ છે. પીરિયડ્‌સ દરેક મહિલાના પ્રજનન સ્વાસ્થ્યનો અગત્યનો ભાગ છે. છતાં આપણા સમાજમાં બધાં શરમસંકોચ અનુભવે છે, ખુલ્લા દિલે એ વિશે વાતચીત, ચર્ચા કરતાં નથી એટલે જયારે કોઇ કિશોરી પહેલી વાર માસિકમાં આવે છે ત્યારે ગભરાઇ, મુંઝાઇ જાય છે. અલબત્ત આજે કોમ્પ્યુટર, ઇન્ટરનેટના યુગમાં તથા આજનું યુથ સ્માર્ટ હોવાથી માસિકધર્મ વિશેની જાણકારી મેળવી લે છે. અમે આજે સન્નારીઓને તેમના પહેલા પીરિયડ્‌સ અંગે વાતો કરી. શું તેઓ એ અંગે જાણતાં હતાં? કોણે એમને એ અંગે સમજણ આપી? તેઓની પ્રથમ પ્રતિક્રિયા શું હતી? અમે સજજનોને પણ આ અંગે પૂછયું કે તેઓએ સ્ત્રીના માસિકધર્મ વિશે કયારે અને કોની પાસેથી જાણકારી મેળવી? તો આવો જાણીએ તેમના અનુભવો તેમના જ શબ્દોમાં…..

મારી આંખનાં આંસુ મમ્માનાં હર્ષાશ્રુ બન્યાં: ગાયત્રીબહેન ગીરી
ગાયત્રીબહેન ગીરી સોશ્યલ વર્કર છે. તેઓ કહે છે કે, ‘‘કમલજીની કવિતાથી મને મારી તરુણાવસ્થા યાદ આવે. નવમા ધોરણનું મને યાદ છે. કો-એજયુકેશન એટલે કે છોકરા- છોકરી સાથે ભણીએ એટલે મારી પ્રિય રમત કબ્બડી. અમારા કલાસની થોડી છોકરીઓ ખાનગી ખાનગી વાતો કરે. અમને ક્લાસની ત્રણ છોકરીને એમાંથી બાકાત રાખે. કાઢી મૂકે, હડધૂત કરે, સિક્રેટ વાતો જણાવે નહીં. ઘણા વખતે ખબર પડી કે એ બધી છોકરીઓ માસિકમાં આવતી હતી. અમે ત્રણ જ નહોતાં આવતાં. થોડા સમય બાદ અમારી સ્કૂલમાં વડોદરાના ગાયનેકોલોજીસ્ટ ડૉ. મીનાબહેન શાહ વિદ્યાર્થીઓને પ્રજનન સ્વાસ્થ્ય વિશે સમજ આપવા આવ્યાં. તેમણે શરીરરચના, અંડકોશ, ગર્ભાશય, માસિક વિશે છોકરીઓને સમજાવ્યું. અમારા વખતમાં સેનેટરી પેડ જેવું મળે નહીં એટલે મમ્મીનો સાડલો કે દાદાનું ધોતિયું લઇ કરી રીતે ગડી કરી વાપરવું, બદલવું, ધોઇ, તડકામાં સૂકવવું વગેરે અમને શીખવ્યું. બે-ત્રણ મહિના બાદ વેકેશન પડયું ત્યારે હું માસિકમાં આવી. અમ્મા ઘરમાં હતાં નહીં. મને એ બહેનનું ડેમોસ્ટ્રેશન યાદ આવ્યું. મેં એ પ્રમાણે કપડાંની ગડી વાળી મૂકી દીધી. મારી મોટી બહેન પણ માસિકમાં આવતાં હતાં પણ મને ખબર નહીં કારણ કે હું તો છોકરા જેવી જ હતી. કોલોનીમાં છોકરાઓ સાથે રમવા જતી. પછી અમ્મા ઘરે આવ્યાં તો મેં એમને વાત કરી. તેમણે તો મને બાથમાં લઇ કપાળમાં ચૂમી કરી અને કહ્યું હવે તું મારા જેવી થઇ ગઇ. હું તો રડી પડી. એણે મને કહ્યું કે ચાલ હું તને બધું સમજાઉં, કપડાં આપું. મેં કહ્યું કે એ બધું તો મેં કરી દીધું. અમારી સ્કૂલમાં એક ડૉકટરે આવી અમને સમજાવ્યું હતું. અમ્માની આંખમાંથી હર્ષાશ્રુ નીકળી ગયાં. આ મારો પીરિયડ્‌નો પહેલો અનુભવ.’’

ઇન્ટરનેટ પરથી જાણ થઇ: હિતેશ પટેલ
હિતેશ પટેલ M.B.A. ના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. પીરિયડ્‌સ અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે, ‘મમ્મી ઘરનું મંદિર અચાનક બંધ કરી દેતાં હતાં તો હું એમને પૂછતો કે આ મંદિર કેમ બંધ કરી દો છો? પરંતુ મમ્મી જવાબ નહોતાં આપતાં. કહેતાં કે તને નહીં સમજાય. તું નાનો છે. બહેન જયારે માસિકમાં આવતાં થયાં ત્યારે પણ એને કહેતા કે અડકવાનું નહીં, પાણી નહીં આપવાનું, દૂર રહો વગેરે… ધીરે ધીરે હું મોટો થતો ગયો તો મને આશ્ચર્ય થતું હતું. મને જવાબ પણ નહોતો મળતો. મારો એક ફ્રેન્ડ હતો. તેની ગર્લફ્રેન્ડ હતી. એ તેમની સાથે વાત કરતો. તેણે મને જણાવ્યું કે એમને એક પ્રોબ્લેમ છે. લોહી નીકળે છે તો મને લાગ્યું કે આ તો બહુ ખરાબ કહેવાય. એમને દુખાવો થતો હશે. મમ્મીને ફરી પૂછયું તો એણે મને જવાબ ન આપ્યો. પછી ધીરે ધીરે ભણવામાં આવ્યું. પણ સરકારી શાળામાં બધું ઓપનલી ન કહે. હસીમજાકમાં જણાવે. તેમાં પણ જાણકારી ન થઇ. મોટો થતો ગયો તેમ ઇન્ટરનેટ પરથી મને ખબર પડી કે પીરિયડ્‌સ કોને કહેવાય? પેડ એટલે શું? મને નવાઇ એ લાગે છે કે આ તો એક નેચરલ પ્રોસેસ છે તો એના અંગે નિખાલસતાથી વાત કરતાં, એનાં સાધનો ખરીદતાં આટલાં શરમસંકોચ શા માટે?’’

ઘરમાં કોઇએ મને ન સમજાવ્યું: પૂજા આહીરે
પૂજા આહીરે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે. પહેલા પીરિયડ્‌સ અંગે વાત કરતા પૂજા કહે છે કે, ‘‘જયારે પહેલી વાર મને માસિક આવ્યું ત્યારે પહેલા દિવસે મને ખબર જ ન પડી. મેં આમ જ જવા દીધું પરંતુ જયારે બીજા દિવસે મને ગઠ્ઠા દેખાયા ત્યારે હું ગભરાઇ ગઇ અને મેં કાકીને પૂછયું કે આ શું છે? કાકીએ મને કીધું કે હું તને કહેવાની જ હતી. તારા કપડાં પર પણ લોહીના ડાઘ છે. તને માસિક આવ્યું છે. મને એ અંગે કંઇ જ ખબર નહોતી એટલે મેં ઘરમાં બધાંને પૂછયું પણ કોઇએ મને જણાવ્યું નહીં કે માસિક શું છે? એ કેમ આવે? પછી આઠમા ધોરણમાં અમારી સ્કૂલમાં એક ડૉકટર આવેલાં. તેમણે મને બધું સમજાવ્યું કે માસિક શું છે? એમાં લોહી કેમ નીકળે? મને ત્યારે જ માસિક અંગેની બધી જાણકારી મળી.’’

ડોગીને કંઈ વાગ્યું છે?: રજતસિંઘ રાજપૂત
રજતસિંઘ રાજપૂત કોલેજનો વિદ્યાર્થી છે. એ માસિક અંગે વાત કરતાં જણાવે છે કે, ‘‘પીરિયડ્‌સ અંગેની જાણકારી મને કયારે અને કેવી રીતે થઇ એ અંગે જણાવું તો હું સાતમા ધોરણમાં હતો ત્યારે મારા પાપાએ મને એક ફિમેલ ડોગ ગિફટમાં આપી. એ છ મહિનાની થઇ પછી એના બોડીમાંથી એક વાર લોહી નીકળ્યું. મને લાગ્યું કે એને કોઇ ઇજા થઇ હશે કે વાગ્યું હશે. પરંતુ પાંચ – છ દિવસ સુધી લોહી નીકળ્યું તો મને થયું કે આ શું થઇ રહ્યું છે? આવું પછી ચાલુ જ રહ્યું એટલે મને લાગ્યું કે આ કદાચ પીરિયડ્‌સ હોઇ શકે. મને મારી મમ્મી યાદ આવી. અમે જયારે શોપિંગ કરવા જતાં ત્યારે મમ્મી પેડનું પેકેટ ચોરીછૂપીથી લઇ ટ્રોલીમાં મૂકતી એટલે મને ખબર પડી. પીરિયડ્‌સ અંગેની બધી જાણકારી મને આઠમા ધોરણમાં મળી.’’

મને કંઈ વાગ્યું નથી તો પણ કેમ લોહી નીકળે છે?: દીપ્તિબહેન તળવી
અંકલેશ્વરમાં રહેતા દીપ્તિબહેન વર્કિંગ વુમન છે અને એક દીકરીની માતા પણ છે. દીિપ્તબહેન પીરિયડનો પ્રથમ અનુભવ વાગોળતાં જણાવે છે કે, ‘એ સમયે હું નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી, એક દિવસ જ્યારે ઘરે આવીને યુનિફોર્મ બદલી રહી હતી ત્યારે મને લોહીના ડાઘ દેખાયા જેથી હું તો ડરી ગઈ અને નિર્દોષતાથી મારા પપ્પાને કહેવા લાગી કે , મને કંઈ વાગ્યું નથી તો પણ કેમ લોહી નીકળે છે? જેથી મારા પપ્પાએ પરિસ્થિિત સમજીને મમ્મીને બોલાવીને મને સમજાવવા કહ્યું. એ સમયે આવી વાત તરત ગળે ઉતરી નહીં પણ સ્વીકાર્યા વગર છૂટકો ન હતો. તે સમયે આજની જેમ પેડ કે ટેંપુન સરળતાથી ઉપલબ્ધ ન હતા જેથી કપડાથી જ કામ ચલાવવું પડતું હતું એટલે એ ખરાબ થાય એટલે જાતે ધોવું પડતું અને એ મને એટલું ખરાબ લાગતું કે, બે દિવસ સુધી હું જમી પણ નહીં શકતી. મારી આવી હાલત જોઈને પપ્પા મારા માટે સેનેટરી પેડ લઈ આવ્યા હતા.’ આજની વાત કરતાં દીિપ્તબહેન કહે છે કે, મારા સાસરે આજે પણ જૂની પરંપરાઓ પાળવામાં આવે છે. જ્યારે હું પીરિયડમાં હોઉં છું ત્યારે હું સોફા પર બેસી નથી શકતી કે મારા કપડાં પણ કબાટમાંથી કાઢી નથી શકતી ને જ્યારે રસોઈ તૈયાર થઈ જાય ત્યારે મને અલગથી જમવાનું આપવામાં આવે છે. આ બધી પરંપરાઓ આજે પણ કેટલાંક ઘરોમાં જોવા મળે છે જેનું કારણ મને નથી ખબર.’

10

ત્યારે ‘માસિક’ શબ્દ અસ્પૃશ્ય હતો : કમલેશ યાજ્ઞિક
કમલેશ યાજ્ઞિક સાર્વજનિક યુનિવર્સિટી, સુરતના પ્રમુખ છે. પીરિયડ્સની જાણકારી બાબતે વાત કરતાં તેઓ જણાવે છે કે, ‘’ખબર તો જરા પણ પડતી નહીં પણ કોઈક દિવસો દરમ્યાન મા અચાનક જ રસોડામાં રાત્રે ચટાઈ અને શણનાં કાળા ધાબળા ઉપર સૂતી જોવા મળતી અને તેને અડી તો શકાતું જ નહીં. ક્યારેક પ્રશ્ન પૂછાતો તો ઉત્તર મળતો કે મા બીમાર છે અને અમે ભાઈબહેન માની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવા મંડી પડતાં અને પછી તો વર્ષો વીત્યાં અને નાની બહેનની ‘તંદુરસ્તી’ માટે આવી પ્રાર્થના કરવાની જાણે નોબત જ ન આવી, છતાં ય ત્યારે ‘માસિક’ શબ્દ અસ્પૃશ્ય જ હતો અને આજે પત્ની દ્વારા આ કુદરતી ઘટના ખૂબ સહજતાથી, ઘરની દીવાલોમાં કોઇ પણ ક્ષોભ વિના ચર્ચાય છે. લાંબો ગાળો ગયો, પણ ‘માસિક’ને મોકળાશ આપતો તો ચોક્કસ ગયો!

Most Popular

To Top